તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 9th June 2025
રાજ્યના ઉચ્ચ શિક્ષણમાં સુધારા : DEO કચેરીઓ ખાતે ૧૦ નવી નોડલ કચેરીઓ શરૂ કરાશે : કોલેજોના સીધા મોનિટરિંગ માટે ઉચ્ચ શિક્ષણ નિરીક્ષકોની નિમણૂક
વર્ગ-૨ના ૧૦ અધિકારીઓને વધારાનો ચાર્જ સોંપાયો : યુનિવર્સિટીઓ સિવાય હવે શિક્ષણ વિભાગ સીધું કોલેજોનું નિરીક્ષણ કરી ગુણવત્તા સુનિશ્ચિત કરશે

ગાંધીનગર, ૦૯ જૂન ૨૦૨૫: રાજ્યમાં ઉચ્ચ શિક્ષણની ગુણવત્તા સુધારવા અને કોલેજોના મોનિટરિંગને વધુ સઘન બનાવવા માટે શિક્ષણ વિભાગે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્યની DEO (જિલ્લા શિક્ષણ અધિકારી) કચેરીઓ ખાતે ૧૦ નવી નોડલ કચેરીઓ શરૂ કરવામાં આવશે. આ કચેરીઓના સંચાલન માટે ઉચ્ચ શિક્ષણ નિરીક્ષક (વર્ગ-૨) ની ૧૦ નવી જગ્યાઓ પણ ઊભી કરવામાં આવી છે.
વિવિધ જિલ્લાઓમાં ફરજ બજાવતા વર્ગ-૨ના ૧૦ અધિકારીઓને હાલ પૂરતો આ નવી નોડલ કચેરીઓનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. પ્રાથમિક તબક્કે, આ નોડલ કચેરીઓ જે-તે જિલ્લાની ડીઈઓ કચેરીમાં જ કાર્યરત રહેશે. આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે, ઉચ્ચ શિક્ષણ વિભાગના સીધા સંપર્કમાં રહીને આ વર્ગ-૨ના અધિકારીઓ કોલેજોમાં નિયમિત નિરીક્ષણ કરી શકશે અને તેના અહેવાલો સીધા ઉચ્ચ શિક્ષણ વિભાગને સુપ્રત કરી શકશે.
હાલમાં, રાજ્યની કોલેજો સંબંધિત યુનિવર્સિટીઓ સાથે સંલગ્ન હોય છે, પરંતુ તેમના સીધા મોનિટરિંગ માટે શિક્ષણ વિભાગના કોઈ ખાસ અધિકારીઓ કાર્યરત નહોતા. શાળાના સંચાલન, મોનિટરિંગ અને ઇન્સ્પેક્શન માટે તમામ જિલ્લાઓમાં DEO, ડીપીઈઓ (જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી) અને શાસનાધિકારીની કચેરીઓ ઉપલબ્ધ છે, તેવી જ રીતે હવે કોલેજોનું પણ સઘન મોનિટરિંગ થઈ શકે તે માટે તમામ જિલ્લાઓમાં નોડલ કચેરી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
વિભાગના ઠરાવ મુજબ, આ દરેક નવી નોડલ કચેરીમાં શિક્ષણ સેવા વર્ગ-૨ના ૧ અધિકારી અને ૧ કમ્પ્યુટર ઓપરેટર ઉપલબ્ધ કરાશે. આ પગલું ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે પારદર્શિતા અને જવાબદારી વધારવામાં મદદરૂપ થશે, જેનાથી શિક્ષણની ગુણવત્તામાં પણ સુધારો જોવા મળશે.
(11:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
