News of Saturday, 7th June 2025
અમદાવાદના સૈજપુર-બોઘા વિસ્તારમાં હેવમોર આઈસ્ક્રીમના ગોડાઉનમાં ભીષણ આગ : જીવ બચાવવા બાલ્કનીમાંથી કુદ્યા
ગ્રાઉન્ડ ફ્લોર પર ગોડાઉનમાં બેટરી ચાર્જ કરવા માટે મુકાઈ હતી .ઓવર હીટીંગના કારણે બેટરીમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં 3 સાયકલો પણ બળીને રાખ થઈ

અમદાવાદ શહેરના સૈજપુર-બોઘા વિસ્તારમાં રહેણાંક મકાનમાં આવેલા હેવમોર આઈસ્ક્રીમના ગોડાઉનમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે. ગ્રાઉન્ડ ફ્લોર પર ભભૂકેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં પ્રથમ માળે ફસાયેલા બે લોકો જીવ બચાવવા બાલ્કનીમાંથી નીચે કૂદી પડ્યા હતા. જેમાં એક વ્યક્તિને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, શહેરના સૈજપુર-બોઘા વિસ્તારમાં આવેલી બિસ્કિટ ગલીમાં બે માળના રહેણાંક મકાનના ગ્રાઉન્ડ ફ્લોરને ભાડે આપવામાં આવતા આઈસ્ક્રીમનું ગોડાઉન બનાવવામાં આવ્યું હતુ, જેમાં આઈસ્ક્રીમની બેટરીવાળી સાયકલો રાખવામાં આવતી હતી. જ્યારે ઉપરના માળે સાયકલની ફેરી મારનારા આઠેક લોકો રહે છે.
ગત રાતના સમયે ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા ગોડાઉનમાં બેટરી ચાર્જ કરવા માટે મૂકવામાં આવી હતી. જે પૈકી ઓવર હીટીંગના કારણે બેટરીમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં 3 સાયકલો પણ બળીને રાખ થઈ ગઈ હતી. આગના કારણે ધુમાડાના ગોટેગોટા ઉડતાં સમગ્ર વિસ્તારમાં અફરા-તફરી મચી જવા પામી હતી.
આ સમયે પહેલા માળે રહેતા પાંચેક જેટલા લોકો બાલ્કનીમાં આવીને ફસાઈ ગયા હતા. બીજી તરફ આ બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડનો કાફલો પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ફાયર વિભાગની ટીમ પહોંચે તે પહેલા બાલ્કનીમાં રહેલા બે જણા જીવ બચાવવા નીચે કૂદી પડ્યા હતા. જે પૈકી એક વ્યક્તિને માથામાં ગંભીર ઈજા થતાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જ્યારે અન્ય લોકોને ફાયર બ્રિગેડની ટીમ દ્વારા હેમખેમ નીચે ઉતારવામાં આવ્યા હતા.
જે બાદ ફાયર વિભાગની ટીમે પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો. રહેણાંક મકાનનો કોમર્શિયલ હેતુ માટે ઉપયોગ થતો હોવાથી આ બાબતે એસ્ટેટ વિભાગને જાણ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ જાણવા મળ્યું છે.
(9:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
