<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th June 2025

ગિફ્ટ સિટીમાં ઇન્ફોસિસના નવા ડેવલોપમેન્ટ સેન્ટરનો મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે પ્રારંભ : AI અને ફિનટેક કેન્દ્રિત અભિગમ સાથે 32 કરોડનું રોકાણ : 1 હજાર પ્રોફેશનલ્સને રોજગારીનો લક્ષ્યાંક

રાજ્યમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત પ્રણાલી સ્થાપિત કરીને AI ઇન્ડસ્ટ્રીને પ્રોત્સાહન આપવાની નેમ : વડાપ્રધાનના વિઝનથી ગિફ્ટ સિટી ટેક અને ફિનટેક હબ બન્યું હોવાનો મુખ્યમંત્રીનો દાવો

ગાંધીનગર : મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે આજે ગિફ્ટ સિટીમાં ઇન્ફોસિસના નવા ડેવલોપમેન્ટ સેન્ટરનો પ્રારંભ કરાવતા રાજ્યમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત પ્રણાલી સ્થાપિત કરીને AI ઇન્ડસ્ટ્રીને પ્રોત્સાહન આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આ નવું સેન્ટર ફિનટેક, AI, ડેટા એનાલિટિક્સ, બ્લોકચેન અને ક્લાઉડ આધારિત સુવિધાઓ વિકસાવવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.
ગિફ્ટ સિટીમાં AI સેન્ટર ઑફ એક્સલન્સ:
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું કે, ગિફ્ટ સિટીમાં AI સેન્ટર ઑફ એક્સલન્સની શરૂઆત કરીને રાજ્યમાં નવા સોલ્યુશન બનાવનારા નિષ્ણાતો, પ્રોફેશનલ્સ અને સ્ટાર્ટ-અપ્સને એકસાથે લાવવા માટે એક મંચ તૈયાર કરાયો છે. ઇન્ફોસિસ દ્વારા ગિફ્ટ સિટીમાં કાર્યરત થયેલું આ ડેવલોપમેન્ટ સેન્ટર ફિનટેક ફ્રેમવર્ક અંતર્ગત અત્યાધુનિક નાણાંકીય ટેકનોલોજીના સોલ્યુશન્સ પૂરા પાડવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. આ ઉપરાંત, ગ્લોબલ સર્વિસીસ અને ઇનોવેશન પર પણ વિશેષ ભાર મૂકવામાં આવશે.
આધુનિક ટેકનોલોજી અને રોજગારીની તકો:
આ સેન્ટર નાણાકીય સંસ્થાઓ માટે ખાસ તૈયાર કરાયેલ અદ્યતન એનાલિટિક્સ, મશીન લર્નિંગ અને AI-સંચાલિત ઇનસાઇટ્સ પૂરી પાડશે. સાથે જ, ડિજિટલ પેમેન્ટ, સ્માર્ટ કરારો અને એસેટ ટોકનાઇઝેશન માટે સુરક્ષિત, પારદર્શક સોલ્યુશન્સનું વિશ્લેષણ પણ કરવામાં આવશે. 32 કરોડ રૂપિયાના રોકાણ સાથે શરૂ થયેલું ઇન્ફોસિસનું આ ડેવલોપમેન્ટ સેન્ટર અંદાજે 1,000થી વધુ પ્રોફેશનલ્સને રોજગારીના અવસર પૂરા પાડશે.
મુખ્યમંત્રીનું વિઝન અને ઇન્ફોસિસનો આભાર:
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે આ ડેવલોપમેન્ટ સેન્ટર ગુજરાતમાં શરૂ કરવા બદલ ઇન્ફોસિસનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આગવા વિઝનથી શરૂ થયેલું ગિફ્ટ સિટી દેશનું ટેક અને ફિનટેક હબ બન્યું છે અને વિશ્વના અનેક અગ્રણી IT, ફિનટેક તેમજ ન્યૂ એજ ટેકનોલોજીના એકમો ગિફ્ટ સિટીમાં કાર્યરત છે. તેમણે ઉમેર્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરાવેલા ડિજિટલ ઇન્ડિયા મિશનના પરિણામે પાછલા એક દશકમાં ટેકનોલોજીની પરિભાષા બદલાઈ ગઈ છે. વડાપ્રધાનના નેતૃત્વમાં પાછલા 11 વર્ષમાં દેશમાં IT આધારિત ઉદ્યોગો, સેમીકંડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રને વિશેષ પ્રોત્સાહન આપવા પોલિસીઝ અને મિશન શરૂ થયા છે.
મુખ્યમંત્રીએ કહ્યું કે, ભારતને સોફ્ટ પાવર લીડર અને નોલેજ બેઝ્ડ ઇકોનોમીમાં અગ્રેસર રાખવામાં ગુજરાત લીડ લેવા સજ્જ છે. તેમણે રાજ્યમાં ઇનોવેશન ક્ષેત્રે યુવાઓનું માર્ગદર્શન કરતી "આઈ-ક્રિએટ"ની સ્થાપનામાં ઇન્ફોસિસના સંસ્થાપક નારાયણ મૂર્તિની મહત્વપૂર્ણ ભૂમિકાને પણ યાદ કરી હતી.
ઇન્ફોસિસની પ્રગતિ ગાથા:
ઇન્ફોસિસના CEO જયેશ સંઘરાજિકાએ આ પ્રસંગે ઇન્ફોસિસની પ્રગતિ ગાથા રજૂ કરતા જણાવ્યું કે, વૈશ્વિક કન્સલ્ટિંગ અને IT સેવાઓ પ્રદાન કરતી ઇન્ફોસિસની સ્થાપના 1981માં થઈ હતી. વૈશ્વિક સાહસોની સિસ્ટમ્સ અને કાર્યપદ્ધતિઓનું સંચાલન કરવામાં ચાર દાયકાથી વધુના બહોળા અનુભવ સાથે, ઇન્ફોસિસ 56 દેશોમાં તેના ક્લાયન્ટ્સને કુશળતાપૂર્વક માર્ગદર્શન પૂરું પાડે છે અને 3.20 લાખથી વધુ કર્મચારીઓનું સંખ્યાબળ ધરાવે છે. તેમણે ઉમેર્યું કે, 2024માં ઇન્ફોસિસને ભારતના શ્રેષ્ઠ નોકરીદાતાઓમાંના એક તરીકે માન્યતા મળી છે અને મહિલાઓ માટે ભારતના શ્રેષ્ઠ કાર્યસ્થળોમાં સતત ચોથા વર્ષે ટોચની 50 મોટી કંપનીઓમાં સ્થાન પ્રાપ્ત થયું છે.
આ અવસરે સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના અગ્ર સચિવ મોના ખંધાર, IFSCAના ચેરપર્સન કે રાજારમણ, ઇન્ફોસિસના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ રજનીશ માલવિયા, નિલાદ્રી પ્રસાદ મિશ્રા અને રાજ્યના ICT અને ઇ-ગવર્નન્સ ડાયરેક્ટર કવિતા શાહ તથા અન્ય આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.

(7:56 PM IST)