તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 6th June 2025
વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ 2025 : ગુજરાત સરકારનો 'સુરક્ષિત ખોરાક સ્વસ્થ ભવિષ્યનો આધાર' મક્કમ નિર્ધાર : 10.5 કરોડનો શંકાસ્પદ ખાદ્ય જથ્થો જપ્ત
ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા વર્ષ દરમિયાન 190થી વધુ રેડ કરીને 351 ટન શંકાસ્પદ ખાદ્ય પદાર્થ જપ્ત કરાયો : 6.21 કરોડનો દંડ ફટકારાયો, અને 15.3 ટન બગડેલો ખોરાક નષ્ટ કરાયો

ગાંધીનગર, [જૂન ૭, ૨૦૨૫]: આજે 7 જૂન, "વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ" તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષની થીમ "Science in Action" છે, જે ખોરાકની સલામતી માટે વિજ્ઞાનની જરૂરિયાત અને મહત્વતા પર ભાર મૂકે છે. ગુજરાત સરકાર "સુરક્ષિત ખોરાક, સ્વસ્થ ભવિષ્ય" ના મંત્ર સાથે સામાન્ય નાગરિકોને આરોગ્યપ્રદ, શુદ્ધ અને સલામત આહાર મળી રહે તે માટે કટિબદ્ધ છે. ખોરાક અને ઔષધ નિયમન તંત્ર આ નિર્ધારને સાકાર કરવા માટે સતત પ્રયાસરત છે. વર્ષ 2023-24માં આ તંત્રની કામગીરીને બિરદાવતા ભારત સરકારની ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (FSSAI) દ્વારા ગુજરાતને અગ્રિમ હરોળના રાજ્ય તરીકે પુરસ્કૃત કરવામાં આવ્યું હતું.
તંત્રની સઘન કામગીરીના મુખ્ય અંશો
ખોરાકના નમૂનાની ચકાસણી અને ગુણવત્તા નિયંત્રણ:
ગુજરાતના નાગરિકોને આરોગ્યપ્રદ ખાદ્ય જથ્થો ઉપલબ્ધ થાય તે માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા સમગ્ર વર્ષ દરમિયાન વિશેષ કાળજી રાખવામાં આવે છે. વર્ષ દરમિયાન કુલ 1.28 લાખથી વધુ ફૂડ સેફટી લાયસન્સ અને રજીસ્ટ્રેશન આપવામાં આવ્યા છે. આ ઉપરાંત, તંત્ર દ્વારા 23,570 ઇન્સ્પેક્શન અને 12,334 હાઇ-રિસ્ક ઇન્સ્પેક્શન કરવામાં આવ્યા છે. ગત વર્ષ 2024-25 દરમિયાન તંત્રની પ્રયોગશાળા દ્વારા કુલ 60,448 ખાદ્ય નમૂનાની ચકાસણી કરવામાં આવી હતી, જેમાંથી 1.45 ટકા નમૂના નાપાસ અને 0.17 ટકા નમૂના અસુરક્ષિત જાહેર થયા હતા. આ ચકાસણી માટે તંત્ર દ્વારા કુલ 16,163 એન્ફોર્સમેન્ટ તેમજ 44,285 સર્વેલન્સ નમૂના લેવામાં આવ્યા હતા.
તહેવારો દરમિયાન વિશેષ ડ્રાઇવ અને દંડની કાર્યવાહી:
નાગરિકોની ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તંત્ર દ્વારા વર્ષ દરમિયાન આવતા વિવિધ તહેવારોને ધ્યાને લઇ કુલ 18 સ્પેશ્યલ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડ્રાઈવ દરમિયાન 190થી વધુ રેડ કરીને તંત્ર દ્વારા જાહેર જનતાના હિતમાં 10.5 કરોડ રૂપિયા જેટલી બજાર કિંમત ધરાવતો 351 ટનથી વધુ શંકાસ્પદ ખાદ્ય પદાર્થનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. આ જથ્થામાં સૌથી વધુ ઘી, મીઠાઈ, માવો, અનાજ તથા અન્ય ખાદ્યપદાર્થોનો સમાવેશ થાય છે. આ સ્પેશ્યલ ડ્રાઈવ સમયે 26 લાખ રૂપિયાથી વધુની કિંમત ધરાવતા 15.3 ટનથી વધુ બગડી અને સડી ગયેલા ખાદ્ય પદાર્થનો નાશ પણ કરાવવામાં આવ્યો હતો.
કાયદાકીય કાર્યવાહી અને દંડ:
નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા તત્વો સામે તંત્ર દ્વારા ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડસ એક્ટ-2006ના ઉલ્લંઘન બદલ વર્ષ દરમિયાન 980 એડજ્યુડિકેશન કેસ દાખલ કરવામાં આવ્યા છે. જે પૈકીના 864 કેસોનો સફળતાપૂર્વક નિકાલ કરીને દોષિતોને કુલ 6.21 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ ઉપરાંત અસુરક્ષિત ખાદ્ય પદાર્થના કિસ્સામાં પણ વર્ષ દરમિયાન કુલ 87 કોર્ટ કેસ દાખલ કરવામાં આવ્યા હતા, જેમાં દોષિત પૂરવાર થયેલા ઇસમોને 54.42 લાખ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે. છેલ્લા એક વર્ષ દરમિયાન અખાદ્ય ખોરાક બાબતે કોર્ટમાં દાખલ કરવામાં આવેલા કુલ 46 કેસોમાં 67 આરોપીઓને કોર્ટે ગુન્હેગાર ઠરાવીને 24.26 લાખ રૂપિયાનો દંડ તેમજ 6 માસની સજાના હુકમો પણ કરવામાં આવ્યા છે.
ફૂડ સેફ્ટી ઓન વ્હિલ્સ અને જાગૃતિ કાર્યક્રમો:
ખાદ્ય પદાર્થોની સ્થળ પર જ પ્રાથમિક ચકાસણી થઇ શકે તે માટે તંત્ર દ્વારા રાજ્યભરમાં કુલ 32 “ફૂડ સેફ્ટી ઓન વ્હિલ્સ” કાર્યરત છે. વર્ષ દરમિયાન આ વ્હિલ્સ દ્વારા 1.24 લાખથી વધુ નમૂનાની સ્થળ પર જ ચકાસણી કરવામાં આવી હતી. આ ઉપરાંત, ફૂડ સેફ્ટી ઓન વ્હિલ્સ દ્વારા રાજ્યના સામાન્ય નાગરિકો અને ખાદ્ય પદાર્થોના વેપારીઓ માટે 5,370 જાગૃતિ કાર્યક્રમ અને 4,352 ટ્રેનિંગ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
'ઇટ રાઇટ ઇનિશિએટિવ્સ' અને ભવિષ્યની યોજનાઓ:
વર્ષ 2024-25માં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા જુદા-જુદા ઇટ રાઇટ ઇનિશિએટિવ્સ હેઠળ આશરે 125 ઇટ રાઇટ કેમ્પસનું ઓડિટ અને સર્ટિફિકેશન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાત વિધાનસભા, 12 ક્લિન સ્ટ્રીટ ફૂડ હબ, 10,620 હાયજીન રેટિંગ, 31 ઇટ રાઇટ સ્ટેશન (જેમ કે વડનગર રેલવે સ્ટેશન), 7 ક્લિન ફ્રુટ એન્ડ વેજીટેબલ માર્કેટ, 58 ઇટ રાઇટ પ્લેસ ઓફ વર્સિસ (જેમ કે સોમનાથ મંદિર), 1,163 ફોસ્ટાક ટ્રેનિંગ અને 8 ઇટ રાઇટ સ્કૂલનો સમાવેશ થાય છે. ભવિષ્યમાં વધુ નમૂનાની ચકાસણી માટે, રાજ્ય સરકાર દ્વારા ગાંધીનગર/અમદાવાદ, મહેસાણા, જૂનાગઢ અને વલસાડ એમ વધુ 4 નવી લેબોરેટરી મંજૂર કરવામાં આવી છે. આ લેબ કાર્યરત થવાથી તંત્ર દ્વારા બમણી ક્ષમતા અને ઓછા સમયમાં ખાદ્ય નમૂનાનું પરીક્ષણ થઇ શકશે, જે સુરક્ષિત ખોરાકના લક્ષ્યને વધુ મજબૂત બનાવશે.
(1:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
