તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 6th June 2025
એસ.ટી.ને વેકેશન ફળ્યું, કુલ રૂપિયા ૩.૭૮ કરોડની આવક થઇ
મહારાષ્ટ્ર તથા રાજસ્થાનમાં પણ આંતરરાજ્ય સેવાઓનો લાભ મળ્યો : ૮ લાખથી વધુ મુસાફરોને મળ્યો લાભઃ ધાર્મિક અને આંતરરાજ્ય પ્રવાસ માટે ખાસ ટ્રિપનું આયોજન

અમદાવાદ તા.૬: ગુજરાત રાજ્યમાં પરિવહન સેવા પૂરી પાડતી ગુજરાત રાજ્ય એસ.ટી. નિગમ દ્વારા ઉનાળા વેકેશન દરમ્યાન એસ.ટી નિગમ દ્વારા મુસાફરોની સુવિધા માટે રાજ્યના જુદા જુદા અને મોટા શહેરોને જોડતી દૈનિક ૧૪૦૦થી વધુ એક્સ્ટ્રા બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું. એસ.ટી. નિગમ દ્વારા ૧ મેથી ૩૧ મે ૨૦૨૫ દરમ્યાન કુલ ૧૬,૪૩૮ બસ ટ્રિપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમ્યાન બસોએ કુલ ૧૫.૬૧ લાખ કિમીનું અંતર કાપ્યું હતું. એસ.ટી. ને આ સંચાલન દ્વારા રૂપિયા ૩.૭૮ કરોડની આવક થઈ છે. જ્યારે વર્ષ ૨૦૨૪માં મે મહિનામાં કુલ ૧૧,૬૭૪ ટ્રિપનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનાથી એસ.ટીને રૂપિયા ૨.૯૪ કરોડની આવક થઈ હતી.
મહારાષ્ટ્ર તથા રાજસ્થાનમાં પણ આંતરરાજ્ય સેવાઓનો લાભ મળ્યો
આ આયોજન મુજબ સુરતથી સૌરાષ્ટ્ર તરફ અંદાજે ૫૦૦ ટ્રિપ, સૌરાષ્ટ્રથી ઉત્તર ગુજરાત તરફ અંદાજે ૨૧૦, દક્ષિણ ગુજરાતથી ઉત્તર ગુજરાત તરફ અંદાજિત ૩૦૦ અને સૌરાષ્ટ્ર તરફ ૩૦૦ ટ્રિપના આયોજનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, વેકેશનના સમયગાળામાં મુસાફરોને ગુજરાતમાંથી પાડોશી રાજ્ય મહારાષ્ટ્ર તથા રાજસ્થાનમાં પણ આંતરરાજ્ય સેવાઓનો લાભ મળ્યો છે.
૮ લાખથી વધુ મુસાફરોને મળ્યો લાભ
એસ.ટી.દ્વારા ૧ મેથી ૩૧ મે ૨૦૨૫ દરમ્યાન ૨૭૮૦ એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવી હતી. આ બસોએ કુલ ૧૬,૪૩૮ એક્સ્ટ્રા ટ્રિપ કરી હતી, જેનો લાભ ૮.૨૨ લાખ લોકોએ લીધો હતો. વર્ષ ૨૦૨૪માં આ જ સમયગાળામાં ૧૯૮૮ એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવી હતી. આ બસોએ કુલ ૧૧,૬૭૪ એક્સ્ટ્રા ટ્રિપ કરી હતી, જે દરમ્યાન ૫.૮૪ લાખ લોકોએ મુસાફરી કરી હતી. એટલે કે, ઉનાળુ વેકેશનમાં એસ. ટી. નિગમ દ્વારા કાર્યરત એક્સ્ટ્રા બસોમાં મુસાફરી કરનારા લોકોની સંખ્યામાં વાર્ષિક ૨.૩૮ લાખનો વધારો થયો છે.
ધાર્મિક અને આંતરરાજ્ય પ્રવાસ માટે ખાસ ટ્રિપનું આયોજન
ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ દ્વારા પ્રવાસીઓ ધાર્મિક સ્થળોના દર્શને જઈ શકે તે માટે અમદાવાદથી અંબાજી, સોમનાથ, દ્વારકા માટે રોજની ૧૦ ટ્રિપ અને ડાકોર, પાવાગઢ, ગીરનાર માટે રોજની ૫ ટ્રિપ તથા પ્રવાસન સ્થળો જેવા કે, સ્ટેચ્યુ ઑફ યુનિટી, સાસણગીર, સાપુતારા માટે અમદાવાદથી રોજની ૫ ટ્રિપ તેમજ દીવ અને કચ્છનાં પ્રવાસ માટે અમદાવાદથી રોજની ૧૦ બસોની ટ્રિપનું આયોજન કરવામાં આવ્યું હતું.
આંતરરાજ્ય પ્રવાસ માટે રાજસ્થાનના માઉન્ટ આબુ અને સુન્ધામાતા જવા માટે અમદાવાદથી રોજની બે ટ્રિપ તેમજ મહારાષ્ટ્રના શિરડી, નાશિક, ધુલીયા જેવા સ્થળોએ મુસાફરી માટે અમદાવાદના ગીતા મંદિરથી રોજની બે ટ્રિપનું આયોજન કરવામાં આવ્યું હતું.(૩૮.૬ )
(9:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
