<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th June 2025

પર્યાવરણ સંરક્ષણ માટે સૌએ હકારાત્મક અભિગમ અપનાવવો જરૂરી : ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખ

વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી અંતર્ગત રાજપીપલામાં વોકેથોન અને ક્લીનિંગ ડ્રાઈવનું આયોજન

(ભરત શાહ દ્વારા ) નર્મદા: વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાવવાના હેતુથી રાજપીપલામાં વિશાળ વોકેથોન અને ક્લીનિંગ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. વોકેથોન રેલી ધાબા ગ્રાઉન્ડથી શરૂ થઈ લાલ ટાવર થઈને સરદાર ટાઉનહોલ ખાતેના સર વિનાયક રાવ વૈદ્ય ગાર્ડન ખાતે પૂર્ણ થઈ હતી. બેનર, પ્લે કાર્ડના માધ્યમથી નગરજનોને પર્યાવરણ સંરક્ષણનો સંદેશો પાઠવવામાં આવ્યો હતો.

  આ પ્રસંગે પ્રેરક ઉપસ્થિતિ નોંધાવતા નાંદોદના ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખે આ રેલી ને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ તકે તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સ્વચ્છતા સંદેશને દરેક નાગરિકે પોતાના જીવનમાં આત્મસાત કરવો જરૂરી છે. આજના સમયમાં પર્યાવરણની જાળવણી અત્યંત આવશ્યક બની ગઈ છે, જેમાં વૃક્ષારોપણ, વૃક્ષોની સંભાળ અને રક્ષણ પણ તેટલું જ મહત્વનું છે. આજે રાજપીપળા નગરમાં યુવાનો, બાળકો, મહિલાઓ અને વહીવટી તંત્રના અધિકારીઓએ જે ઉત્સાહપૂર્વક વોકેથોનમાં ભાગ લીધો છે, તે સરાહનીય છે. હું નાગરિકો ને અનુરોધ કરું છું કે, તેઓ પર્યાવરણ સંરક્ષણનો હકારાત્મક અભિગમ અપનાવે અને પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરે.
  પ્રારંભમાં મહાનુભાવો દ્વારા સ્વચ્છતાકર્મીઓનું સન્માન કરાયું હતું. જે બાદ મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત ઝુંબા ડાન્સ દ્વારા વોર્મઅપ કરાવવામાં આવ્યું હતું. વોકેથોન દરમિયાન અધિકારીઓ, કર્મચારીઓ, વિદ્યાર્થીઓ, યુવાનો તથા નાગરિકોએ સક્રિય ભાગ લીધો હતો. તમામ ભાગ લેનાર સફેદ પોષાકમાં જોવા મળ્યા હતા, જે એકતા અને પર્યાવરણ માટેના પ્રતિબદ્ધતાના પ્રતિકને પ્રતિબિંબિત કરી રહ્યા હતા. રેલીના રૂટ પર નાગરિકોએ સાફસફાઈ હાથ ધરી હતી.
  નોંધનીય છે કે, વોકેથોનના સમાપન સમયે સરદાર ટાઉનહોલ ખાતે ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખના હસ્તે સિંદૂર વૃક્ષ વાવ્યું હતું. અધિકારીઓ અને નાગરિકો દ્વારા પણ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતુ



 

(11:01 PM IST)