તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 5th June 2025
અમદાવાદ મનપાનો મોટો નિર્ણય :ભગવાન જગન્નાથની રથયાત્રાના રૂટ પરના જર્જરીત મકાનોનું લિસ્ટ બનાવશે
રથયાત્રા દરમિયાન ભયજનક મકાનો પાસે AMC અને પોલીસ સ્ટાફ તહેનાત રહેશે: આ વર્ષે પણ AMCએ રથયાત્રાના રૂટ પર આવેલા 1000થી વધુ મકાનોને નોટિસ પાઠવી

અમદાવાદમાં ભગવાન જગન્નાથની 148મી રથયાત્રાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ભગવાન જગન્નાથની રથયાત્રા પહેલા આગામી 11 જૂને જળયાત્રા નીકળશે. ત્યારે ભગવાન જગન્નાથની નગરચર્ચાને લઈને અમદાવાદ મહાનગર પાલિકાએ મહત્વનો નિર્ણય લીધો છે. રથયાત્રાના રૂટ પર આવેલા જર્જરીત મકાનોનું લિસ્ટ બનાવવામાં આવશે. રથયાત્રા દરમિયાન ભયજનક મકાનો પાસે AMC અને પોલીસ સ્ટાફ તહેનાત કરવામાં આવશે. લિસ્ટેડ મકાનો પર સ્ટાફ મુકવા નિર્ણય કરાયો છે.
અમદાવાદ મહાનગર પાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, રથયાત્રાના રૂટ પર રહેલા ભયજનક મકાનો પર AMC અને પોલીસનો સ્ટાફ તૈનાત રહેશે. લિસ્ટેડ મકાનો પર સ્ટાફને મુકવા માટે મહત્વનો નિર્ણય લેવાયો છે. રથયાત્રાના રૂટ પરના જર્જરિત મકાનોને AMC દ્વારા નોટિસ અપાઈ રહી છે. 2 વર્ષ અગાઉ દરિયાપુરમાં પહોંચેલી રથયાત્રા દરમિયાન એક મકાનની ગેલેરી પડતા જાનહાનિનો બનાવ સામે આવ્યો હતો. જેને લઈને આ વખતે કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે સાવચેતીના ભાગરૂપે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને શહેરમાં ઠેર ઠેર રોડને સુશોભિત કરવાથી લઈ રોડ રસ્તાના રીપેરિંગ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. મધ્ય ઝોન એસ્ટેટ વિભાગે જર્જરીત મકાનોને ઉતારવાની કામગીરી તેજ કરવામાં આવી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ AMCએ રથયાત્રાના રૂટ પર આવેલા 1000થી વધુ મકાનોને નોટિસ પાઠવી છે. આ મકાનોમાં 470 મકાનો અતિ જર્જરીત અને ભયજનક સ્થિતિમાં છે, રથયાત્રા રૂટ પર ભયજનક મકાનોના કારણે લોકોને ભારે મુશ્કેલી પડી શકે તેમ છે. રથયાત્રાના રૂટ પર આવેલા વિસ્તારોમાં ખાડિયા, માણેકચોક, દિલ્હી ચકલા, શાહપુર દરવાજા, ઘી કાંટા ચાર રસ્તા, પાનકોર નાકા, જમાલપુર સહિતના વિસ્તારોમાં એસ્ટેટ વિભાગે કામગીરી હાથ ધરી છે. જેમાં વર્ષોથી બંધ તેમજ અતિ જર્જરીત અને લાંબા સમયથી કોઈ રહેતું ન હોય તેવા ભયજનંક મકાનોની તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે
(8:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
