તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 5th June 2025
ગુજરાત સરકારમાં 112 નાયબ સેક્શન અધિકારીઓની સીધી ભરતી : GPSC પરીક્ષાના આધારે ઉમેદવારોની કરાર આધારિત નિમણૂક! જુઓ સંપૂર્ણ સૂચિ
સચિવાલય સેવા માટે નવી ભરતી પ્રક્રિયા : પસંદ કરાયેલા ઉમેદવારોને ૩૦ દિવસમાં હાજર થવા આદેશ : શરતોને આધીન રહેશે નિમણૂક : હાઈકોર્ટના ચુકાદાને પણ ગણવામાં આવશે

ગાંધીનગર : ગુજરાત સરકારે સચિવાલયના વિભાગોમાં 112 નાયબ સેક્શન અધિકારી, વર્ગ-૩ની સીધી ભરતી માટે ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC)ની જાહેરાત ક્રમાંક: ૪૨/૨૦૨૩-૨૪ અન્વયે લેવાયેલ સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષાના પરિણામના આધારે ભલામણ કરાયેલા ઉમેદવારોની કરાર આધારિત નિમણૂક કરવાની યાદી બહાર પાડી છે. સામાન્ય વહીવટ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલી આ યાદી મુજબ, પસંદ થયેલા ઉમેદવારોને હવે સચિવાલય સેવાના કરારીય નાયબ સેક્શન અધિકારી, વર્ગ-૩ તરીકે નિમણૂક આપવામાં આવી છે, જે કેટલીક મહત્વપૂર્ણ શરતોને આધીન રહેશે.
નિમણૂકની મુખ્ય શરતો:
નિમણૂક પામેલા ઉમેદવારોએ આ યાદીની તારીખથી ૩૦ દિવસની મુદતમાં ખ-૧ શાખા, સામાન્ય વહીવટ વિભાગ, સચિવાલય, ગાંધીનગર ખાતે હાજર થવાનું રહેશે. હાજર થયેથી, તેમના વિગતવાર નિમણૂકના હુકમો અલાયદી રીતે આપવામાં આવશે, જેના આધારે તેમણે સંબંધિત વિભાગમાં તુરંત હાજર થવાનું રહેશે.
જો કોઈ ઉમેદવાર સરકારી, અર્ધસરકારી, બેન્ક કે અન્ય કોઈ સંસ્થામાં નોકરી કરતા હોય, તો તેમણે હાજર થતી વખતે તે સેવામાંથી રાજીનામું કે ફરજમુક્ત થયાનો હુકમ રજૂ કરવાનો રહેશે. જો વધુ મુદતની જરૂર જણાય તો, જરૂરી કારણો સહિત લેખિત રજૂઆત સામાન્ય વહીવટ વિભાગમાં કરવાની રહેશે. મંજૂર થયેલી મુદત બાદ પણ જો ઉમેદવાર હાજર નહીં થાય, તો તેમની નિમણૂકના હુકમો રદ કરવામાં આવશે.
અન્ય મહત્વપૂર્ણ શરતો:
* આ નિમણૂક સરકારના પ્રવર્તમાન નિયમો અને સૂચનાઓ મુજબની તબીબી તપાસના અંતે મળનાર શારીરિક યોગ્યતાના પ્રમાણપત્રને આધીન રહેશે.
* ઉમેદવારોના પૂર્વ ઇતિહાસ અને ચારિત્ર્ય અંગે પોલીસ અધિકારીશ્રી તરફથી મળનાર અહેવાલમાં કશું વાંધાજનક ન મળવાની શરતને પણ આ નિમણૂક આધીન રહેશે.
* આ નિમણૂક ગુજરાત મુલ્કી સેવા વર્ગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો, ૧૯૬૭ ના નિયમ-૯(એ)ની જોગવાઈઓને આધીન રહેશે.
* અનુસૂચિત જાતિ/જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગ, અને શારીરિક વિકલાંગ ઉમેદવારોના કિસ્સામાં, તેમના પ્રમાણપત્રોની ખરાઈ બાબતે ભવિષ્યમાં કોઈ વાંધાજનક બાબત ન મળવાની શરતને પણ આ નિમણૂક આધીન રહેશે.
* ઉમેદવારોએ નાયબ સેક્શન અધિકારીની જગ્યાના ભરતી નિયમોમાં દર્શાવ્યા મુજબની શૈક્ષણિક લાયકાત, ઉંમર, જાતિ, નાગરિકત્વ વગેરેની જોગવાઈઓ સંતોષવાની રહેશે.
કોર્ટ કેસોને આધીન રહેશે નિમણૂક:
સૌથી મહત્વની બાબત એ છે કે, આ નિમણૂકો નામદાર ગુજરાત હાઈકોર્ટમાં દાખલ થયેલ SCA No. 5433, 5439, 5443, 5445, 5446, 5452, 5454, 5468, 5470, 5474, 5510, 5511, 5520, 5523, 5525 of 2024 ના આખરી ચુકાદાને આધીન રહેશે. વધુમાં, ભવિષ્યમાં આયોગ દ્વારા ભલામણ કરાયેલ ઉમેદવારોએ મેળવેલ ગુણના રીચેકિંગ બાબતે કે અન્ય કોઈ બાબતે કોર્ટ મેટર થાય, તો તેને પણ આ નિમણૂક આધીન રહેશે.
જો ઉમેદવારો નિયત સમયમર્યાદામાં હાજર નહીં થાય, તો તેમનો નિમણૂક હુકમ રદ કરવામાં આવશે અને તે બાબતે તેમનો કોઈ હક કે દાવો ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં. આ ઉપરાંત, વિગતવાર નિમણૂકના હુકમોમાં દર્શાવવામાં આવનાર અન્ય શરતો પણ તેમને બંધનકર્તા રહેશે.
રાજ્યની ગ્રામ પંચાયતોની ચૂંટણીના કારણે આચારસંહિતા અમલમાં હોવા છતાં, રાજ્ય ચૂંટણી આયોગની તા. ૩૧/૦૫/૨૦૨૫ની અનુમતિ મળ્યા બાદ આ હુકમ કરવામાં આવ્યો છે. આ ભરતી પ્રક્રિયાથી ગુજરાત સરકારના સચિવાલયમાં કાર્યદક્ષ અને યુવા અધિકારીઓની નવી ટીમ જોડાશે, જે વહીવટી તંત્રને વધુ ગતિશીલ બનાવશે.

(7:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
