તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 5th June 2025
એસટી નિગમે વર્ષ ૨૦૨૪-૨૫માં ૧૮૦૨ કરોડ રૂપિયાની ખોટ કરી
૨૦૨૫-૨૬માં વાહનોની ખરીદી માટે ૧૧૪૧ કરોડ મંજૂર

અમદાવાદ તા.૫: ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમે વર્ષ ૨૦૨૪-૨૫માં સબસિડી વિના ૧૮૦૨ કરોડ રૂપિયાની ખોટ કરી છે. આગામી સમયમાં નવા રૂટ અને સુવિધાઓ મુસાફરોને અપાશે.
એસટી નિગમ વિવિધ પ્રકારની કુલ ૭૯૨૧ બસ રાજ્યના ૯૯.૩૪ ટકા ગામડા અને મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર સહિત કેન્દ્ર શાસિત પ્રદેશમાં પણ દોડી રહી છે. જેનો રોજના ૨૭ લાખ મુસાફરો લાભ લેતા હોય છે. જેમાં ૫૦ ઈલેક્ટ્રિક બસનો પણ સમાવેશ થાય છે. નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬માં નવા વાહનોની ખરીદી માટે ૧૧૪૧ કરોડ રૂપિયા મંજૂર કરાયા છે. નવા એસટી ડેપોના બાંધકામ માટે ૪૭૫ કરોડ, કમ્પ્યુટરાઇઝેશન માટે ૧૮ કરોડ, જૂની લોનની ચૂકવણી માટે ૪૮૫ કરોડ, પેસેન્જર ટેક્સ ચૂકવવા માટે લોન
પેટે ૨૫૪ કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે. જૂની લોનની ચૂકવણીમાં નિગમ દ્વારા માગવામાં આવેલી રકમ કરતા ૧૪૭ કરોડ રૂપિયા ઓછા મંજૂર કરવામાં આવ્યા છે.
એસટી નિગમને વાર્ષિક મુખ્ય ખર્ચ ખરીદીની ચીજ વસ્તુમાં ૨૪૫૦ કરોડ રૂપિયા જેટલો થાય છે. જેમાં ડીઝલ પાછળ ૨૨૦૦ કરોડ, લુબ્રિકન્ટમાં ૫૫ કરોડ, ટાયર માટે ૯૨ કરોડ વગેરેનો સમાવેશ થાય છે. નિગમ દ્વારા નવી પ્રવાસી અને ધાર્મિક સર્કિટ શરૂ કરાઈ છે. ૨૦૦ પ્રીમિયમ બસ, તમામ બસ સ્ટેશન ઉપર સીસીટીવી કેમેરા લગાવવા સાથે ૪ નવા બસ પોર્ટ પણ બનાવવામાં આવશે. એસટી બસ નિગમ દ્વારા શ્રવણ તીર્થ યોજના અને ચાલુ વર્ષે યોજાયેલા મહાકુંભ મેળા માટે પણ ખાસ ટૂર પેકેજ જાહેર કરાયું હતું, જેનો મુસાફરોએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો
(11:17 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
