<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th June 2025

અમદાવાદની શાળાઓ સરકારના ઠરાવને ઘોળીને પી ગઈ

ત્રણેય સ્કૂલો શહેરના પૂર્વ વિસ્તારની છેઃખાનગી પ્રકાશનના પુસ્તકો અને આરટીઇમાં ફી લેવા મુદ્દે ૩ સ્કૂલોને નોટિસ આપવામાં આવી છે

અમદાવાદ,તા.૪

ખાનગી પ્રકાશનના પુસ્તકો અને આરટીઇમાં ફી લેવા મુદ્દે ૩ સ્કૂલોને નોટિસ આપવામાં આવી છે. જેમાં આ ત્રણેય સ્કૂલો શહેરના પૂર્વ વિસ્તારની છે.

 નેલ્સન સ્કૂલને અગાઉ પણ શહેર ડીઈઓ દ્વારા ખાનગી પ્રકાશનોના પુસ્તકો મુદ્દે ૧૦ હજાર રૃપિયા દંડ કરવામાં આવ્યો હતો. તેમ છતાં ફરિયાદ સામે આવતાં શહેર ડીઈઓ દ્વારા હવે આરટીઇ ઍક્ટ ૨૦૦૯માં અધિનિયમની કલમ-૧૯ મુજબ પ્રથમ પ્રસંગે વિદ્યાર્થી દીઠ રૃ.૧૦,૦૦૦/નો દંડ કેમ ન કરવો  તે બાબતે ખુલાસો માંગતી નોટિસ આપવામાં આવી છે.

એનએસયુઆઇ દ્વારા છેલ્લા કેટલાક સમયથી કેટલીક ખાનગી સ્કૂલો દ્વારા ખાનગી પ્રકાશના પુસ્તકો માટે દબાણ કરાતું હોવાની અને ખાનગી પ્રકાશનના પુસ્તકો વેચાતા હોવાની ફરિયાદ કરવામાં આવી રહી છે. દરમિયાન એનએસયુઆઇ દ્વારા શહેર ડીઈઓને પણ આ મુદ્દે લેખિત ફરિયાદ આપવામાં આવતા ડીઈઓ એક્શનમાં આવ્યા હતા અને મણિનગરની નેલ્સન સ્કૂલ તેમજ વેલી ઇન્ટરનેશનલ સ્કૂલને શહેર ડીઈઓ દ્વારા નોટિસ આપવામાં આવી છે. એનએસયુઆઇ દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી કે ઘણી ખાનગી સ્કૂલો દ્વારા ખાનગી પ્રકાશનના મોંઘા મોંઘા પુસ્તકો લાવવા માટે વાલીઓ પર દબાણ કરવામાં આવે છે. જેમાં કેટલીક ખાનગી સીબીએસઈ સ્કૂલો પણ છે.

સરકાર દ્વારા અગાઉ ઠરાવ પણ કરવામાં આવ્યો છે અને તે મુજબ કોઈ પણ સ્કૂલ વાલીને ખાનગી પ્રકાશનના પુસ્તકો ચોક્કસ જગ્યાએથી લાવવા માટે દબાણ ન કરી શકે. એનએસયુઆઇની ફરિયાદ બાદ ડીઈઓ દ્વારા બે સ્કૂલોને નોટિસ અપાઈ છે અને દંડ કેમ ન કરવો તેનો ખુલાસો દિન-૨માં રૃબરૃમાં આવી કરવા માટે આદેશ કરાયો છે. જેમાં નેલ્સન સ્કૂલને તો અગાઉ પણ ખાનગી પુસ્તકો મુદ્દે ૧૦ હજારનો દંડ કરાયો હતો છતાં પણ ફરીથી ફરિયાદ સામે આવતાં હવે વિદ્યાર્થી દીઠ રૃ.૧૦,૦૦૦નો દંડ કેમ ન કરવો તે મુદ્દે ખુલાસો મંગાયો છે. જ્યારે ઈસનપુરની મુક્તજિવન સ્કૂલને આરટીઇ હેઠળના બાળકો પાસેથી એડમિશન ફી પેટે એક હજાર રૃપિયા ફી લેવાતાં નોટિસ આપવામાં આવી છે.

(11:02 PM IST)