તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 4th June 2025
સુરતના કામરેજમાં એક શ્વાન માસુમ બાળકીને પકડીને ભાગી ગયો: કલાકો સુધી કોઈ પતો નહીં
વાવ પાસે આવેલ બંસરી રિસોર્ટની બાજુમાં એક બાંધકામ સાઈટ પર મોડી રાત્રે પરણીતા જમવાનું બનાવતી હતી તેણે તેની એક વર્ષની માસુમ બાળકીને બાજુમાં સુવડાવી રાખી હતી

સુરતમાં કામરેજના વાવ પાસે આવેલ બંસરી રિસોર્ટની બાજુમાં એક બાંધકામ સાઈટ પર કામ ચાલુ હતું. જ્યાં ગતરોજ મોડી રાત્રે પરણીતા પોતાના માટે જમવાનું બનાવતી હતી ત્યારે તેણે તેની એક વર્ષની માસુમ બાળકીને બાજુમાં સુવડાવી રાખી હતી. આ દરમિયાન અચાનક જ ત્રાટકેલા એક શ્વાને માસુમ બાળકીને પકડીને ભાગી ગયો હતો.જેથી તેની માતા અને સ્થાનિક લોકો તેની પાછળ દોડી ગયા હતા. પરંતુ માસુમ બાળકીનો કોઈ પતો ન લાગતા પોલીસની મદદ લીધી હતી. કલાકોથી પોલીસ દ્વારા માસુમ બાળકીની શોધખોળ કરવામાં આવી રહી હોવા છતાં હજુ સુધી તેની કોઈ ભાળ મળી નથી.
સુરત જિલ્લાના કામરેજના વાવ ગામ ખાતે રહેતા આંજુભાઈ તથા તેની પત્ની તીતાબેન મજુરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમને સંતાનમાં માત્ર એક વર્ષની બાળકી માયા છે. હાલમાં પતિ પત્ની વાવ ખાતે આવેલ બંસરી રિસોર્ટ ની બાજુમાં એક બાંધકામ સાઈડમાં કામ કરે છે અને ત્યાં જ ઝુંપડું બાંધી અન્ય મજૂરો સાથે વસવાટ કરે છે. મધ્યપ્રદેશમાં વતનમાં કામ હોવાથી આંજુભાઈ કામ અર્થે વતન ગયા હતા. આ દરમિયાન તેની પત્ની તીતાબેન ગતરોજ રાત્રે ૧૦:૦૦ વાગ્યાના અરસામાં તેની માસુમ પુત્રી સાથે ઘરે બેઠી હતી. તીતાબેન પોતાના માટે જમવાનું બનાવતા હતા ત્યારે તેની એક વર્ષની પુત્રી માયા ને બાજુમાં સુવડાવી હતી. આ દરમિયાન અચાનક જ એક શ્વાન દોડીને તેમની પાસે આવ્યું હતું અને તીતાબેન ની નજર સામે જ એક વર્ષની બાળકી માયા ને ખેંચીને ડોટ લગાવી હતી. જેથી તીતાબેન તેની પાછળ દોડી ગયા હતા અને બૂમાબૂમ કરતા આજુબાજુમાં રહેતા 100 થી વધુ મજૂરો પણ શ્વાનની પાછળ ડોટ મૂકી હતી. શ્વાન આજુબાજુના ખેતરોમાંથી ભાગી ગયો હતો.
ઘટનાને પગલે કામરેજ પોલીસ તથા સ્થાનિક મજૂરો અને આજુબાજુની સોસાયટીના લોકો સહિત 200થી પણ વધારે માણસો એક વર્ષની માસુમ બાળકી માયાને શોધવા માટે કામે લાગ્યા હતા. તેમ છતાં કલાકો વીત્યા છતાં હજુ સુધી માસુમ બાળકી માયાનો કોઈ પતો ન મળતા આખરે પોલીસે ફાયર બ્રિગેડ વિભાગની અને ડોગ સ્કોડની પણ મદદ દીધી હતી. સવારથી ડોગ સ્કોર્ડ પણ ઘટના સ્થળે પહોંચી શ્વાન માસુમ બાળકીને કઈ બાજુ લઈને ભાગી ગયું છે તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે .છતાં હજુ સુધી બાળકીનો કોઈ પતો મળ્યો નથી.પોલીસ દ્વારા ડ્રોન કેમેરાની પણ મદદ લેવામાં આવી છે.ઝાડી ઝાંખરામાં ડ્રોન થી ચર્ચ કરવામાં આવી રહ્યું છે.ઝડપથી બાળકીનો પત્તો લાગી સહી સલામત મળે તેવી પ્રાર્થના સ્થાનિકો કરી રહ્યા છે.
(9:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
