તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 4th June 2025
ગુજરાતમાં હવે 15 દિવસ સુધી ચોમાસું નહીં બેસે:10 દિવસ ઉકળાટનો અહેસાસ થતો રહેશે : પરેશ ગોસ્વામીની આગાહી
15 જૂન બાદ પ્રિ-મોન્સૂન એક્ટિવિટી થશે:દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ પડશે: 14 જૂન પછી અરબ સાગરમાં સિસ્ટમ સક્રિય થશે

અમદાવાદ :નૈઋત્યનું ચોમાસું ધારણાં કરતાં 8 દિવસ વહેલું કેરળ પહોંચી ગયા બાદ ગતિ પકડતા ગુજરાતમાં પણ વહેલું મોન્સૂન બેસશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી. જો કે મહારાષ્ટ્ર પહોંચ્યા બાદ મોન્સૂન બ્રેકની સિસ્ટમ સર્જાતા ચોમાસું આગળ વધતુ અટકી ગયું છે. જેના પગલે ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી અસહ્ય બફારાથી લોકો પરસેવે રેબઝેબ થઈ રહ્યાં છે. જ્યારે સાંજ પડતાં છૂટાછવાયા ભાગોમાં વરસાદી ઝાપટા પડે છે, પરંતુ ઉકળાટના કારણે લોકો વરસાદની ચાતક નજર રાહ જોઈ રહ્યા છે, ત્યારે જાણીતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ મોટી આગાહી કરી છે.
પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, અત્યારે રાજ્યમાં તાપમાન ધીમે-ધીમે વધીને 35 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. આગામી દિવસોમાં પણ તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો વધારો થઈ શકે છે. જેના કારણે છેલ્લા કેટલાક દિવસોથી લોકોને અસહ્ય ઉકળાટનો અહેસાસ થઈ રહ્યો છે. જો કે આગામી દિવસોમાં પણ ઉકળાટમાંથી કોઈ રાહત મળવાની નથી. આગામી 10 દિવસ સુધી તાપમાન ભલે 37 ડિગ્રી હોય, પરંતુ હ્યુમિડિટીના કારણે 40 ડિગ્રી હોય તેવો અહેસાસ થતો રહેશે.
આગામી 14 જૂન પછી અરબ સાગરમાં સિસ્ટમ સક્રિય થશે, એટલે કે મહારાષ્ટ્ર ઉપર એક અસ્થિરતા બનશે, જેના કારણે 15 જૂન બાદ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. ખાસ કરીને આ સિસ્ટમની અસર દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, વાપી, ડાંગ જિલ્લામાં વધારે જોવા મળી શકે છે. તેમજ સૌરાષ્ટ્રના બોટાદ, પોરબંદર, અમરેલી, ગીર-સોમનાથ, જૂનાગઢ જેવા જિલ્લામાં 15 થી 20 જૂન વચ્ચે તીવ્ર પ્રી-મોન્સૂન એક્ટિવિટી થઈ શકે છે.
ખાસ વાત એ છે કે, આ જે સિસ્ટમ છે તે સામાન્ય અને નબળી હશે. જેના કારણે નૈઋત્યનું ચોમાસું 15 થી 20 જૂન વચ્ચે ગુજરાતમાં નહીં આવે, પરંતુ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારોમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી થઈ શકે છે
(7:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
