તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 4th June 2025
પાટણમાં સ્વચ્છતા અભિયાન વચ્ચે કચરાના નિકાલની સમસ્યા ગંભીર : જૂના પાવર હાઉસ પાસે વોર્ડ નંબર 8 અને 10ની વોર્ડ ઇન્સ્પેક્ટરની કચેરી ખાતે મોટા પ્રમાણમાં કચરો ઠલવાયો
સમય સર નિકાલ ન થવા ના કારણે અતિશય દુર્ગંધ આવવાથી સ્થાનિકોને રહેવું પણ મુશ્કેલ : પાલિકામાં અનેક વાર રજુઆત કરી હોવા છતાં પ્રશ્નનો કોઈ નિકાલ નથી

પાટણ તા.૪ : પાટણ શહેરમાં સ્વચ્છતા અભિયાન વચ્ચે કચરાના નિકાલની સમસ્યા ગંભીર બની છે. શહેરના જૂના પાવર હાઉસ પાસે વોર્ડ નંબર 8 અને 10ની વોર્ડ ઇન્સ્પેક્ટરની કચેરી ખાતે મોટા પ્રમાણમાં કચરો ઠલવાય છે. આ સ્થળે શહેરના વિવિધ વિસ્તારોમાંથી એકત્રિત થતો કચરો અને બે પૈડાંની લારીઓનો કચરો પણ ઠલવવામાં આવે છે. કચરો ઠલવ્યા પછી તેનો સમય સર નિકાલ ન થવા ના કારણે અતિશય દુર્ગંધ આવવાથી સ્થાનિકોને રહેવું પણ મુશ્કેલ બની રહ્યું છે. પાલિકામાં અનેક વાર રજુઆત કરી હોવા છતાં પ્રશ્નનો કોઈ નિકાલ આવી રહ્યો નથી.
પાટણ શહેરના જુના પાવર હાઉસના વોર્ડ નંબર 8 અને 10 નો વોર્ડ ઓફિસ પરિસરમાં કચરો રોજે રોજ ઠાલવવામાં આવે છે પણ તેનો સમય સર નિકાલ ન કરવામાં આવતા તેની દુર્ગંધને લઇ સ્થાનિક લોકો ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વધી રહેલા કચરાના કારણે રોગ ચાળો ફાટી નીકળવાનો પણ ભય સતાવી રહ્યો છે. ત્યારે સ્થાનિક રહેવાસીઓએ આ કચરાના ઢગલાથી ઊભી થયેલી આરોગ્યની સમસ્યા અંગે નગરપાલિકામાં રજૂઆત કરી છે. છતાં કોઈ કાર્યવાહી થઈ નથી.
સ્થાનિકોએ આપી ચીમકી
રહેવાસીઓએ ચીમકી આપી છે કે જો કચરાનું સ્ટેન્ડ દૂર કરવામાં નહીં આવે તો તેઓ આ તમામ કચરો પાલિકા પ્રમુખની ચેમ્બરમાં ઠાલવશે. સ્થાનિક લોકોની માંગ છે કે દુર્ગંધ ફેલાવતા અને આરોગ્ય માટે જોખમી આ કચરાના ઢગલાનો તાત્કાલિક નિકાલ કરવામાં આવે.
ઘટનાના પગલે પાલિકા પ્રમુખે શું કહ્યું?
આ મામલે પાલિકા પ્રમુખ હિરલ પરમારને પૂછતાં તેમને જણાવ્યું હતું કે જુના પાવર હાઉસ વિસ્તારના લોકોની રજુઆત મળી છે, વાહન બગડવાને કારણે કચરો ઉપડ્યો નહિ હોય. વધુમાં તેમણે કહ્યું કે કચરો રોજે રોજ ઉપડી જાય તેવી સૂચના આપી દેવામાં આવી છે અને વધુમાં મહોલ્લા પોળમાં કચરો લેવા આવતી છોટા હાથી ગાડીમાં જ નાંખે તેવી અપીલ પણ કરવામાં આવી છે.
(4:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
