News of Wednesday, 4th June 2025
ગુજરાતમાં દર મહિને ઉમેરાયા એક લાખ નવા ટુ વ્હીલર
૨૦૨૪માં ૧૨ લાખ નવા ટુ વ્હીલર અને ૩.૫૦ લાખ ફોર વ્હીલરનો ઉમેરો થયો : અમદાવાદમાં ફોર વ્હીલ રજિસ્ટ્રેશનમાં દૈનિક ૬૨ ટકાનો ઉછાળો

અમદાવાદ તા.૪: ગુજરાતમાં જાહેર પરિવહનના અભાવે રોજબરોજ ખાનગી વાહનોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં ૨૦૨૪માં ૧૨ લાખ નવા ટુ વ્હીલર અને ૩.૫૦ લાખ ફોર વ્હીલરનો ઉમેરો થયો હતો. અમદાવાદ સુભાષબ્રિજ આરટીઓ અને અમદાવાદ વષાાલ આરટીઓમાં દૈનિક ૫૬૦ ટુ વ્હીલર અને ૨૦૮ ફોર વ્હીલરનું રજિસ્ટ્રેશન થયું હતું, એટલે કે દર ત્રણ મિનિટે ટુ વ્હીલર અને દર સાતમી મિનિટે ફોર વ્હીલરની નોંધણી થઈ હતી.
૨૦૧૨ના જ આંકડા પર નજર કરીએ તો આ સંખ્યા અનુક્રમે ૪૯૯ અને ૧૨૮ હતી. જે ૧૨ વર્ષમાં ફોર-વ્હીલરના દૈનિક રજીસ્ટ્રેશનમાં ૬૨.૫ ટકા અને ટુ-વ્હીલરમાં ૧૨.૨ ટકાનો વધારો દર્શાવે છે. અમદાવાદની સરખામણીમાં સુરતમાં સાધારણ વધારો નોંધાયો હતો. ડાયમંડ નગરી તરીકે ઓળખાતા સુરતમાં દૈનિક ટુ-વ્હીલર રજીસ્ટ્રેશન ૧૨ વર્ષમાં ૩૩૫ થી વધીને ૩૮૪ અને ફોર-વ્હીલર ૬૯થી વધીને ૮૪ થયું હતું.
આ આંકડા ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી આવાસ વિભાગ દ્વારા તાજેતરમાં બહાર પાડવામાં આવેલા ‘શહેરી આયોજન પર ઉચ્ચ-સ્તરીય સમિતિનો અહેવાલ' માં ટાંકવામાં આવ્યા છે. અહેવાલ મુજબ, ગુજરાતમાં ૨૦૨૪માં ૧૮ લાખ નવા વાહનો ઉમેરાયા હતા, જેમાં ૧૨ લાખ ટુ-વ્હીલર અને ૩.૫ લાખ ફોર-વ્હીલર હતા. ૨૦૦૦ના દાયકાની શરૂઆતમાં એક વર્ષમાં આશરે ૪૧,૦૦૦ વાહનો ઉમેરાયા હતા.
તેનાથી વિપરીત, ગુજરાતમાં વાર્ષિક ધોરણે માત્ર ૪૦૦૦ બસો ઉમેરવામાં આવે છે, જે ખાનગી અને સાર્વજનિક પરિવહન રોકાણ વચ્ચેની અસમાનતા દર્શાવે છે. ખાનગી વાહનોમાં વધારો હાલના પરિવહન માળખા પર પણ દબાણ વધારે છે. ખાનગી વાહનોની સંખ્યા વધવાની સાથે મુસાફરીનો સમય લાંબો થાય છે, ઉત્સર્જન વધે છે અને શહેરી જીવનની ગુણવત્તા કથળે છે તેમ પણ અહેવાલમાં જણાવાયું હતું.
(3:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
