તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 3rd June 2025
ગાંધીનગરમાં AMR મુદ્દે રાજ્યકક્ષાનો વર્કશોપ યોજાયો : 'એન્ટિબાયોટિક રેઝિસ્ટન્સ' અટકાવવા ગુજરાતનો 'સ્ટેટ એક્શન પ્લાન' અમલી!
પશુપાલન સચિવ સંદીપ કુમારે જણાવ્યું - દૂધ ઉત્પાદનમાં ગુજરાત મોખરે, પશુઓમાં એન્ટિબાયોટિક્સનો વધુ પડતો ઉપયોગ AMRનું જોખમ વધારે છે : વન હેલ્થ અભિયાન પર ભાર

ગાંધીનગર, તા. ૩ જૂન, ૨૦૨૫: માનવ અને પશુ સ્વાસ્થ્ય માટે એક ગંભીર વૈશ્વિક પડકાર બની રહેલા એન્ટિમાઇક્રોબાયલ રેઝિસ્ટન્સ (AMR) વિષય પર જાગૃતિ અને નિયંત્રણ માટે ગાંધીનગર ખાતે રાજ્યકક્ષાનો એક મહત્વપૂર્ણ વર્કશોપ યોજાયો હતો. યુનાઇટેડ નેશન્સના ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન (FAO) અને ગુજરાત સરકારના પશુપાલન વિભાગના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ કાર્યક્રમમાં AMR ને નિયંત્રિત કરવાના ઉપાયો પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી.
પશુપાલન વિભાગના સચિવ સંદીપ કુમારે જણાવ્યું હતું કે, પશુપાલન વિભાગ દ્વારા પશુઓમાં એન્ટિબાયોટિક્સના ઉપયોગ અને રેઝિસ્ટન્સના સ્તર પર દેખરેખ રાખવા માટે વિવિધ અભ્યાસો અને સંશોધન યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. તેમણે ઉમેર્યું કે, મનુષ્યોમાં સારવાર દરમિયાન વપરાતા એન્ટિબાયોટિક્સ ઉપરાંત, પશુઓમાં સારવાર, રોગ નિવારણ અથવા વૃદ્ધિ પ્રમોટર માટે વપરાતા એન્ટિબાયોટિક્સનો વધારે પડતો ઉપયોગ AMR બેક્ટેરિયાના વિકાસનું મુખ્ય કારણ બને છે.
ગુજરાતનું ડેરી ક્ષેત્ર: પ્રગતિનો આધારસ્તંભ
ગુજરાતના ડેરી અને પશુપાલન ક્ષેત્રની પ્રગતિ પર પ્રકાશ પાડતા સચિવે કહ્યું કે, ભારતભરના દૂધ ઉત્પાદક રાજ્યોમાં ગુજરાત મોખરાનું સ્થાન ધરાવે છે. વર્ષ ૨૦૨૪ માં રાજ્યનું કુલ દૂધ ઉત્પાદન ૧૮.૩૧ મિલિયન મેટ્રિક ટન હતું, જે દેશના કુલ ઉત્પાદનના ૭.૬૫ ટકા જેટલું છે. આ સિદ્ધિ ૩૬ લાખથી વધુ ડેરી ખેડૂતોના અથાક પ્રયાસોને કારણે શક્ય બની છે. દૂધની માથાદીઠ ઉપલબ્ધતા ૨૦૦૦-૦૧ માં ૨૯૧ ગ્રામ/દિવસથી વધીને આજે ૭૦૦ ગ્રામ/દિવસ થઈ છે, જે ખાદ્ય સુરક્ષા અને પોષણ ઉપલબ્ધતામાં નોંધપાત્ર સુધારાનો સંકેત આપે છે.
પ્રાણી સ્વાસ્થ્યમાં AMR નિયંત્રણ માટે ગુજરાતનો 'સ્ટેટ એક્શન પ્લાન'
પ્રાણી સ્વાસ્થ્યમાં AMR ના નિયંત્રણ માટે ગુજરાતને 'સ્ટેટ એક્શન પ્લાન' અમલમાં મૂક્યો છે. આ મિશન હેઠળ લેબોરેટરી નેટવર્ક અને ફિલ્ડ રિપોર્ટિંગ સિસ્ટમ્સ દ્વારા પ્રાણીઓમાં AMR અને એન્ટિમાઇક્રોબાયલ ઉપયોગની દેખરેખ રાખવામાં આવે છે. પશુચિકિત્સા દવામાં એન્ટિમાઇક્રોબાયલના ઉપયોગનું નિયમન અને યોગ્ય પ્રિસ્ક્રાઇબિંગ સુનિશ્ચિત કરવામાં આવે છે. પશુચિકિત્સકો, પેરા-વેટ્સ અને ડેરી ખેડૂતોને એન્ટિમાઇક્રોબાયલના યોગ્ય ઉપયોગ અંગે સમજણ આપવામાં આવે છે. રોગના ભારણ અને એન્ટિમાઇક્રોબાયલ નિર્ભરતા ઘટાડવા માટે ખેતરોમાં સુધારેલી જૈવ સુરક્ષા અને ચેપ નિવારણ અંગે ખેડૂતોને જાગૃત કરવામાં આવે છે.
પશુપાલન વિભાગના નિયામક ડૉ. ફાલ્ગુની ઠાકરે ઉપસ્થિત સૌને આવકારતા જણાવ્યું કે, પશુપાલન ક્ષેત્ર માટે AMR એક મહત્વપૂર્ણ વૈશ્વિક આરોગ્ય પડકાર છે અને આપણે સૌએ સાથે મળીને આ પડકારને હરાવવાનો છે. આ કાર્યક્રમ EU ટ્રાઈપાર્ટાઈટ AMR પ્રોજેક્ટ "વર્કિંગ ટુગેધર ટુ ફાઈટ એન્ટિમાઇક્રોબાયલ રેઝિસ્ટન્સ" હેઠળ યોજાઈ રહ્યો છે. વર્ષ ૨૦૧૭ માં ભારતના નેશનલ એક્શન પ્લાન (NAP) ઓન AMRને શરૂ કરવામાં આવ્યો હતો, જેમાં 'વન હેલ્થ' અભિયાન ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યું છે. ગુજરાત એવા કેટલાક ભારતીય રાજ્યોમાંનું એક છે જેણે નેશનલ એક્શન પ્લાનની સાથે 'સ્ટેટ એક્શન પ્લાન' પણ વિકસાવ્યો છે, અને આજનો વર્કશોપ AMR ના અસરકારક અમલીકરણ માટે મહત્વનો સાબિત થશે.
આ વર્કશોપમાં રીઝનલ AMR અને વન હેલ્થ મિશનના કોઓર્ડીનેટર ડેવિડ સુથરલેન્ડ, AMR (SAPCAR-G) ના સ્ટેટ પ્રોગ્રામ ઓફિસર ડો. એ. એમ. કાદરી, જનરલ મેનેજર એનીમલ હેલ્થ, NDDB ડો. એ.વી હરીકુમાર, પશુપાલન વિભાગના અધિકારીઓ તથા NDDB ના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.
(1:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
