તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 2nd June 2025
મહિલાને શ્વાસ ચડ્યો છતા પોલીસ પૂછપરછ કરતી રહી
હોસ્પિટલ પહોચતા થયું મોત:સુરતમાં રહેતી મહિલાની પૂછપરછ કરવા માટે નાસિક પોલીસ આવી હત:મહિલાને શ્વાસ ચઢી ગયો હતો

સુરત, તા.૨
શહેરના અમરોલી વિસ્તારમાં હૃદયવિદારક ઘટના સામે આવી છે, જ્યાં નાસિક પોલીસના અમાનવીય વર્તનના કારણે એક વૃદ્ધ મહિલાનું મોત નિપજ્યું છે. આ દુઃખદ ઘટના બાદ સમગ્ર પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે, અને પુત્રનો આક્રોશ છે કે જો થોડું માનવતાવાદી વર્તન થાત, તો આજે તેમની માતા જીવિત હોત. મહારાષ્ટ્રના નાસિક શહેરથી આવેલા સાયબર સેલના ત્રણ અધિકારીઓ મીનાબેન રાઠોડ નામની વૃદ્ધ મહિલાની લોન કેસના મામલે પૂછપરછ માટે પહોંચ્યા હતા.
સમગ્ર મામલે પુત્ર રવિ રાઠોડનો આરોપ છે કે પોલીસના અધિકારીઓ મીનાબેનને સતત લાંબા સમય સુધી પૂછપરછ કરતા રહ્યા. દરમિયાન મીનાબેનને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી હતી અને તે આ અંગે પોતે પોલીસને અને પોતાના પુત્રને જણાવતી રહી હતી. રવિ રાઠોડના જણાવ્યા અનુસાર, તેમણે ત્રણથી ચાર વખત પોલીસને વિનંતી કરી હતી કે તેમની માતાને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવા દેવામાં આવે અથવા તો ડોક્ટરને બોલાવવામાં આવે. પરંતુ પોલીસે નિર્દયતાથી કહ્યું કે, "હજી પૂછપરછ બાકી છે, એને પૂરું થયા પછી જ જઈ શકો." પછી તો મહિલાને પોલીસ સ્ટેશનની બહાર ગાર્ડનમાં બેસાડી દેવામાં આવી અને ત્યાં પણ પૂછપરછ ચાલુ રાખવામાં આવી. વૃદ્ધ મીનાબેનની તબિયત સતત બગડતી રહી અને અંતે જ્યારે પોલીસે પૂછપરછ પૂરી કરી હોવાનો સંકેત આપ્યો, ત્યારે એમ્બ્યુલન્સ બોલાવી તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે, ત્યાં પહોંચતા પહેલાં જ મીનાબેનનું નિધન થઈ ગયું હતું. પુત્ર રવિ રાઠોડનું કહેવું છે કે તેઓ ક્યારેય મહારાષ્ટ્ર ગયા નથી કે લોન લીધી નથી, છતાં નાસિક પોલીસ તેમના ઘરે આવી. "મારા માતા ઘરમાં કામ કરી સંસાર ચલાવતા હતા. આજે મારી સામે માત્ર શૂન્ય છે. જો પોલીસે માત્ર ૧૦ મિનિટ પહેલાં દયા બતાવી હોત, તો મારી માતા આજે જીવિત હોત," એમ કહીને રવિ તૂટી પડ્યો હતો.
વધુમાં રવિએ ઉમેર્યું કે છેલ્લા ચાર મહિનાથી તેના પગમાં ફ્રેક્ચર હોવાને કારણે તે ઘેર જ હતો અને ઘરના તમામ કામો તેની માતા સંભાળતી રહી હતી. આજે આ દુઃખદ ઘટના પછી તે સતત પોતાની માતાની યાદમાં વિલાપ કરી રહ્યો છેઃ "હવે મારી માતા પાછી લાવી આપી શકશો?" આ સમગ્ર ઘટનાની માહિતી મળ્યા બાદ અમરોલી પોલીસ મથક તરફથી જણાવવામાં આવ્યું છે કે આ મામલે હાલ તપાસ ચાલી રહી છે. રવિ રાઠોડનું નિવેદન લેવામાં આવ્યું છે અને પંચનામા બાદ વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જોકે, માનવ અધિકારની દૃષ્ટિએ પણ આ ઘટના ગંભીર પ્રશ્નો ઉભા કરે છે – શું પૂછપરછના નામે જીવ બચાવવાની પૃથ્વી પરની પ્રાથમિક જવાબદારી ભુલાઈ ગઈ છે? હવે રવિ અને તેમનો પરિવાર માત્ર એક જ માંગણી રાખે છે, "માફી નહીં, ન્યાય જોઈએ."
(11:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
