<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st June 2025

અમદાવાદની અમરદીપ હોસ્પિટલમાં બાળકનું મોત : પરિવારનો ડોક્ટરની બેદરકારીનો ગંભીર આરોપ

લીવરની ગાંઠનું ઓપરેશન સફળ થયા બાદ બાળકની સંભાળ ન રખાતા મોત થયાનો દાવો : ડોક્ટર મોડા પડ્યા હોવાનો પણ પરિવારજનોનો આક્ષેપ

અમદાવાદ : શહેરના પાલડી વિસ્તારમાં આવેલી અમરદીપ ચિલ્ડ્રન હોસ્પિટલમાં સારવાર દરમિયાન એક નવજાત બાળકનું કરુણ મોત થયું છે. આ મામલે મૃતક બાળકના પરિવારજનોએ હોસ્પિટલના ડોક્ટર પર બેદરકારી અને અપૂરતી સંભાળનો ગંભીર આરોપ લગાવ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, ગુરુવારે લીવરમાં ગાંઠની સમસ્યા ધરાવતા નવજાત બાળકને ભાવનગરથી વધુ સારવાર માટે અમદાવાદની આ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યું હતું. હોસ્પિટલના ડોક્ટરોએ દાવો કર્યો હતો કે, બાળકનું ઓપરેશન અત્યંત જટિલ હતું, પરંતુ તેમની મહેનત અને પ્રયાસોના કારણે તે સફળ રહ્યું અને બાળક સ્વસ્થ થયું હતું.
જોકે, ઓપરેશનના માત્ર ત્રણ દિવસ બાદ જ બાળકની તબિયત બગડી અને સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું. આ ઘટનાને પગલે પરિવારજનો શોકમાં ગરકાવ થઈ ગયા હતા અને ડોક્ટર પર ગંભીર બેદરકારીનો આરોપ લગાવ્યો હતો.
પરિવારજનોનો આરોપ:
મૃતક બાળકના પરિવારજનોનું કહેવું છે કે, ઓપરેશન તો સફળ રહ્યું, પરંતુ ત્યારબાદ બાળકની જે કાળજી અને સંભાળ લેવાવી જોઈતી હતી, તે લેવામાં આવી ન હતી. પરિવારજનોએ એવો પણ આક્ષેપ કર્યો છે કે, બાળકની તબિયત બગડ્યા બાદ ડોક્ટર અડધો કલાક મોડા આવ્યા હતા, જેના કારણે તેમના બાળકનો ઈલાજ યોગ્ય રીતે શક્ય ન બન્યો અને તેનું મોત થયું.
હોસ્પિટલનો ખુલાસો:
બીજી તરફ, હોસ્પિટલના સંચાલકોએ જણાવ્યું છે કે, બાળક જ્યારે માતાના ગર્ભમાં હતું ત્યારથી જ તેને લીવરમાં ગાંઠ હોવાની ગંભીર સમસ્યા હતી. ભાવનગરમાં ડિલિવરી થયા બાદ તેને વધુ સારવાર માટે અમદાવાદ લાવવામાં આવ્યું હતું. હોસ્પિટલના સંચાલકોનો દાવો છે કે, બાળકની ગંભીર સ્થિતિ અને ઓપરેશન સાથે સંકળાયેલા તમામ પ્રકારના જોખમો (રિસ્ક) વિશે પરિવારજનોને અગાઉથી જ સંપૂર્ણ જાણકારી આપવામાં આવી હતી.
આ મામલે પરિવારજનોએ ડોક્ટર સામે કડક કાર્યવાહીની માંગ કરી છે, જ્યારે હોસ્પિટલ સત્તાવાળાઓ દ્વારા પણ આક્ષેપો અંગે તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

 

(2:00 PM IST)