<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st May 2025

PM સ્વનિધિ યોજનાના 5 વર્ષ : ગુજરાત અમલીકરણમાં અગ્રેસર : 4.79 લાખથી વધુ શેરી વિક્રેતાઓને સશક્ત કર્યા!

વડાપ્રધાન નરેન્દ્રભાઈના વિઝનથી પ્રેરિત, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં ગુજરાતનું નોંધપાત્ર પ્રદર્શન : ડિજિટલ વ્યવહારો દ્વારા ₹15.87 કરોડનું કૅશબૅક

ગાંધીનગર, 31 મે, 2025: ભારત સરકારના આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયની મહત્વની પહેલ - પીએમ સ્વનિધિ યોજનાના અમલીકરણમાં ગુજરાત અગ્રેસર રાજ્ય બનીને ઊભરી આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈના દૂરંદેશી નેતૃત્વ હેઠળ 1 જૂન, 2020 ના રોજ શરૂ કરાયેલી આ યોજનાનો ઉદ્દેશ્ય શેરી વિક્રેતાઓને સશક્ત બનાવવાનો અને તેમને પરંપરાગત નાણાકીય વ્યવસ્થામાં એકીકૃત કરવાનો છે. જૂન 2025માં આ યોજનાને પાંચ વર્ષ પૂર્ણ થશે, અને આ સમયગાળા દરમિયાન ગુજરાતે શેરી વિક્રેતાઓના સશક્તિકરણ અને સમાવિષ્ટ આર્થિક વિકાસનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર આ યોજના હેઠળ રાજ્યના શહેરી વિસ્તારોમાં વિક્રેતાઓ માટે લોન વિતરણ સરળ બને, તેઓ ડિજિટલ માધ્યમ સાથે જોડાય અને તેમને નિયમિત સહાય મળે તે સુનિશ્ચિત કરી રહી છે.
ગુજરાતમાં 4,79,141 શેરી વિક્રેતાઓએ મેળવ્યો લાભ:
પીએમ સ્વનિધિ યોજનાના અમલીકરણમાં ગુજરાતનું પ્રદર્શન અત્યંત નોંધપાત્ર રહ્યું છે. રાજ્યએ જુલાઈ 2023માં 3 લાખ લોનનો પ્રથમ લક્ષ્યાંક હાંસલ કર્યા બાદ ઓક્ટોબર 2024માં 4 લાખ લોનનો બીજો લક્ષ્યાંક પાર કરીને આ ઉત્કૃષ્ટ પ્રયાસો માટે રાષ્ટ્રીય સ્તરે બીજું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. ગુજરાતની અસાધારણ પ્રગતિને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે નવેમ્બર 2024માં લોનનો લક્ષ્યાંક વધારીને 5.20 લાખ કર્યો હતો. નોંધનીય બાબત એ છે કે, ગુજરાત આ સંશોધિત લક્ષ્યના 92.14% હાંસલ કરી ચૂક્યું છે અને આ બાબતમાં તે રાષ્ટ્રીય સ્તરે ચોથા ક્રમે છે. અત્યાર સુધીમાં, કુલ 4,79,141 શેરી વિક્રેતાઓએ કાર્યકારી મૂડી લોન અને જરૂરી માર્ગદર્શન દ્વારા આ યોજનાનો લાભ મેળવ્યો છે, જેથી તેમની આજીવિકાની સાથે આર્થિક સ્થિરતામાં પણ વધારો થયો છે. આ આંકડાઓ નાણાકીય સમાવેશ અને શેરી વિક્રેતાઓને સશક્ત બનાવવાની ગુજરાતની મજબૂત પ્રતિબદ્ધતા દર્શાવે છે.
લોન વિતરણથી નાના પાયાના વ્યવસાયોમાં વૃદ્ધિ:
ભારત સરકારે 100% કેન્દ્રીય હિસ્સાની જોગવાઈ હેઠળ ગુજરાતને વ્યાજ સબસિડીમાં ₹30.47 કરોડની સહાય આપીને આ યોજના માટે સંપૂર્ણ ભંડોળ પૂરું પાડ્યું છે. આ નાણાકીય સહાયથી વિક્રેતાઓ પર ચૂકવણીનો બોજ હળવો થયો છે, જેના કારણે વધુ લોકો આ કાર્યક્રમમાં જોડાયા છે. ગુજરાતમાં 4.79 લાખથી વધુ વિક્રેતાઓને લોનનો પ્રથમ હપ્તો, 1.71 લાખને બીજો હપ્તો અને 42,176 વિક્રેતાઓને ત્રીજો હપ્તો મળ્યો છે. આ આંકડા નાના પાયાના વ્યવસાયો અને સ્વરોજગારીમાં સતત વૃદ્ધિ દર્શાવે છે. ગુજરાત સરકારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના માર્ગદર્શન હેઠળ, લક્ષિત વિતરણ શિબિરો, ડિજિટલ સાક્ષરતા કાર્યક્રમોનું આયોજન કર્યું છે અને તમામ શેરી વિક્રેતાઓ માટે સમયસર લોન વિતરણ અને નાણાકીય સમાવેશ સુનિશ્ચિત કરવા માટે નાણાકીય સંસ્થાઓ સાથે સહયોગ કર્યો છે.
ડિજિટલ અને નાણાકીય સમાવેશને પ્રોત્સાહન:
ગુજરાતે પીએમ સ્વનિધિ યોજના હેઠળ શેરી વિક્રેતાઓ માટે ડિજિટલ સમાવેશ અને નાણાકીય સાક્ષરતા પર ભાર મૂક્યો છે. રાજ્ય નિયમિતપણે ડિજિટલ સાક્ષરતા શિબિરોનું આયોજન કરે છે, વિક્રેતાઓને રીઅલ-ટાઇમ ચૂકવણી પ્રણાલીઓથી પરિચિત કરાવવા માટે નાના વ્યવહારોનો ઉપયોગ કરે છે, અને વ્યાપક ભાગીદારીને પ્રોત્સાહન આપવા માટે વિતરણ શિબિરોનું આયોજન કરે છે. આ પહેલ સરળ ઓનબોર્ડિંગ અને લાભોની સમયસર પહોંચની ખાતરી આપે છે. આ ઉપરાંત, રાજ્ય સ્તરીય બેન્કર્સ સમિતિ (SLBC) અને વિવિધ નાણાકીય સંસ્થાઓ સાથેના મજબૂત સહયોગથી ગુજરાતની સફળતાને સમર્થન મળ્યું છે. ઉલ્લેખનીય છે કે, શુક્રવાર અને શનિવારે લોન વિતરણ કરવામાં આવે છે, જે શેરી વિક્રેતાઓ માટે લોનની ઝડપી પહોંચ સુનિશ્ચિત કરે છે. તમામ શહેરી સ્થાનિક સંસ્થાઓ (ULB)માં ખાસ ઝુંબેશ અને ઓનબોર્ડિંગ પ્રયાસો કોઈ વિક્રેતા પાછળ ન રહે, તેનું વ્યાપક કવરેજ મળે અને સમાવેશ સરળ બને તે સુનિશ્ચિત કરે છે. પરિણામે, અત્યાર સુધીમાં વિક્રેતાઓને ડિજિટલ વ્યવહારો દ્વારા કુલ ₹15.87 કરોડનું કૅશબૅક પણ મળ્યું છે.
શેરી વિક્રેતાઓનું સશક્તિકરણ: PM સ્વનિધિ હેઠળ સમાવિષ્ટ વિકાસ માટે ગુજરાતનું મૉડેલ:
પીએમ સ્વનિધિ યોજના હેઠળ ગુજરાતની અસાધારણ સફળતા એ શેરી વિક્રેતાઓ અને તેમના સશક્તિકરણ પ્રત્યે રાજ્યની અતૂટ પ્રતિબદ્ધતાનો પુરાવો છે. ગુજરાત સરકારે ડિજિટલ સાધનોનો ઉપયોગ કરીને, નાણાકીય સેવાઓની સુલભતામાં સુધારો કરીને અને મહત્વપૂર્ણ સહયોગીઓ સાથે ભાગીદારી કરીને હજારો શેરી વિક્રેતાઓને સફળ થવામાં મદદ કરી છે. રાજ્ય આ પ્રતિબદ્ધતાને આગળ વધારતાં વધુ લોકો સુધી અસરકારક રીતે લાભો પહોંચાડવાનો અને દરેક વિક્રેતાને આર્થિક રીતે સ્થિર બનાવવાનો ઉદ્દેશ્ય ધરાવે છે. આ પ્રયાસો દ્વારા ગુજરાતે રાષ્ટ્રીય સ્તરે ઉદાહરણ સ્થાપિત કર્યું છે કે, રાજ્ય સ્તરના પ્રયાસો કેવી રીતે જીવનમાં પરિવર્તન લાવી શકે છે, સમુદાયોને ટેકો આપી શકે છે અને અર્થતંત્રને પાયાના સ્તરે વેગ આપી શકે છે.

 

(1:00 PM IST)