News of Saturday, 31st May 2025
ગુજરાતમાં RTE હેઠળ 6.70 લાખથી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણનો લાભ : અભ્યાસ સામગ્રી માટે ₹3000ની સહાય આપનાર દેશનું પ્રથમ રાજ્ય બન્યું!
વડાપ્રધાન નરેન્દ્રભાઈના શિક્ષણ યજ્ઞનું ફળ : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં 3800 કરોડનો ખર્ચ : આવક મર્યાદા 6 લાખ કરાતા વધુ બાળકોને તક

ગાંધીનગર, શનિવાર, 31 મે, 2025: વિકસિત રાષ્ટ્રના નિર્માણ માટે શિક્ષણનું મહત્વ સમજીને, ગુજરાતે 'રાઈટ ટુ એજ્યુકેશન' (RTE) એક્ટ હેઠળ ગરીબ અને વંચિત બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ પૂરું પાડવામાં અગ્રેસર ભૂમિકા ભજવી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈના ગુજરાતના મુખ્યમંત્રી કાળ દરમિયાન શરૂ કરાયેલા શાળા પ્રવેશોત્સવ, કન્યા કેળવણી અને ગુણોત્સવ જેવા કાર્યક્રમોના પરિણામ સ્વરૂપે, વર્ષ 2013 થી શરૂ થયેલા RTE એક્ટ હેઠળ, વર્ષ 2024-25 સુધીમાં અંદાજિત 6.70 લાખથી વધુ વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવી શિક્ષણનો લાભ લીધો છે. રાજ્ય સરકારે આ વિદ્યાર્થીઓની ઉજ્જવળ કારકિર્દી માટે અત્યાર સુધીમાં 3800 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કર્યો છે.
અભ્યાસ આનુસંગિક સહાયમાં ગુજરાત દેશમાં પ્રથમ:
RTE એક્ટ હેઠળ પ્રવેશ મેળવનાર નબળા અને વંચિત જૂથના બાળકોને અભ્યાસ આનુસંગિક વસ્તુઓ જેવી કે પુસ્તકો, સ્કૂલ બેગ, ગણવેશ, બૂટ અને પરિવહન ખર્ચ માટે પ્રતિવર્ષ વિદ્યાર્થીદીઠ રૂ. 3000ની સહાય ચૂકવવામાં આવે છે. આ પ્રકારની વિદ્યાર્થી સહાય ચૂકવવાની શરૂઆત કરનાર સમગ્ર દેશમાં ગુજરાત પહેલું રાજ્ય છે. અત્યાર સુધીમાં રાજ્ય સરકાર દ્વારા આ હેતુસર વિદ્યાર્થીઓને 1057 કરોડ રૂપિયાથી વધુની સહાય આપવામાં આવી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના દિશાનિર્દેશ:
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશાનિર્દેશ અને શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર તથા શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાના માર્ગદર્શનમાં આજે નબળા અને વંચિત જૂથના બાળકોને રાજ્યની ખાનગી સ્કૂલોમાં શિક્ષણ મળી રહ્યું છે. ધોરણ-1 માં રાજ્યમાં આવેલી બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં 25% જગ્યાઓ પર પ્રવેશ આપવાની કાર્યવાહી RTE અંતર્ગત કરવામાં આવી રહી છે. RTE હેઠળ પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓને રહેઠાણ ફેરફાર તથા અન્ય નિયત કારણોને ધ્યાને લઈને શાળા ફેરબદલી પણ પારદર્શક રીતે કરી આપવામાં આવે છે.
આવક મર્યાદામાં વધારો, વધુ વિદ્યાર્થીઓને લાભ:
હાલમાં રાજ્ય સરકાર દ્વારા RTE ના એડમિશન માટે વિદ્યાર્થીલક્ષી સકારાત્મક નિર્ણય કરવામાં આવ્યો હતો. જેમાં સિંગલ ગર્લ ચાઈલ્ડ, આંગણવાડી, SC, ST, OBC, જનરલ કેટેગરી માટે પહેલા રૂ. 1.5 લાખની આવક મર્યાદા હતી, તે વધારીને હાલ રૂ. 6 લાખ કરવામાં આવી છે. જેના થકી વધુને વધુ વિદ્યાર્થીઓ RTE નો લાભ લઈ રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2025-26 માટે RTE ના એડમિશનની પ્રવેશ પ્રક્રિયા ત્રણ તબક્કામાં કરવામાં આવી રહી છે. જેમાં પ્રથમ અને દ્વિતીય તબક્કામાં રાજ્યના 85 હજારથી વધુ વિદ્યાર્થીઓએ શાળા કક્ષાએ લાભ લીધો છે, જ્યારે ત્રીજા તબક્કાનું કાર્ય વિદ્યાર્થીઓના હિતને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા ઝડપથી પૂર્ણ કરવામાં આવશે. આ પ્રયાસો ગુજરાતને શિક્ષિત અને વિકસિત બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યા છે.
(12:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
