તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 30th May 2025
ફાર્માસ્યુટિકલ ઉત્પાદન અને નિકાસ ક્ષેત્રે ગુજરાત વિશ્વમાં અગ્રેસર - આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલનો દાવો : વાયબ્રન્ટ સમિટ-૨૦૨૪ના M.O.U.થી ૧૧ હજાર કરોડનું રોકાણ અને ૨૦ હજારથી વધુ નવી રોજગારી!
દેશના કુલ ફાર્મા ઉત્પાદનમાં ૩૩% ફાળો : ૨૦૦ દેશોમાં દવાઓની નિકાસ : ગુજરાત ભારતની ૨૮% ફાર્માસ્યુટિકલ નિકાસ સાથે ટોચ પર : ૫૮૫૦ લાઇસન્સ પ્રાપ્ત ઉત્પાદકોનું વિશાળ નેટવર્ક

ગાંધીનગર, ૩૦ મે, ૨૦૨૫: ગુજરાત, જે ભારતના વિકાસ એન્જિન તરીકે ઓળખાય છે, તે હવે ફાર્માસ્યુટિકલ ઉત્પાદન અને નિકાસ ક્ષેત્રે પણ સમગ્ર વિશ્વમાં પોતાનું મહત્વનું સ્થાન મજબૂત કરી રહ્યું છે. રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, ગુજરાતે ફાર્માસ્યુટિકલ ઉદ્યોગમાં ક્રાંતિકારી પ્રગતિ સાધી છે. આ પ્રગતિમાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ૨૦૦૩માં શરૂ કરેલી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો મોટો ફાળો છે, જેણે ૨૦૨૪માં સફળતાપૂર્વક ૧૦ ચરણ પૂર્ણ કર્યા છે.
વાયબ્રન્ટ ૨૦૨૪: ફાર્મા સેક્ટરના M.O.U.નો દબદબો
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ આયોજિત વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના ૧૦મા ચરણમાં, દેશ-વિદેશની અનેક કંપનીઓએ ગુજરાતમાં રોકાણ કરવાની ઈચ્છા દર્શાવી હતી અને તેની શરૂઆત પણ કરી દીધી છે. આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ, આરોગ્ય વિભાગના ફાર્માસ્યુટિકલ સેક્ટરને લગતા મોટી સંખ્યામાં M.O.U. (મેમોરેન્ડમ ઓફ અંડરસ્ટેન્ડિંગ) આ સમિટમાં કરવામાં આવ્યા હતા.
વર્ષ ૨૦૨૪ની વાયબ્રન્ટ સમિટમાં ફાર્માસ્યુટિકલ સેક્ટરના કુલ અંદાજે રૂ. ૩૦ હજાર કરોડની કિંમતના ૩૭૬ જેટલા M.O.U. થયા હતા. આમાંથી અત્યાર સુધીમાં ૧૭૫ M.O.U. ધરતી પર સફળ થઈને કમિશન થઈ ચૂક્યા છે, જ્યારે અન્ય ૧૫૩ M.O.U. પણ પૂર્ણતાના આરે છે. આ રોકાણના પરિણામે ગુજરાતના ફાર્માસ્યુટિકલ સેક્ટરમાં કુલ અંદાજિત રૂ. ૧૧,૧૧૪.૧૩ કરોડનું મૂડીરોકાણ પ્રાપ્ત થયું છે, જેના થકી ગુજરાતમાં ૨૦,૧૪૧ લોકોને નવી રોજગારી પણ પ્રાપ્ત થઈ છે, જે રાજ્યના યુવાનો માટે એક સુવર્ણ અવસર સમાન છે.
વિદેશી રોકાણ અને રોજગારી સર્જન
વર્ષ ૨૦૨૪માં કમિશન થયેલા મુખ્ય M.O.U. પ્રોજેક્ટ્સમાં વિદેશી કંપનીઓનો પણ સમાવેશ થાય છે:
* મે. સેનાડોર લેબોરેટરીઝ પ્રા.લિ., સ્પેન: કુલ રૂ. ૨૫૦૦ કરોડનું મૂડીરોકાણ કરીને વિશ્વમાં સૌથી વધુ કોન્ટ્રાસેપ્ટિવ દવાઓનું ઉત્પાદન શરૂ કર્યું છે, જેનાથી ૫૦૦ લોકોને રોજગારી મળી છે.
* મે. એમનીલ ફાર્માસ્યુટિકલ પ્રા.લિ., અમેરિકા: કુલ રૂ. ૭૦૦ કરોડનું મૂડીરોકાણ કરીને ઈન્જેકટેબલ દવાઓનું ઉત્પાદન શરૂ કર્યું છે, જેનાથી ૫૦૦ લોકોને રોજગારી મળી છે.
* મે. સીસમેક્સ ઇન્ડિયા પ્રા.લિ., જાપાન: મેડિકલ ડિવાઈસ ઉત્પાદન ક્ષેત્રે કુલ રૂ. ૨૧૦ કરોડનું રોકાણ કરીને ૭૦ જેટલા લોકોને રોજગારી પૂરી પાડી છે.
ભારતીય કંપનીઓની વાત કરીએ તો, ગુજરાતમાં આવેલી મે. મેરીલ ગ્રુપ કંપની દ્વારા મેડિકલ ડિવાઈસના ઉત્પાદનમાં કુલ રૂ. ૯૧૦ કરોડનું મૂડીરોકાણ કરીને ૩૦૦ લોકોને રોજગારી, જ્યારે મે. સ્વાતિ સ્પેન્ટોસ પ્રા.લિ., વાપી દ્વારા કુલ રૂ. ૫૦૦ કરોડનું મૂડીરોકાણ કરીને ૩૦૦ લોકોને રોજગારી આપવામાં આવી છે.
ફાર્માસ્યુટિકલ ક્ષેત્રે ગુજરાતનો દબદબો: આંકડા બોલે છે!
ગુજરાત હાલ દેશના ફાર્માસ્યુટિકલના કુલ ઉત્પાદનમાં ૩૩ ટકાનો અદભૂત ફાળો આપે છે. આ ઉપરાંત, ગુજરાત દ્વારા વિશ્વના ૨૦૦ જેટલા દેશોમાં દવાઓની નિકાસ કરવામાં આવે છે. ભારતની કુલ ફાર્માસ્યુટિકલ નિકાસમાં ગુજરાત આશરે ૨૮ ટકા જેટલો હિસ્સા સાથે સમગ્ર દેશમાં મોખરે છે, જે તેની વૈશ્વિક ઓળખને વધુ મજબૂત બનાવે છે.
હાલ ગુજરાતમાં ૫૮૫૦ જેટલા લાઇસન્સ પ્રાપ્ત ઉત્પાદકો કાર્યરત છે, જેમાં એલોપેથિક, આયુર્વેદિક, હોમિયોપેથિક દવાઓ, મેડિકલ ડિવાઈસ અને કોસ્મેટિક્સનું ઉત્પાદન થાય છે. આ આંકડા દર્શાવે છે કે ગુજરાત માત્ર ઉત્પાદનમાં જ નહીં, પરંતુ ગુણવત્તા અને વૈવિધ્યકરણમાં પણ અગ્રેસર છે. ગુજરાતની આ સફળતા, રાજ્યને 'ફાર્મા હબ' તરીકેની તેની પ્રતિષ્ઠાને વધુ ઊંચાઈએ લઈ જાય છે.
(12:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
