<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th May 2025

૧૩ વર્ષના વિદ્યાર્થી સાથે ગર્ભવતી થનારી શિક્ષિકાને સગીર બાળકથી દૂર રહેવાની શરતે જામીન મળ્‍યા

કોર્ટે કહ્યું છે કે ટ્રાયલ પૂર્ણ ન થાય ત્‍યાં સુધી મહિલા શિક્ષિકા પીડિત વિદ્યાર્થીના ઘરથી ૧૦૦૦ મીટરની અંદર પ્રવેશ કરશે નહીં

 

સુરત,તા.૩૦: ગુજરાતના સુરત શહેરમાં ૧૩ વર્ષના બાળકનું અપહરણ કરી તેની સાથે શારીરિક સંબંધો બાંધનાર શિક્ષકને કોર્ટે જામીન આપ્‍યા છે. આ સમગ્ર મામલે જ્‍યારે અપહરણનો કેસ નોંધવામાં આવ્‍યો હતો, ત્‍યારે ૨૩ વર્ષીય શિક્ષિકાએ બાળક સાથે શારીરિક સંબંધો બાંધ્‍યા હોવાનો આરોપ કરવામાં આવ્‍યો હતો. તબીબી તપાસમાં શિક્ષિકા ગર્ભવતી હોવાનું પણ જાણવા મળ્‍યું હતું. કસ્‍ટડીમાં કોર્ટની મંજૂરી બાદ શિક્ષિકાએ ગર્ભપાત કરાવ્‍યો હતો. હવે કોર્ટે શિક્ષિકાને જામીન આપ્‍યા છે પરંતુ તેના પર એક મોટી શરત મૂકી છે. કોર્ટે કહ્યું છે કે તે સગીર બાળકથી દૂર રહેશે. કોર્ટે કહ્યું છે કે ટ્રાયલ પૂર્ણ ન થાય ત્‍યાં સુધી મહિલા શિક્ષિકા પીડિત વિદ્યાર્થીના ઘરથી ૧૦૦૦ મીટરની અંદર પ્રવેશ કરશે નહીં. પૉકસો કોર્ટે વિગતવાર આદેશમાં આ શરતોનો ઉલ્લેખ કર્યો છે.

સુરતમાં આ મહિનાની શરૂઆતમાં આ ચોંકાવનારી ઘટના બની હતી. એક ૨૩ વર્ષીય ટયુશન શિક્ષકે ૧૩ વર્ષના વિદ્યાર્થીનું અપહરણ કર્યું હતું. જ્‍યારે વિદ્યાર્થી ઘરે પાછો ન ફર્યો, ત્‍યારે પરિવારે તેના ગુમ થવાની જાણ કરી અને અપહરણનો કેસ દાખલ કર્યો. પોલીસે ચાર દિવસ પછી વિદ્યાર્થી સાથે શિક્ષિકાની ધરપકડ કરી હતી. ત્‍યારબાદ શિક્ષિકાએ કહ્યું હતું કે તે ગર્ભવતી છે. આ કારણે તે વિદ્યાર્થી સાથે ભાગી ગઈ હતી. શિક્ષિકાએ ગર્ભપાત કરાવ્‍યા બાદ, ગર્ભના નમૂના DNA પરીક્ષણ માટે મોકલવામાં આવ્‍યા છે. આ શિક્ષિકાના દાવાની પુષ્ટિ કરશે, જોકે પોલીસ પૂછપરછ દરમિયાન, વિદ્યાર્થીએ પણ સંબંધ હોવાની કબૂલાત કરી હતી. આ કેસમાં, પોલીસે શિક્ષિકા સામે સગીરનું અપહરણ કરવાના આરોપમાં ભારતીય દંડ સંહિતા (BNS) ની કલમ ૧૩૭ (૨) હેઠળ કેસ નોંધ્‍યો હતો. હવે POCSO ની કલમ ૪, ૮, ૧૨ પણ ઉમેરવામાં આવી છે.

સુરત કોર્ટમાં એડિશનલ સેશન્‍સ જજ રાકેશ રજનીકાંત ભટ્ટની કોર્ટે આરોપી શિક્ષિકાને જામીન આપ્‍યા. કોર્ટે શિક્ષિકાને તેના કાયમી સરનામા અને મોબાઇલ નંબર સહિતની તમામ માહિતી ત્રણ દિવસમાં પોલીસ સ્‍ટેશનમાં સબમિટ કરવાનો આદેશ આપ્‍યો છે. કોર્ટે કહ્યું છે કે આરોપી કોઈપણ સાક્ષીને પ્રભાવિત કરી શકશે નહીં કે ડરાવી શકશે નહીં. બચાવ પક્ષ વતી એડવોકેટ વાજિદ શેખે દલીલ કરી હતી કે ફરિયાદ નોંધતી વખતે પોલીસે ભૂલ કરી હતી. આ કેસમાં POCSO એક્‍ટની કલમો લાગુ પડતી નથી, છતાં તે લાદવામાં આવી છે. કોર્ટના આદેશ મુજબ પોલીસે રજૂ કરેલા દસ્‍તાવેજો જોતાં એવું લાગે છે કે આરોપી સામે તપાસ લગભગ પૂર્ણ થઈ ગઈ છે. આરોપીએ ગર્ભપાત કરાવી લીધો છે અને જરૂરી પુરાવા પણ એકત્રિત કરવામાં આવ્‍યા છે. બન્નેએ પોતાની મરજીથી સંબંધ બાંધ્‍યો છે.

બચાવ પક્ષે દલીલ કરી હતી કે POCSO એક્‍ટની કલમ ૪, ૬, ૮ અને ૧૨ મહિલાઓને લાગુ પડતી નથી. આ ઉપરાંત, આ કેસમાં અપહરણની કલમ પણ લાગુ પડતી નથી, કારણ કે આરોપી અને કિશોર જાહેર સ્‍થળોએ સાથે ફરતા જોવા મળ્‍યા હતા. આરોપીને ખોટા કેસમાં ફસાવવામાં આવ્‍યો છે. આ ઉપરાંત, આરોપીનો ગર્ભપાત થઈ ચૂકયો છે અને તેની માનસિક અને શારીરિક સ્‍થિતિ નાજુક અને સંવેદનશીલ છે.(૪૦.૧૨)

(9:37 AM IST)