તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 28th May 2025
દેશી કેરીની મધુર સુગંધ વચ્ચે એક વિધવા માતાની આત્મનિર્ભરતાની કહાની
નાંદોદ તાલુકાના બિતાડા ગામના વિધવા મહિલા રેવાબેન વસાવાને સરકાર દ્વારા પ્રતિ માસ રૂપિયા ૧૨૫૦/- વિધવા પેન્શન રૂપે અપાતી આર્થિક સહાય

( ભરત શાહ દ્વારા ) રાજપીપળા :નર્મદા જિલ્લામાં આવેલા નાંદોદ તાલુકાનાં બિતાડા ગામની એક સામાન્ય પણ અસામાન્ય મહિલાની વાત કરીએ તો તે રેવાબેન શાંતીલાલ વસાવા. ભલે તેમના જીવનમાં પતિના અવસાન પછી દુઃખદ સમય આવ્યો હોય, પણ હિંમતથી ભરેલી આ મહિલાએ જીવન સામે હાર ન માની. છેલ્લાં પંદર વર્ષથી રેવાબેન વિધવા પેન્શનની સરકારની સહાયરૂપે રૂપિયા ૧૨૫૦/- પ્રતિ માસ મેળવી પોતાનું અને પોતાના પરિવારનું ભરણપોષણ કરી ગુજરાન ચલાવે છે. પણ માત્ર આટલું પૂરતું નહીં હોવાથી તેમણે ગુજરાન ચલાવવા માટે પૂરક રોજગારી સ્વીકારી છે, રેવાબેનને વડીલોપાર્જિત જમીનમાં પાંચ દેશી આંબાના ઝાડનો વારસો મળ્યો છે. આખું વર્ષ તેઓ તે આંબાની માવજત કરે છે અને દર ઉનાળે જ્યારે કેરીની સિઝન આવે છે, ત્યારે તેઓ રાજપીપળા-મોવી હાઈવે પર મોટી ભમરી જવાના રસ્તા પાસે દેશી કેરી વેચવાનું સિઝનલ કામ શરૂ કરે છે. તેઓ દેશી આંબા પર તૈયાર થયેલી કેરીને ડાંગરના પરાંળુમાં કુદરતી રીતે પકવે છે જેમાં કેમિકલ કે પાવડરનો ઉપયોગ થતો નથી. જે ઘણી મીઠી અને સ્વાદિષ્ટ હોય છે. કેરી ખરીદનારા જ્યારે એક વાર આ કેરી ચાખે છે, તો એક કિલોને બદલે સીધા પાંચ કિલો સુધીની ખરીદી કરી લે છે. આથી રેવાબેનને સિઝનમાં સારી આવક થાય છે. તેઓ એક કિલોના માત્ર ૬૦ રૂપિયા જ લે છે. કેરીની આવકમાંથી તેઓ ચોમાસુ ખેતી માટે બિયારણ, ખેડાણ અને ઘરખર્ચ જેવી જરૂરિયાતો સરળતાથી કરે છે.
સરકાનો આભાર વ્યક્ત કરતા રેવાબેન કહે છે કે, “મને સરકાર તરફથી વિધવા સહાય રૂપે દર મહિને મળતા રૂપિયા ૧૨૫૦/- મારા માટે જીવનરક્ષક પુરવાર થાય છે. હું આ સહાય માટે સરકારનો હ્રદયપૂર્વક આભાર માનું છું.”
રેવાબેન મહિલા સશક્તિકરણનો જીવંત દાખલો બની અન્યોને પ્રેરણા પુરી પાડી રહ્યા છે. તેઓ એક વિધવા મહિલા હોવા છતાં જીવનને સંઘર્ષ સાથે હિંમતભેર જીવી રહ્યા છે. પોતાની જાત મહેનતના પગલે કુટુંબ ચલાવે છે, તે ખરેખર પ્રશંસનીય છે. દેશી કેરી જેવા સ્થાનિક સંસાધનનો ઉપયોગ કરીને તેમણે જે રીતે પૂરક આવક અને આત્મનિર્ભરતા હાંસલ કરી છે તે અન્ય મહિલાઓ માટે પણ પ્રેરણારૂપ બની રહ્યાં છે.
(11:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
