<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th May 2025

ગાંધીનગરમાં કોરોનાના બે કેસ નોંધાયા, બંને દર્દીઓને હોમ આઈસોલેશનમાં રખાયા

કોરોનાનો હાહાકારઃએક મહિલા હાયપરટેન્શન અને હૃદયની સમસ્યા હોવાથી તેમને અસારવા સિવિલમાં દાખલ કરાયા છે

ગાંધીનગર,તા.૨૮

ગુજરાતમા હાલમા કોરોનાના ૧૦૦ કરતા વધુ દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે. રાજ્યમાં હોસ્પિટલમાં સારવાર લેવી પડે તેવા દર્દીઓનું પ્રમાણ ખૂબજ ઓછું છે. ગાંધીનગરમાં કોરોનાના બે કેસ નોંધાયા છે. જેમાં એક પૂરૃષ અને એક મહિલાનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ દર્દીઓમાં એક દર્દી સરગાસણ અને બીજો સેક્ટર-૧૩નો હોવાનું માલુમ પડયું છે. બંને દર્દીઓને હોમ આઈસોલેશનમાં રાખવામાં આવ્યાં છે.

અમદાવાદમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૭ નવા કોરોના કેસ નોંધાયા છે. જ્યારે શહેરના એક્ટિવ કેસનો આંક ૭૬ થઈ ગયો છે. શહેરમાં માત્ર બે દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.જેમાં એક મહિલા હાયપરટેન્શન અને હૃદયની સમસ્યા હોવાથી તેમને અસારવા સિવિલમાં દાખલ કરાયા છે.મે મહિનામાં અમદાવાદમાં ૮૯ કેસ નોંધાયા છે જેમાંથી ૧૩ દર્દીઓ સાજા થયા છે.

રાજકોટમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૬ કેસ નોંધાયા છે.અત્યાર સુધી રાજકોટમાં કુલ ૧૧ કેસ નોંધાયા છે. જેમાં એક દર્દી સંપૂર્ણ સ્વસ્થ થયાં છે અને ૧૦ દર્દીઓ સારવાર હેઠળ છે. અમદાવાદ, રાજકોટ અને સુરત જેવા શહેરોમાં કેસમાં વધારો જોવા મળ્યો છે, જેમાં અમદાવાદ સૌથી વધુ એક્ટિવ કેસ સાથે આગળ છે.હોસ્પિટલોમાં દર્દીઓ માટે બેડની સુવિધા ઉભી કરવામાં આવી છે. આરોગ્ય વિભાગે લોકોને માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સ રાખવા સલાહ આપી છે. નાગરિકોને ભીડવાળી જગ્યાઓ પર જવાનું ટાળવા અને લક્ષણો દેખાય તો તાત્કાલિક તપાસ કરાવવાની અપીલ કરવામાં આવી છે.

(9:15 PM IST)