તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 28th May 2025
ભારતીય પાસપોર્ટના આધારે કુવેતમાં બાંગ્લાદેશી કરતો હતો નોકરી: લગ્ન કરવા આવ્યો અને પરત ફરતી વેળાએ ઝડપાયો
અમદાવાદ શહેર એસઓજીએ બિપ્લોબ હલદાર નામનાં બાંગ્લાદેશીની ધરપકડ કરી:મૂળ બાંગ્લાદેશનો વતની અને વર્ષોથી ભારતના બનાવટી દસ્તાવેજો બનાવી પશ્ચિમ બંગાળમાં વસવાટ કરતો અને ભારતનાં પાસપોર્ટ સાથે કુવેતમાં નોકરી કરતો હતો

અમદાવાદ એરપોર્ટ પરથી ઇમિગ્રેશન વિભાગે બનાવટી દસ્તાવેજોના આધારે ભારતમાં વસવાટ કરી ભારતના પાસપોર્ટના આધારે અન્ય દેશમાં મુસાફરી કરનાર બાંગ્લાદેશીને પકડી પાડ્યો છે. પકડાયેલો બાંગ્લાદેશી લાંબા સમયથી વિદેશમાં નોકરી કરતો હતો, જોકે તે પોતાના દેશમાં લગ્ન કરવા માટે ગયો અને લગ્ન બાદ નોકરી પર પરત ફરતા સમયે પકડાઈ ગયો.
અમદાવાદ શહેર એસઓજીએ બિપ્લોબ હલદાર નામનાં બાંગ્લાદેશીની ધરપકડ કરી છે, આ શખ્સ મૂળ બાંગ્લાદેશનો વતની છે અને તે વર્ષોથી ભારતના બનાવટી દસ્તાવેજો બનાવી ભારતમાં પશ્ચિમ બંગાળમાં વસવાટ કરતો હતો અને ભારતનાં પાસપોર્ટ સાથે કુવેતમાં નોકરી કરતો હતો, જોકે તેની એક ભૂલે તેને પોલીસ હવાલે કરી નાખ્યો છે. ગત 22મી મેનાં રોજ અમદાવાદ એરપોર્ટ પરથી આ શખ્સ કુવેત જઈ રહ્યો હતો, જોકે ઈમિગ્રેશન વિભાગને શંકા જતા તેની પુછપરછ કરતા તે ભાંગી પડ્યો હતો અને પોતે બાંગ્લાદેશી હોવાની કબૂલાત કરી હતી. તેની ટ્રાવેલ હિસ્ટ્રી જોતા તે બાંગ્લાદેશ ગયો હતો તે અંગે પુછતા તે લગ્નપ્રસંગમાં ગયો હોવાની હકિકત જણાવતો હતો પરંતુ ઈમિગ્રેશન વિભાગે ઉંડાણપૂર્વક પુછપરછ કરતા એક બાદ એક નવા ખુલાસા થયા અને અંતે આ શખ્સને એરપોર્ટ પોલીસને હવાલે કરાયો અને તેની સામે ગુનો દાખલ કરી પોલીસે ધરપકડ કરી છે.
બિપ્લોબ હદલરની તપાસમાં ખુલાસો થયો કે લાંબા સમય પહેલા તે બાંગ્લાદેશથી ગેરકાયદેસર ભારતમાં આવ્યો હતો અને પશ્ચિમ બંગાળમાં રહેતો હતો, પશ્ચિમ બંગાળ ખાતેથી કેટલાક લોકો રૂપિયા કમાવવા માટે કુવેત જાય છે તેવી તેને જાણ થતા તેણે કુવેત પૈસા કમાવવા જવા માટે બંગાળનાં છપ્પન નામનાં એક એજન્ટનો સંપર્ક કર્યો હતો. જે બાદ તેણે પોતાના માતાપિતા નથી એવુ એફિડેવિટ કરાવી, સ્થાનિક નેતાનો દાખલો અને મેડિકલ સર્ટી રજૂ કરી ખોટો જન્મનો દાખલો બનાવ્યો હતો. જે બાદ એજન્ટે 5 હજાર રૂપિયામાં બિપ્લોબ હદલરને ભારતનું આધારકાર્ડ, પાનકાર્ડ અને ચુંટણી કાર્ડ બનાવી આપ્યું હતું. જે ડોક્યુમેન્ટનાં આધારે આ શખ્સે ભારતીય પાસપોર્ટ કઢાવ્યો અને વર્ષ 2018માં વિઝા મેળવી કોલકત્તા એરપોર્ટથી કુવેત જતો રહ્યો હતો. કુવેતમાં સલુબી સિટીમાં તે 6 વર્ષ સુધી નોકરી કરતો રહ્યો અને તેણે પોતાનાં દેશમાં લગ્ન કરવા હોવાથી ફેબ્રુઆરી 2025માં ભારત પરત આવ્યો હતો.
જે બાદ આ આરોપીએ ભારતમાં રહીને બાંગ્લાદેશનાં વિઝા મેળવ્યા હતા અને બાંગ્લાદેશમાં જઈને મુંદીરા નામની મહિલા સાથે લગ્ન કર્યા હતા. લગ્ન પછી તેને નોકરી કરવા માટે ફરી કુવેત જવાનું હોવાથી તે પાછો ભારતમાં આવ્યો હતો અને અમદાવાદ એરપોર્ટ પરથી કુવેત જતો હતો જે દરમિયાન તેને ઈમિગ્રેશન વિભાગે પકડી પાડ્યો હતો. આ મામલે આરોપીની તપાસમાં તેને બોગસ ડોક્યુમેન્ટ બનાવી આપનાર એજન્ટનું નામ સામે આવ્યું છે, તેવામાં હવે તે એજન્ટ પકડાય પછી તેણે આ રીતે કેટલા બાંગ્લાદેશીઓને બનાવટી ડોક્યુમેન્ટ બનાવી આપ્યા છે તે અંગે ખુલાસા થશે. હાલ તો એસઓજીએ બાંગ્લાદેશીને પકડ્યા બાદ તેની વધુ તપાસ હાથ ધરી છે.
(9:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
