<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th May 2025

છેલ્લા 5 મહિનામાં જ નવસારી અને આસપાસના વિસ્તારોમાં 1300 થી વધુ શ્વાન કરડ્યાના કેસો સિવિલ હોસ્પિટલના ચોપડે નોંધાયા

શહેરની શેરીઓ, ગલીઓ, મહોલ્લાઓ અને સોસાયટીઓમાં રખડતા શ્વાનની વધતી સંખ્યા અને તેના કારણે શ્વાન કરડવાની ઘટનાઓમાં પણ વધારો

નવસારી તા.૨૮ : સૌથી વિશ્વાસુ પ્રાણીમાં શ્વાન આવે છે, પરંતુ પાલતુની જગ્યાએ શેરી, મોહલ્લા કે સોસાયટીમાં રખડતા શ્વાન ક્યારેય પણ કોઈને પણ કરડી લેતા લોકોમાં ભયનો માહોલ બન્યો છે. નવસારી શહેરની ઘણી સોસાયટીમાં રસ્તે ચાલતા પણ લોકો શ્વાનને જોઈને ગભરાય છે. શ્વાન કરડવાના કેસોની વાત કરીએ તો છેલ્લા 5 મહિનામાં જ નવસારી શહેર અને આસપાસના વિસ્તારોમાં 1300 થી વધુ શ્વાન કરડ્યાના કેસો નવસારી સિવિલ હોસ્પિટલના ચોપડે નોંધાયા છે. 

નવસારી પાલિકા મહાનગર પાલિકામાં ફેરવાતા જ શહેરની આશા અપેક્ષાઓ પણ વધી છે. જેમાં શહેરની જૂની જડ કરી ગયેલી સમસ્યાઓમાં રખડતા શ્વાન પણ એક છે. શહેરની શેરીઓ, ગલીઓ, મહોલ્લાઓ અને સોસાયટીઓમાં રખડતા શ્વાનની વધતી સંખ્યા અને તેના કારણે શ્વાન કરડવાની ઘટનાઓમાં પણ વધારો થઈ રહ્યો છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ ગાયત્રી સંકુલ સોસાયટીમાં છેલ્લા ઘણા મહિનાઓથી શ્વાનનો ત્રાસ છે. સોસાયટીના મંદિરે, કોમન પ્લોટમાં રમતા બાળકો કે બાંકડે બેઠેલા વૃદ્ધો તેમજ મોઢે સ્કાફ પહેરીને જતી મહિલાઓ ઉપર અચાનક ધીમે પગલે આવીને શ્વાન હુમલો કરે છે અને પગમાં બચકુ ભરી લે છે. જેના કારણે ઇન્જેક્શન અમે ગંભીરાવસ્થા મોંઘી સારવાર પણ લેવી પડે છે. સોસાયટીના લોકોએ પૂર્વમાં પાલિકા અને હાલમાં મહાનગર પાલિકામાં રજૂઆત કરી છતાં રખડતા શ્વાનની સમસ્યા ઉકેલવા મુદ્દે મહાપાલિકાએ વિચાર સુધ્ધા કર્યો હોય એવું દેખાતું નથી. બીજી તરફ જિલ્લા પશુ સંવર્ધન અધિકારી પાલતુ શ્વાન હોય કે રખડતા શ્વાન એને યોગ્ય સમયે રસી આપવામાં આવે તો કરડવાની સંખ્યા ઘટી શકેની વાત કરી રહ્યા છે. પણ રખડતા શ્વાનને રસી અપાવે કોણ..? જેથી શહેરીજનો મહાપાલિકા યોગ્ય કાર્યવાહી કરે એવી આશા સેવી રહ્યા છે. 

5 મહિનામાં 1300 થી વધુ કેસો શ્વાન કરડ્યાના નોંધાયા

શ્વાન કરડતા લોકોએ ઇન્જેક્શન લેવા પડે છે અને તેની સારવાર પાછળ આર્થિક ભારણ પણ ઉઠાવવું પડે છે. વર્ષ 2025 ના હજુ 5 મહિના પણ પૂર્ણ થયા નથી, પણ તેની સામે શહેરમાં શ્વાન કરડ્યાના ફક્ત નવસારી સિવિલના આંકડાઓ ઉપર નજર કરીએ, તો એ પણ ચોંકાવનારા છે. સિવિલ હોસ્પિટલમાં રોજના 8 થી 10 કેસ શ્વાન કરડ્યાના આવે છે. જેને ધ્યાનમાં લઈએ તો મહિને 260 થી 300 ની વચ્ચે લોકોને શ્વાન કરડી જાય છે. સિવિલ હોસ્પિટલના ચોપડે છેલ્લા 5 મહિનામાં જ 1300 થી વધુ કેસો શ્વાન કરડ્યાના નોંધાયા છે. જ્યારે શહેરના ખાનગી દવાખાના અને હોસ્પિટલોની સંખ્યા અલગથી છે. નવસારી નગર પાલિકાના સમયે રખડતા શ્વાનની સમસ્યાનું સમાધાન લાવવા ખસીકરણ કરવા પ્રયાસો કર્યા, પણ સફળતા મળી ન હતી. ત્યારે હવે મહાનગર પાલિકા રખડતા શ્વાનના નિયંત્રણ માટે યોગ્ય યોજના બનાવી ખસીકરણ માટેના સફળ પ્રયાસો કરે એવી આશા શહેરીજનો સાથે NGO પણ રાખી રહ્યા છે. 

 

નવસારી સિવિલ હોસ્પિટલમાં જાન્યુઆરીથી મે સુધીમાં નોંધાયેલા શ્વાન કરડ્યાના કેસો 

જાન્યુઆરી : 345 

ફેબ્રુઆરી : 246 

માર્ચ : 297 

એપ્રિલ : 257 24, 

મે સુધી : 165 

કુલ : 1310 

નવસારી શહેરમાં પાછલા વર્ષો કરતા 5 મહિનાઓમાં જ શ્વાન કરડવાની ઘટનાઓમાં વધારો થયો છે. ત્યારે મહાનગર પાલિકા રખડતા શ્વાનના નિયંત્રણ માટે ખસીકરણ યોજના અમલમાં મુકે એવી માંગ શહેરીજનો કરી રહ્યા છે.

(4:32 PM IST)