<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th May 2025

ગુજરાતનો 'પ્લાસ્ટિક મુક્ત પર્યાવરણ' મહાઅભિયાન : વિશ્વ પર્યાવરણ દિવસ પહેલા જ ૫.૭૦ લાખ કિલોથી વધુ પ્લાસ્ટિક કચરો એકત્ર : રાજ્યભરમાં ગુંજ્યો જનજાગૃતિનો નાદ!

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ૨૨ મેથી આરંભાયેલા 'ગ્લોબલ એન્ડ પ્લાસ્ટિક પોલ્યુશન' થીમ આધારિત અભિયાનમાં ૬૬ હજારથી વધુ નાગરિકો ૧૩૦૦ કાર્યક્રમોમાં સહભાગી : GPCB અને GEMI સહિત સરકારી વિભાગો મેદાને

માહિતી બ્યુરો, સુરત: બુધવાર, ૨૮ મે, ૨૦૨૫: "વિશ્વ પર્યાવરણ દિવસ-૨૦૨૫" ની ભવ્ય ઉજવણી નિમિત્તે પ્લાસ્ટિક મુક્ત પર્યાવરણ તરફ ગુજરાતે એક અભૂતપૂર્વ અને દ્રઢ પહેલ કરી છે. રાજ્યભરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ તેમજ વન-પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા અને રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના નેતૃત્વમાં તા. ૨૨ મે, ૨૦૨૫થી શરૂ કરાયેલા આ મેગા અભિયાનમાં અત્યાર સુધીમાં કુલ ૫.૭૦ લાખ કિલોગ્રામથી વધુ પ્લાસ્ટિક કચરો એકત્રિત કરવામાં આવ્યો છે, જે પર્યાવરણ સંરક્ષણ માટે ગુજરાતની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
"વૈશ્વિક સ્તરે પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત": એક રાષ્ટ્રવ્યાપી સંકલ્પ
કેન્દ્ર સરકારના પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય (MoEF&CC) દ્વારા "વૈશ્વિક સ્તરે પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત" થીમ સાથે વિશ્વ પર્યાવરણ દિવસ (WED) ૨૦૨૫ની ઉજવણી ગુજરાત સહિત દેશભરમાં તા. ૨૨ મે થી ૫ જૂન, ૨૦૨૫ સુધી કરવાનું નક્કી કરાયું છે, જેને ગુજરાતમાં અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે. આ બે અઠવાડિયાના રાષ્ટ્રવ્યાપી અભિયાન થકી પ્લાસ્ટિક પ્રદૂષણની ભયાનક અસર અંગે જનજાગૃતિ લાવવા અને તેના સંતુલિત વિકલ્પોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.
આ મહાઅભિયાન અંતર્ગત સમગ્ર ગુજરાતમાં અત્યાર સુધીમાં ૧૩૦૦ થી વધુ કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. જેમાં ૬૬,૧૫૦ થી વધુ પર્યાવરણ પ્રેમી સ્વયંસેવકો ઉત્સાહભેર સહભાગી થયા છે. આ પ્રવૃત્તિઓમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક એકત્રિકરણ, સ્વચ્છતા અભિયાન, પ્લાસ્ટિક જપ્ત કરી દંડ લાદવો, ઉદ્યોગોમાં વૃક્ષારોપણ, પ્રતિજ્ઞા સમારોહ, પ્લાસ્ટિક સંગ્રહ, જાગૃતિ રેલીઓનું આયોજન, બજારોમાં ૭૦૦ થી વધુ કપાસની થેલીઓનું વિતરણ, વર્ગીકરણ પર સેમિનાર, ઘન કચરા વ્યવસ્થાપન અને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળો વિષય પર સેમિનાર જેવી વિવિધ જનજાગૃતિની પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે.
ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (GPCB) ના સંકલનમાં રહીને ગુજરાત પર્યાવરણ પ્રબંધ સંસ્થાન (GEMI) સહિત રાજ્યની તમામ નગરપાલિકાઓ અને મ્યુનિસિપલ કોર્પોરેશનો, તેમજ જિલ્લા પ્રાદેશિક કચેરીઓએ તેમના સ્તરે પ્લાસ્ટિક કચરા સંગ્રહ અભિયાનનું સઘન આયોજન હાથ ધર્યું છે. આ સામૂહિક પ્રયાસોના પરિણામે જ અત્યાર સુધીમાં ૫.૭૦ લાખ કિલોથી વધુ પ્લાસ્ટિક કચરો એકત્રિત કરવામાં મોટી સફળતા મળી છે.
સરકારી વિભાગો અને GEMI નો સિંહફાળો
વન અને પર્યાવરણ વિભાગ, આબોહવા પરિવર્તન વિભાગ, ઉદ્યોગો અને ખાણ વિભાગ, ગ્રામીણ ગૃહનિર્માણ અને ગ્રામીણ વિકાસ વિભાગ, શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગ સહિતના અનેક સરકારી વિભાગો આ પહેલમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે. અસરકારક સંકલન અને દેખરેખ સુનિશ્ચિત કરવા માટે, ભારત સરકારના પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય દ્વારા મેરી લાઇફ પોર્ટલ વિકસાવવામાં આવ્યું છે, જ્યાં અભિયાનના ભાગ રૂપે દેશભરમાં હાથ ધરવામાં આવતી તમામ પ્રવૃત્તિઓનું રિપોર્ટિંગ કરવામાં આવશે.
GEMI દ્વારા હાથ ધરાયેલી વિવિધ પ્રવૃત્તિઓ:
 * નદી સફાઈ ઝુંબેશ: મહિસાગર નદીના ગલતેશ્વર પટ ખાતે તા.૨૨ થી ૨૩ મે દરમિયાન ૫૫ સ્વયંસેવકોની ટીમે નદીના પટની સફાઈ ઝુંબેશ હાથ ધરી હતી, જેમાં ૩૮૦ કિલો કચરો એકત્ર કરવામાં આવ્યો હતો. આ ઝુંબેશમાં સ્થાનિક સરપંચ, તલાટી અને પ્રવાસન વિભાગનો પણ સહયોગ મળ્યો હતો.
 * નુક્કડ નાટક દ્વારા જાગૃતિ: GEMI દ્વારા તા.૨૩ થી ૨૬ મે, ૨૦૨૫ દરમિયાન ગુજરાતના વિવિધ વિસ્તારોમાં નુક્કડ નાટકોનું આયોજન કરવામાં આવ્યું હતું. મોડાસા, હિંમતનગરના કટવડ, વાઘેલાવાસ અને વિરપુર ગામોમાં તેમજ ભચાઉ તાલુકામાં ભચાઉ બસ સ્ટેન્ડ, વોંઢ ગામ અને સામખિયાળી ગામમાં આ નાટકો ભજવાયા હતા, જેમાં અંદાજિત ૭૦૦ નાગરિકો સહભાગી થયા હતા. આ નાટકો દ્વારા નાગરિકોને પ્લાસ્ટિક-મુક્ત જીવનશૈલી અને કચરા વ્યવસ્થાપનના મહત્વ વિશે સરળ ભાષામાં માહિતગાર કરવામાં આવ્યા હતા.
 * પ્લાસ્ટિક કચરો એકત્રીકરણ ઝુંબેશ: ગાંધીનગરના વૈદહી-૩ સોસાયટી અને વાવોલ ખાતે ૧૨૦ સ્થાનિક નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને ૮૦ કિલો પ્લાસ્ટિક કચરો એકત્ર કર્યો હતો. GEMI દ્વારા આ પર્યાવરણ પ્રેમી નાગરિકોને પ્રોત્સાહન રૂપે કુંડા સાથે છોડ, સેન્દ્રીય ખાતર તેમજ કાપડની થેલીઓ ભેટ આપવામાં આવી હતી.
આ અભિયાન ગુજરાતને પ્લાસ્ટિક મુક્ત બનાવવાની દિશામાં એક મહત્વનો માઈલસ્ટોન સાબિત થશે, અને પર્યાવરણ સંરક્ષણ માટે જનભાગીદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડશે.

 

(2:44 PM IST)