તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 28th May 2025
ક્રાંતિવીર વિનાયક દામોદર સાવરકરની ૧૪૨મી જન્મજયંતી : ગુજરાત વિધાનસભા ખાતે અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા
પ્રખર રાષ્ટ્રવાદી નેતાના બલિદાનને યાદ કરતા શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે સાવરકરે સંપૂર્ણ જીવન દેશસેવાને સમર્પિત કર્યું : અંદમાન જેલની મુલાકાત લેવા અનુરોધ

ગાંધીનગર, ૨૮ મે, ૨૦૨૫: ભારતીય સ્વાતંત્ર્ય આંદોલનના અગ્રિમ હરોળના લડવૈયા અને પ્રખર રાષ્ટ્રવાદી નેતા ક્રાંતિવીર વિનાયક દામોદર સાવરકરની ૧૪૨મી જન્મજયંતી નિમિત્તે આજે ગુજરાત વિધાનસભા ખાતે તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ વિધાનસભાના પોડિયમમાં તેમના તૈલચિત્રને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. આ પ્રસંગે પાટણ લોકસભાના સાંસદ ભરતસિંહભાઈ ડાભી અને ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલે પણ તૈલચિત્રને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
સાવરકરના બલિદાનને યાદ કરતું વિધાનસભાનું નેતૃત્વ
વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ આ પ્રસંગે ક્રાંતિકારી વિનાયક દામોદર સાવરકરના જીવન અને કાર્યોને યાદ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, "ક્રાંતિકારી વિનાયક દામોદર સાવરકરે પોતાનું સંપૂર્ણ જીવન દેશ અને રાષ્ટ્ર સેવાને સમર્પિત કર્યું છે. તેમણે ઇંગ્લેન્ડમાં ફ્રી ઇન્ડિયા સોસાયટી નામની સંસ્થા સ્થાપીને દેશની આઝાદી માટે ક્રાંતિકારી ચળવળ શરૂ કરી હતી. બ્રિટિશ સરકારે સરકાર વિરુદ્ધ કાવતરાના કેસમાં તેમની ધરપકડ કરીને ૫૦ વર્ષની કેદની સજા કરી હતી. વીર સાવરકરે ભારત દેશને અખંડિત રાખવા અને આઝાદી અપાવવા અથાક પ્રયત્નો કર્યા હતા, જેને દેશ ક્યારેય ભૂલશે નહીં."
શંકરભાઈ ચૌધરીએ અંદમાન નિકોબાર ખાતે આવેલી સેલ્યુલર જેલની તેમની મુલાકાત સમયના પ્રસંગો યાદ કર્યા હતા અને તમામને એકવાર આ જેલની અવશ્ય મુલાકાત લેવા અનુરોધ કર્યો હતો. તેમણે આ જેલને સ્વતંત્રતા સેનાનીઓના બલિદાનનું પ્રતીક ગણાવી હતી.
આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના ઇન્ચાર્જ સચિવ ચેતનભાઈ પંડ્યા સહિત ગુજરાત વિધાનસભાના અધિકારીઓ અને કર્મચારીઓએ પણ તૈલચિત્રને શ્રદ્ધાસુમન અર્પણ કરીને ક્રાંતિવીર સાવરકરના યોગદાનને યાદ કર્યું હતું.
(12:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
