તા. ૨૦ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૮ ગુરૂવાર
News of Monday, 26th May 2025
ઈંટ ઉદ્યોગને કમોસમી વરસાદ અને વાવાઝોડાને લીધે રૂ.૪૫૦ કરોડનું નુકસાન
સરકાર પાસે મદદ માટે રજૂઆત કરાઈ

અમદાવાદ તા.૨૬: ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોમાં કમોસમી વરસાદ ખાબકયો હતો. જેના લીધે ૬ મેથી ૧૦ મે ૨૦૨૫ વચ્ચે અલગ અલગ જિલ્લાઓમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. એટલું જ નહીં વાતાવરણમાં પલટો આવવા ને કારણે જોરદાર વાવાઝોડું પણ ફૂંકાયુ હતું.
આનાથી સમગ્ર ગુજરાતમાં સ્થાપિત ૨૫૦૦ મોટા ચીમની ભઠ્ઠા તથા ૪૦,૦૦૦ જેટલા નાના હાથ ભઠ્ઠી દ્વારા ઈંટી બનાવીને પકવતા ઈંટ ઉત્પાદકોને અંદાજે ૪૫૦ કરોડ રૂપિયાનું મોટુ નુકસાન થયું છે. જેથી કરીને આ મુદ્દે રાજ્ય સરકારશ્રી દ્વારા તાત્કાલિક ધોરણે આનો મહેસુલ વિભાગ દ્વારા સર્વે કરાવીને સહાય આપવાની માંગ અમે કરી રહ્યા છીએ.
ફેડરેશનના પ્રમુખ દેવેન્દ્રભાઈ પ્રજાપતિએ જણાવ્યું છે કે વર્ષ ૨૦૨૧માં ૧૭ અને ૧૮ મેના દિવસે તાઉતે વાવાઝોડું આવ્યું હતું એના કારણે ઈંટ ઉત્પાદકોને પણ ભારે નુકસાન થયું હતું. હવે ૨૦૨૫માં પણ ૬થી ૧૦ મે વચ્ચે કમોસમી વરસાદ અને વાવાઝોડુ આવ્યું હતું. આવી સ્થિતિમાં વર્ષ ૨૦૨૧ કરતા પણ વધારે નુકસાન આ વર્ષે થયું છે. એટલું જ નહીં કાચામાલનું પણ વધારે પ્રમાણમાં ધોવાણ થઈ ગયું છે તથા ઈંટ ઉત્પાદન પણ વહેલું બંધ થઈ ગયું છે. આ સમયગાળા દરમિયાન શરૂઆતમાં અન્ય રાજ્યમાંથી આવતા મજૂરો મોડા આવતા અને વરસાદને લીધે પણ વહેલુ ઉત્પાદન બંધ થવાથી કુલ ઉત્પાદનમાં ૪૦થી ૪૫ ટકા સુધીનું જ કામ થયું છે.
સમગ્ર દેશમાં ઈંટ ઉદ્યોગ દ્વારા કરોડો ગ્રામીણ કામદારોને સરકારશ્રીનાં મીનીમમ વેજ કરતા વધારે રોજગારી પુરી પાડતા લઘુ ઉદ્યોગ હોવા છતા તેના પર GSTના દર પહેલા ૫% હતા તે ૧૨% કરવામાં આવ્યા છે. આનાથી પણ આ ઉદ્યોગની કમર તૂટી ગઈ છે. તેમાં વરસાદ, કમોસમી વાવાઝોડા અને અન્ય કુદરતી આફતોના કહેરથી આ ઉદ્યોગમાં ખૂબ મોટા પ્રમાણમાં નુકાસન ભોગવવાનો વારો આવ્યો છે. મારી રાજ્ય સરકારને નમ્ર અરજી છે કે GSTના દર ૧૨% ઘટાડી જે પહેલા ૫% હતા તે મુજબ કરવા કેન્દ્ર સરકારને અપીલ કરે.
ફેડરેશને ગુજરાત સરકાર સમક્ષ અત્યારે ઈંટ ઉદ્યોગને કમોસમી વરસાદ અને વાવાઝોડાને લીધે જે નુકસાન પહોંચ્યું છે એના પર પ્રકાશ પાડ્યો હતો. એટલું જ નહીં કેટલું ડેમેજ થયું છે એના પર પણ સરવે કરવા રજૂઆત કરી હતી. ત્યારપછી જે પ્રમાણે ઈંટ ઉત્પાદનને ફટકો પડ્યો છે તેને પહોંચી વળવા માટે આર્થિક સહાય મળી શકે એવી પણ મદદ માગી હતી.
ફેડરેશનને જણાવ્યું હતું કે ઈંટ ઉદ્યોગ દ્વારા વર્ષોથી વીમા કંપનીને વરસાદથી થતા નુકસાન સામે વિમા કવરેજ પોલિસીની જોગવાઈ કરવાની પણ માગણી કરવામાં આવી છે.
જોકે હજુ સુધી આ સંદર્ભે કોઈપણ નિર્ણય લેવામાં આવ્યો નથી. તેમણે એવું પણ ઉદાહરણ આપ્યું હતું કે જેમ ખેડૂતોને કમોસમી વરસાદ કે પૂરની સ્થિતિમાં પાક નષ્ટ થઈ જાય તો એના માટે ક્રોપ ઈન્સ્યોરન્સ હોય છે એમ અમારા ઈંટ ઉદ્યોગમાં પણ આવી પોલિસી આવવી જોઈએ.
(3:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
