<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd May 2025

રાજયમાં 2389 મહેસૂલી તલાટીની ભરતી જાહેર : સોમવારથી ઓનલાઇન ફોર્મ ભરી શકાશે

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 33 જિલ્લામાં મહેકમ મુજબની ભરતીનું આયોજન: સૌથી વધુ છોટાઉદેપુર જિલ્લામાં 135 જગ્યાઓ ભરવામાં આવશે

અમદાવાદ :ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 2389 મહેસૂલી તલાટીની ભરતી જાહેર કરવામાં આવી છે. ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 33 જિલ્લામાં મહેકમ મુજબની ભરતીનું આયોજન કરવામાં આવ્યું છે.  26 મે થી મહેસુલી તલાટીના ઓનલાઇન ફોર્મ ભરાશે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 10 જૂન રાખવામાં આવી છે. સૌથી વધુ છોટાઉદેપુર જિલ્લામાં 135 જગ્યાઓ ભરવામાં આવશે

મહેસૂલ વિભાગ હસ્તકની આગામી રેવન્યુ તલાટીની વર્ષ 2025 માટે ભરતી પ્રક્રિયા નવા નિયમો હેઠળ લેવામાં આવશે. જેમાં ઉમેદવારોની લાયકાત, ઉંમર, પરીક્ષા સહિતની બાબતોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. 

રાજ્યમાં 2389 રેવન્યુ તલાટીની ભરતી માટે બે સ્તરમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. જેમાં પ્રાથમિક કસોટી અને મુખ્ય પરીક્ષા રહેશે. આ પરીક્ષા માટે તમામ ઉમેદવારોએ ફી ભરવાની રહેશે જેમાં પ્રાથમિક કસોટીમાં 40 ટકા કે તેથી વધુ માર્કસ લાવનારને ફી રિફંડ કરવામાં આવશે. રેવન્યુ તલાટીની ભરતીના નવા નિયમો હેઠળ હવે 12 પાસની જગ્યાએ ઉમેદવારોએ ગ્રેજ્યુએટ અથવા છેલ્લા વર્ષમાં પરીક્ષા આપી હોય તેવા ઉમેદવારો જ ભરતી માટે અરજી કરી શકશે. આ સાથે ઉમેદવારોની ઉંમર મર્યાદા ઓછામાં ઓછી 18 વર્ષની જગ્યાએ 20 વર્ષ કરવામાં આવી છે. 

રેવન્યુ તલાટીની ભરતીમાં પ્રિલિમરી પરીક્ષા 200 માર્કની રહેશે, જે MCQ આધારિત લેવાશે. જ્યારે મુખ્ય પરીક્ષામાં 3 પેપર રહેશે. જેમાં અંગ્રેજી ભાષાનું 100 માર્ક્સનું પેપર, ગુજરાતી ભાષાનું 100 માર્ક્સનું પેપર અને જનરલ સ્ટડીનું 150 માર્ક્સનું પેપર રહેશે. ગુજરાતી અને અંગ્રેજી ભાષાના પેપર ધોરણ 12 કક્ષાના આવશે. જેમાં ગુજરાતી વિષયના પેપરમાં નિબંધ, ગધ સમીક્ષા, સંક્ષેપીકરણ, વિચાર વિસ્તાર, પત્ર લેખન, અહેવાલ લેખન, ભાષાંતર અને ગુજરાતી વ્યાકરણ રહેશે. આમ મુખ્ય પરીક્ષા કુલ 350 ગુણ રહેશે. 

 


 

(7:08 PM IST)