તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 22nd May 2025
ભારતીય ચૂંટણી પંચની 'મિશન સુગમ ચૂંટણી' : 3 મહિનામાં 18 મોટી પહેલ : લોકશાહીને વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ!
મતદારોથી રાજકીય પક્ષો સુધી, તમામ હિતધારકોને આવરી લેતી ક્રાંતિકારી પહેલ : ટેકનોલોજીનો ઉપયોગ, સચોટ મતદાર યાદી અને પારદર્શકતા પર ભાર

ગાંધીનગર: વિશ્વની સૌથી મોટી લોકશાહી વ્યવસ્થા ધરાવતા ભારતમાં મુક્ત, ન્યાયી, પારદર્શી અને સર્વસમાવેશી ચૂંટણીઓ યોજવા માટે ભારતીય ચૂંટણી પંચે કમર કસી છે. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ છેલ્લા માત્ર ત્રણ જ મહિનામાં 18 જેટલી વિવિધ પહેલ કરીને ચૂંટણી પંચે પોતાની સંનિષ્ઠ કામગીરીની પ્રતીતિ કરાવી છે. આ પહેલનો મુખ્ય હેતુ ચૂંટણી પ્રક્રિયાને વધુ સુગમ બનાવવાનો અને તેની સાથે જોડાયેલા તમામ હિતધારકોની સહભાગીતા સુનિશ્ચિત કરવાનો છે.
મતદારો માટે સરળતા અને સચોટતા
લોકશાહીના આધારસ્તંભ સમા મતદારોની ચૂંટણી પ્રક્રિયામાં ભાગીદારી અને સર્વસમાવેશકતા સુનિશ્ચિત કરવા માટે ચૂંટણી પંચે ચાર મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે. હવે એક મતદાન મથક પર મહત્તમ 1200 થી વધુ મતદારો થાય તો અલગ મતદાન મથકની વ્યવસ્થા કરવામાં આવશે. આ ઉપરાંત, હાઈરાઈઝ બિલ્ડિંગ્સ અને કોલોનીમાં પણ મતદાન મથકો ઊભા કરવામાં આવશે, જેથી મતદારો ઘરની નજીકના સ્થળે મતદાન કરી શકે. મતદારોની સરળતા માટે તેમને અપાતી મતદાર કાપલીમાં મતદારનો ક્રમાંક અને મતદાર વિભાગ વધુ સ્પષ્ટતાથી દર્શાવવામાં આવશે.
સૌથી મહત્વપૂર્ણ નિર્ણય રૂપે, રજિસ્ટ્રાર જનરલ ઑફ ઇન્ડિયા પાસેથી અવસાન પામેલા મતદારોની વિગતો મેળવી તેની ખરાઈ કર્યા બાદ મતદાર યાદીમાંથી આવા મતદારોના નામ કમી કરવામાં આવશે, જેનાથી મતદાર યાદીને સંપૂર્ણપણે ક્ષતિરહિત બનાવવામાં મદદ મળશે.
રાજકીય પક્ષો સાથે સંવાદ અને સશક્તિકરણ
ચૂંટણી પ્રક્રિયાથી રાજકીય પક્ષો મતદારોનું પ્રતિનિધિત્વ મેળવે છે, ત્યારે ભારતના ચૂંટણી તંત્રના મુખ્ય નિર્વાચન અધિકારીઓ, જિલ્લા ચૂંટણી અધિકારીઓ અને મતદાર નોંધણી અધિકારીઓએ તેમની કક્ષાએ કુલ 4,791 જેટલી બેઠકો યોજી હતી, જેમાં વિવિધ રાજકીય પક્ષોના 27,000 થી વધુ પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. ભારતના ચૂંટણી પંચ દ્વારા પણ રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાના રાજકીય પક્ષોના પ્રમુખો સાથે બેઠકો યોજવામાં આવી હતી. ચૂંટણી સમયે રાજકીય પક્ષો દ્વારા બુથ પર નિયુક્ત કરાયેલા બુથ લેવલ એજન્ટ્સના (BLA) ક્ષમતાવર્ધન માટે IIIDEM દિલ્હી ખાતે યોજાયેલા કાર્યક્રમોમાં બિહાર, તમિલનાડુ અને પોંડીચેરીના બુથ લેવલ એજન્ટ્સને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ અને પારદર્શિતા
ટેકનોલોજીના વિકાસ સાથે સુસંગત અને વન સ્ટોપ સોલ્યુશન કહી શકાય તેવા 40 થી વધુ એપ્લિકેશન્સ અને વેબસાઈટને સમાવતું ECINET ડેશબોર્ડ પણ ભારતના ચૂંટણી પંચ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. આ સાથે જ નવી અમલમાં મૂકવામાં આવેલી વ્યવસ્થાથી મતદાર ઓળખપત્રને યુનિક નંબર આપવામાં આવશે, જેનાથી મતદાર ઓળખ કાર્ડનું ડુપ્લિકેશન રોકી શકાશે. આ નવીન વ્યવસ્થા મતદાર યાદીની ક્ષતિરહિતતા અને પારદર્શિતાને વધુ મજબૂત કરવામાં મદદરૂપ થશે.
લોકપ્રતિનિધિત્વ ધારો-1950 અને 1951, મતદાર નોંધણી અધિનિયમ-1960, ચૂંટણી સંચાલન નિયમો-1961 મુજબ મતદાર યાદી તૈયાર કરવાથી લઈ જનપ્રતિનિધિની ચૂંટણી પૂર્ણ થવા સુધીની સમગ્ર ચૂંટણી પ્રક્રિયામાં 28 જેટલા હિતધારકોનો સમાવેશ થાય છે. ચૂંટણી પ્રક્રિયામાં તમામની સહભાગીતા સુનિશ્ચિત કરવા આ તમામ હિતધારકો માટે ઉક્ત કાયદાઓ અને નિયમોના પ્રેઝન્ટેશન તૈયાર કરવામાં આવ્યા છે.
તાલીમ, ક્ષમતાવર્ધન અને મીડિયાની ભૂમિકા
ચૂંટણી પ્રક્રિયાના નિયમાનુસાર અને સુચારુ સંચાલન માટે ચૂંટણીમાં ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારીઓને યોગ્ય તાલીમ દ્વારા તેમનું ક્ષમતાવર્ધન મહત્વનું સાબિત થાય છે. આ બાબતને ધ્યાને લઈ ભારતના ચૂંટણી પંચ દ્વારા IIIDEM દિલ્હી ખાતે તાલીમ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત અત્યાર સુધીમાં ચૂંટણી તંત્રના પાયાના કર્મચારીઓ અને ફૂટ સોલ્જર્સ ઑફ ઇલેક્શન તરીકે ઓળખાતા 3,000 જેટલા બુથ લેવલ ઓફિસર્સ (BLOs) ને તાલીમ આપવામાં આવી છે. આગામી વર્ષોમાં દેશભરના કુલ 01 લાખથી વધુ બુથ લેવલ ઓફિસર્સને તાલીમબદ્ધ કરવામાં આવશે. આ ઉપરાંત બિહાર રાજ્યના પોલીસ ઓફિસર્સને પણ IIIDEM દિલ્હી ખાતે તાલીમ આપવામાં આવી હતી.
જનપ્રતિનિધિઓની ચૂંટણી માટે હાથ ધરવામાં આવતી આ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા નિષ્પક્ષ અને પારદર્શી રીતે યોજાય તે માટે માધ્યમોની મહત્વની ભૂમિકાને અનુલક્ષીને ભારતના ચૂંટણી પંચ દ્વારા દેશના 36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરીના મીડિયા નોડલ ઓફિસર્સ અને સોશિયલ મીડિયા નોડલ ઓફિસર્સ માટે ઓરિએન્ટેશન પ્રોગ્રામ પણ યોજવામાં આવ્યા હતા.
સમગ્ર દેશની વિવિધ ચૂંટણીઓનું સંચાલન જ્યાંથી થાય છે તેવા નવી દિલ્હી ખાતેના ભારતના ચૂંટણી પંચના મુખ્યાલયની વ્યવસ્થાઓને પણ ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર દ્વારા વધુ સુદ્રઢ કરવામાં આવી છે. જે અંતર્ગત હાજરી માટેની બાયોમેટ્રિક સિસ્ટમ દાખલ કરવા ઉપરાંત કાર્યવ્યવસ્થાને વધુ સુગમ બનાવવા E-Office નો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો છે. દેશના તમામ રાજ્યોના મુખ્ય નિર્વાચન અધિકારીઓ સાથે સમયાંતરે નિયમિત રીતે બેઠકો યોજી મુખ્ય ચૂંટણી કમિશનર દ્વારા વિવિધ મુદ્દે સૂચનાઓ તથા માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે.
(9:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
