<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd May 2025

ગુજરાતના દરેક ગામમાં પીવાનું પાણી પહોંચાડવા ભૂપેન્દ્રભાઈ પટેલ સરકારનું સુદ્રઢ આયોજન : ૧.૨૦ લાખ કિ.મી. લાંબી પાઇપલાઇનથી દૈનિક ૩૨૦ કરોડ લીટર પાણીનું વિતરણ!

રાજ્યવ્યાપી જળ પુરવઠા ગ્રીડ મારફતે ૧૫,૭૨૦ ગામો અને ૨૫૧ શહેરો આવરી લેવાયા : 'જલસંપર્ક' કોલ સેન્ટર પર ૯૯.૫૦ ટકા હકારાત્મક પ્રતિભાવ મળ્યા

 

 

ગાંધીનગર, ૨૨ મે, ૨૦૨૫: ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે ગુજરાતના દરેક પરિવાર અને નાગરિક સુધી પીવા માટેનું પૂરતું પાણી મળી રહે તે સુનિશ્ચિત કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે સુદ્રઢ આયોજન કર્યું છે. પાણી પુરવઠા અને જળ સંપત્તિ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા અને રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલના નેતૃત્વ હેઠળ "રાજ્ય વ્યાપી પાણી પુરવઠા ગ્રીડ" અંતર્ગત ભગીરથ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. આ ગ્રીડમાં કુલ ૩,૨૫૦ કિલોમીટર લાંબી બલ્ક પાઇપલાઇન અને ૧.૨૦ લાખ કિલોમીટરથી વધુ લંબાઈની પાણી વિતરણ પાઇપલાઇનનો સમાવેશ થાય છે. આ વ્યાપક નેટવર્ક દ્વારા રાજ્યના ૧૫,૭૨૦થી વધુ ગામો અને ૨૫૧ શહેરી વિસ્તારોને દૈનિક ૩૨૦ કરોડ લીટર પાણીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.
ગુજરાતના ખૂણેખૂણે પાણી: જૂથ યોજનાઓ અને ટેન્કર દ્વારા પહોંચ
ગુજરાતના કુલ ૧૮,૧૫૨ ગામો પૈકી, ૧૫,૭૨૦ ગામોને ૩૭૨ જૂથ પાણી પુરવઠા યોજનાઓ મારફતે સરફેસ સોર્સ આધારિત બલ્ક પાઇપલાઇન તેમજ નવીન-સુધારણા જૂથ પાણી પુરવઠા યોજનાઓ હેઠળ પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે. જ્યારે બાકીના ૨,૪૩૨ ગામોને સ્થાનિક સોર્સ આધારિત વ્યક્તિગત પાણી પુરવઠા યોજના મારફતે પાણી પુરવઠો પૂરો પાડવામાં આવે છે. બાકીના તમામ ગામોને પણ જૂથ યોજનામાં આવરી લેવામાં આવ્યા છે, જેનું કામ હાલ પ્રગતિ હેઠળ છે.
જૂથ યોજના મારફત ગ્રામ્ય વિસ્તારોમાં પીવા લાયક પાણી પહોંચાડવા માટે રાજ્યના કુલ ૭૪ જેટલા ડેમમાંથી પીવા માટે પાણીનો જથ્થો આરક્ષિત રાખવામાં આવ્યો છે. અહીંથી જરૂરિયાત મુજબ પાણી ઉપાડી, શુદ્ધિકરણ કરી લાભાર્થી ગામો સુધી પહોંચાડવામાં આવે છે. આ ઉપરાંત, જૂથ યોજનાઓમાં કેટલીક વાર લીકેજ અને પંપીંગ મશીનરી જેવા પ્રશ્નો ઉપસ્થિત થતાં, જૂથ યોજનામાં સમાવિષ્ટ ગામોમાં પાણીની ઘટ ન પડે તથા ઉનાળાની સીઝનમાં પશુઓની પાણીની જરૂરિયાતને પહોંચી વળવા માટે અનિવાર્ય સંજોગોમાં ટેન્કરો દ્વારા જરૂરિયાત મુજબ પાણી પહોંચાડવામાં આવે છે.
પાણીની સમસ્યા માટે સઘન મોનીટરીંગ અને 'જલસંપર્ક' કોલ સેન્ટરની સફળતા
રાજ્યમાં પીવાના પાણીની સંભવિત મુશ્કેલીવાળા ગામોનો સર્વે કરવામાં આવ્યો છે. આ ગામોમાં ઉનાળામાં મુશ્કેલી ન થાય તે માટે જરૂરી આયોજનના ભાગરૂપે વર્ગ-૧ તથા વર્ગ-૨ના અધિકારીઓ દ્વારા મુશ્કેલીવાળા ગામોને દત્તક લેવામાં આવ્યા છે. આ અધિકારીઓ દ્વારા વિવિધ માધ્યમોથી ગામમાં પાણીની જરૂરિયાત અંગેનું સઘન મોનીટરીંગ કરવામાં આવે છે.
આટલું જ નહીં, પાણી પુરવઠા સંબંધિત ફરિયાદોના નિવારણ માટે "ગ્રીવેન્સ રીડ્રેસલ સિસ્ટમ" કાર્યરત છે. આ અંતર્ગત ગાંધીનગર ખાતે ૨૪x૭ કલાકનો કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે, જેમાં ૧૯૧૬ ટોલ ફ્રી નંબરથી પીવાના પાણીને લગતી તમામ ફરિયાદો નોંધવામાં આવે છે. આ ઉપરાંત, પાણી પુરવઠા બોર્ડની વડી કચેરી ખાતે પ્રોએક્ટિવ કોલ સેન્ટર "જલસંપર્ક" કાર્યરત કરવામાં આવ્યું છે. આ કોલ સેન્ટરના માધ્યમથી અત્યાર સુધીમાં ૫૨,૦૦૦થી વધુ લોકોનો સંપર્ક કરવામાં આવ્યો હતો, જે પૈકી ૯૯.૫૦ ટકા લોકોના હકારાત્મક પ્રતિભાવ મળ્યા છે, જે આ સિસ્ટમની સફળતા દર્શાવે છે.
ગ્રામ્ય કક્ષાએ પાઇપલાઇન લીકેજ સહિતની મરામત અને નિભાવણીની કામગીરી સુચારુરૂપે થાય તે માટે અત્યાર સુધીમાં કુલ ૧૩,૭૦૦ ઓપરેટર, સરપંચ, અને રિસોર્સ પર્શનને તાલીમ આપવામાં આવી છે. દરેક જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારીઓને તથા કલેક્ટરઓને તેમના જિલ્લાની પીવાના પાણીને લગતી પરિસ્થિતિ તેમજ ફરિયાદો અંગે નિયમિત સમીક્ષા કરવા અને જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની નિયમિત બેઠક થાય તે મુજબ સૂચન પણ કરવામાં આવે છે.

(12:19 PM IST)