તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Monday, 19th May 2025
દહેજની લાલચમાં ગેરવર્તન, હોસ્પિટલમાં એકલી મૂકીને સાસરિયા ફરાર :અમદાવાદની યુવતીએ નોંધાવી ફરિયાદ
પરિણીતાએ પોતાના પતિ અફસાર અહમદ, સાસુ જહેરાબાનુ, સસરા ફારૂકહુસેન, નણંદ હિના અને હિદાયતુલ્લા વિરુદ્ધ કાયદેસર તપાસની માંગણી સાથે પોલીસ ફરિયાદ નોંધાવી

અમદાવાદની યુવતીએ પોતાના પતિ અને સાસરીયાઓ વિરુદ્ધ ગંભીર આક્ષેપો સાથે પોલીસમાં દહેજ માટે ત્રાસ, માનસિક અને શારીરિક અત્યાચાર અને સારવાર દરમ્યાન ત્યજી દેવાનો ગુનો નોંધાવ્યો છે. ફરીયાદ મુજબ, નિખતફાતેમાના લગ્ન તા. 2 ફેબ્રુઆરી, 2024ના રોજ ઉદયપુર, રાજસ્થાનના અફસાર અહમદ સાથે થયા હતા. પતિ ક્રૂઝ જહાજમાં નોકરી કરે છે અને છ મહિના વિદેશે રહે છે. લગ્નના બીજાનાં જ દિવસે સાસરીયાઓએ દહેજ ઓછું લાવવાનું કહી ગાળો આપવાનું, ટોણા મારવાનું અને કામમાં જબરદસ્તી કરવાનું શરૂ કર્યું હતું. પતિએ પણ નાનાં મુદ્દે ઝગડા કરી શારીરિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું.
નણંદ હિનાસોમીન અને તેના પતિ હિદાયતુલ્લા તરફથી પણ સતત અપમાનજનક ટિપ્પણીઓ અને મારઝૂડનો સામનો કરવો પડ્યો. સમગ્ર પરિવારે મળીને મહિલાને શારીરિક અને માનસિક રીતે ત્રસ્ત બનાવી દીધી. ગર્ભાવસ્થામાં તબિયત ખરાબ થતા પણ સાસરીયાઓએ સારવાર માટે ગંભીરતા દાખવી નહોતી. માતાને ફોન કર્યા બાદ તેમને પેસિફિક હોસ્પિટલ, ઉદયપુર લઈ જવાઈ, જ્યાં ગંભીર સ્થિતિમાં તેમને દાખલ કરવામાં આવી. દૌલતના પીછેછેડા કરનારા સાસરીયાઓ હોસ્પિટલમાં મહિલાને એકલી મૂકી ચાલ્યા ગયા અને બાદમાં ફોન પણ ઉપાડ્યો નહીં.
પીડિતાને અંતે પોતાના પિયર–અમદાવાદ પાછા ફરવું પડ્યું. આજદિન સુધી પતિ કે સાસરીયાઓએ સ્ત્રી માટે કોઈ રસ દાખવ્યો નથી કે મળવા આવ્યા નથી. પરિણીતાએ પોતાના પતિ અફસાર અહમદ, સાસુ જહેરાબાનુ, સસરા ફારૂકહુસેન, નણંદ હિના અને હિદાયતુલ્લા વિરુદ્ધ કાયદેસર તપાસની માંગણી સાથે પોલીસ ફરિયાદ નોંધાવી છે. મહિલાના માતા, પિતા અને ભાઈ સહિતના સાક્ષીઓના આધારથી પોલીસ હવે કાર્યવાહી શરૂ કરી રહી છે. સમાજમાં હજુ પણ દહેજના નામે થતા અત્યાચાર મહિલા સશક્તિકરણ પર સવાલ ઊભા કરે છે.
(11:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
