News of Monday, 19th May 2025
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં માનવતા મહેકી : બ્રેઇનડેડ હેમંત સોનીના અંગોથી અનેકને નવું જીવનદાન : સિવિલ હોસ્પિટલમાં ૧૯૩મું અંગદાન નોંધાયું : જુઓ વિડીયો
૪૫ વર્ષીય હેમંતભાઈના પરિવારે દાખવી ઉદારતા : બે કિડની, લીવર, આંખો અને ત્વચાનું કરાયું દાન : સિવિલ હોસ્પિટલમાં સ્કીન બેંક બન્યા બાદ ૧૮ ત્વચાનાં દાન મળ્યા

અમદાવાદ: અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ગતરોજ માનવતાની એક અનોખી મિશાલ જોવા મળી, જ્યારે ૪૫ વર્ષના બ્રેઇનડેડ હેમંત સોનીના પરિવારે તેમના અંગોનું દાન કરીને અનેક જરૂરિયાતમંદ દર્દીઓને નવું જીવન આપ્યું. આ સાથે સિવિલ હોસ્પિટલમાં ૧૯૩મું અંગદાન નોંધાયું છે, જેના દ્વારા અત્યાર સુધીમાં ૬૧૬ લોકોમાં નવજીવનનો પ્રકાશ ફેલાવવામાં સફળતા મળી છે.
અમદાવાદના સૈજપુર બોઘા વિસ્તારમાં રહેતા હેમંત સોનીને તા. ૧૬ મેના રોજ ખેંચ આવતા પ્રથમ નજીકની હોસ્પિટલમાં અને ત્યારબાદ વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. લગભગ ૪૮ કલાકની સઘન સારવાર છતાં, તબીબોએ તા. ૧૮ મેના રોજ તેમને બ્રેઇન ડેડ જાહેર કર્યા. આ કપરી પરિસ્થિતિમાં સિવિલ હોસ્પિટલની અંગદાન ટીમ અને કાઉન્સેલર્સે હેમંતભાઈના પરિવારજનોને અંગદાનનું મહત્વ સમજાવ્યું. હેમંતભાઈના માતા શારદાબહેને ભારે હૃદયે પોતાના પુત્રના અંગોનું દાન કરવાની સંમતિ આપી, જે ખરેખર એક પરોપકારી અને હિંમતભર્યું પગલું હતું.
પરિવારની સંમતિ મળ્યા બાદ હેમંત સોનીના અંગોને કાઢવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી. અંતે તેમના બે કિડની અને લીવરનું દાન મળ્યું, જે સિવિલ કેમ્પસમાં આવેલી કિડની હોસ્પિટલના જરૂરિયાતમંદ દર્દીઓમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવશે. આ ઉપરાંત, હેમંતભાઈની બંને આંખોનું દાન પણ મળ્યું, જે સિવિલ કેમ્પસની એમ એન્ડ જે આંખની હોસ્પિટલ દ્વારા સ્વીકારવામાં આવી. નોંધનીય છે કે હેમંતભાઈની ત્વચાનું પણ દાન મળ્યું, જેને સિવિલ હોસ્પિટલની સ્કીન બેંક દ્વારા સ્વીકારવામાં આવ્યું અને તેનો ઉપયોગ જરૂરિયાતમંદ દર્દીઓની સારવાર માટે કરવામાં આવશે. તબીબી અધિક્ષક ડૉ. રાકેશ જોશીએ જણાવ્યું કે સિવિલ હોસ્પિટલમાં સ્કીન બેંક શરૂ થયા બાદથી અત્યાર સુધીમાં ૧૮ ત્વચાના દાન મળ્યા છે. આ પ્રકારે એક બ્રેઇનડેડ વ્યક્તિના અંગોના દાનથી અનેક લોકોના જીવનમાં નવી આશાનો સંચાર થયો છે, જે સમાજ માટે એક પ્રેરણાદાયી ઘટના છે.
(7:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
