<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th May 2025

વિસનગરને વિકાસની ભેટ : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રૂ. ૪૯૫ કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત

નવી હોસ્પિટલ, નગરપાલિકા અને તાલુકા પંચાયત ભવનનું લોકાર્પણ : મુખ્યમંત્રીએ ઓપરેશન સિંદૂર માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને અભિનંદન પાઠવ્યા

વિસનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વિસનગરને રૂ. ૪૯૫ કરોડથી વધુના વિવિધ વિકાસ કાર્યોની ભેટ આપી હતી. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલી વિકાસની રાજનીતિને અવિરત આગળ વધારવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. ત્રણ દિવસમાં ગુજરાતમાં ૨૮૦૦ કરોડના વિકાસ કામોનું લોકાર્પણ થયું છે. પ્રજાની સુખાકારી માટે આવા વિકાસકામો થતા હોય ત્યારે પ્રજાએ પણ તેમાં સહભાગી બનવું જોઈએ. પહેલાં લોકો સરકાર પાસે વિકાસનું કામ માગતા સંકોચ અનુભવતા હતા. આજે કરોડ રૂપિયાનું કામ માગવામાં આવે છે અને એ કામ થાય છે, સરકાર અને પ્રજા વચ્ચે આવું વિશ્વાસ સંપાદનનું કામ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં થયું છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ઓપરેશન સિંદૂરની સફળતા બદલ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, ગૃહ મંત્રી અમિતભાઈ શાહ અને ભારતીય સેનાને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ નાગરિક દેવો ભવ:, જનતા જનાર્દન મંત્ર અપનાવી લોકોના સર્વગ્રાહી સશક્તીકરણ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. વિકાસના કામો માટે નાણાંની કોઈ તંગી ન રહે એ પ્રકારનું આયોજન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં થયું છે. રાજ્યમાં ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે ૧૦૨૦ કરોડના “ગરવી ગુજરાત હાઈસ્પીડ કોરિડોર” પ્રોજેક્ટને પ્રોત્સાહન આપ્યું છે. વિસનગરમાં પણ ૨૧૦ કરોડના ખર્ચે બાયપાસ રોડનું નિર્માણ થવાનું છે. ગુજરાતના છેવાડાના ગામો સુધી રોડ, રસ્તા, શિક્ષણ, આરોગ્ય જેવી સુવિધાઓ પહોંચે એ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું કે, આપણે દેશની આઝાદીમાં યોગદાન આપી શક્યા નથી, તો વર્ષ ૨૦૪૭માં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપેલા નવ સંકલ્પો જળસંચય, ગ્રીન કવર, સ્વચ્છતા, લોકલ ફોર વોકલ, દેશ દર્શન, પ્રાકૃતિક ખેતી અપનાવવી, તંદુરસ્ત જીવનશૈલી અપનાવવી, યોગ રમતને જીવનમાં સ્થાન આપવું અને ગરીબોની મદદ કરવા અનુરોધ કર્યો હતો.
તામ્રનગરી વિસનગર એપીએમસી ગ્રાઉન્ડ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે સિવિલ હોસ્પિટલ વિસનગર, તાલુકા પંચાયત તથા વિસનગર નગરપાલિકાની નવનિર્મિત બિલ્ડિંગના લોકાર્પણ સહિત રૂ. ૪૯૫ કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી કાર્યોનું લોકાર્પણ, ખાતમુહૂર્ત અને ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. જેમાં રૂ. ૪૨૩ કરોડથી વધુના ૭૬ વિકાસ કાર્યોનું ભૂમિપૂજન અને ખાતમુહૂર્ત તેમજ રૂ. ૭૨ કરોડથી વધુના ૧૮ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, વિસનગરના નાગરિકોને પીવાનું પાણી, રોડ રસ્તા, શિક્ષણ, લાઈબ્રેરી, સેમિનાર હોલ, કોમ્યુનિટી હોલ, શાળાના ઓરડા, ઓવરબ્રિજ જેવી માળખાકીય સુવિધાઓ મળી રહે તે માટે સરકાર દ્વારા અવિરત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. દેશના વડાપ્રધાનના નેતૃત્વમાં રાષ્ટ્ર સ્વાભિમાન, વિકાસ અને ગૌરવ સાથે વિરાસતની યાત્રામાં પહેલ કરી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારતના સ્વપ્નમાં મજબૂત રાષ્ટ્રના નિર્માણની સાથે ગ્રામીણ વિકાસને પ્રાધાન્ય આપ્યું છે.
જિલ્લા પ્રભારી મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, સહકારથી સમૃદ્ધિના ધ્યેય સાથે આજે સહકાર ક્ષેત્રે ગુજરાત અગ્રેસર બન્યું છે. સહકારથી સમૃદ્ધિ થકી ગામડાંનાં ખેડૂતો, પશુપાલકો, મહિલાઓને સશક્ત બનાવવા માટે સહકારી મંડળીઓનું માળખું વધુ મજબૂત બનાવવા રાજ્ય અને કેન્દ્ર સરકાર હરહંમેશ તત્પર રહે છે.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ તૃષાબેન પટેલ, સાંસદ હરિભાઈ પટેલ, સાંસદ ભરતસિંહ ડાભી, ધારાસભ્ય મુકેશભાઈ પટેલ, ધારાસભ્ય સી.જે. ચાવડા, ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી, ધારાસભ્ય કિરીટભાઈ પટેલ, ધારાસભ્ય સુખાજી ઠાકોર, ધારાસભ્ય કે.કે. પટેલ, દૂધ સાગર ડેરી ચેરમેન અશોકભાઈ ચૌધરી, જિલ્લા કલેક્ટર એસ.કે. પ્રજાપતિ, જિલ્લા વિકાસ અધિકારી ડૉ. હસરત જૈસમીન, નિવાસી અધિક કલેકટર જે.કે. જેગોડા, અગ્રણી રજનીભાઈ પટેલ, વર્ષાબેન દોશી, મહેન્દ્રભાઈ પટેલ, ગિરીશભાઈ રાજગોર, પ્રાંત અધિકારી વિસનગર સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

 

(6:27 PM IST)