તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Monday, 19th May 2025
ધોરણ-૧૨ના નાપાસ અને ગુણ સુધારવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે ખુશખબર : પૂરક પરીક્ષાની તારીખ બે દિવસ લંબાવાઈ!
ગુજરાત બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં લીધો મોટો નિર્ણય : હવે ૨૧મી મે સુધી ભરી શકાશે ઓનલાઇન ફોર્મ : કન્યા અને દિવ્યાંગ ઉમેદવારો માટે ફી માફ, પણ રજિસ્ટ્રેશન ફરજિયાત

ગાંધીનગર: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહ અને સંસ્કૃત મધ્યમાની પૂરક પરીક્ષા-૨૦૨૫ માટે આવેદન કરવાની અંતિમ તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અગાઉ આ તારીખ ૧૯/૦૫/૨૦૨૫ હતી, જેને હવે વધુ બે દિવસ લંબાવીને ૨૧/૦૫/૨૦૨૫ (સાંજના ૫:૦૦ કલાક) સુધી કરવામાં આવી છે.
બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલી અખબારી યાદી અનુસાર, જે વિદ્યાર્થીઓ ફેબ્રુઆરી-માર્ચ-૨૦૨૫ની પરીક્ષામાં એક અથવા વધુ વિષયમાં ગેરહાજર રહ્યા હોય, અથવા નાપાસ થયા હોય અને ગુણપત્રકમાં સુધારણાની જરૂર હોય, તેઓ આ પૂરક પરીક્ષામાં ઉપસ્થિત થઈ શકશે. આ ઉપરાંત, જે વિદ્યાર્થીઓ ફેબ્રુઆરી-માર્ચ-૨૦૨૫ની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા છે, પરંતુ પોતાના પરિણામમાં સુધારો કરવા ઇચ્છતા હોય તેઓ પણ આ પૂરક પરીક્ષામાં ભાગ લઈ શકશે.
પૂરક પરીક્ષા ૨૦૨૫ માટેનું આવેદન શાળાઓએ બોર્ડની વેબસાઇટ www.gseb.org અથવા hscgenpurakreg.gseb.org પરથી ઓનલાઇન કરવાનું રહેશે. આવેદન અને ફી ભરવાની પ્રક્રિયા પણ શાળા દ્વારા ફક્ત ઓનલાઇન માધ્યમથી જ કરવાની રહેશે. રૂબરૂ અથવા ટપાલ દ્વારા આવેદન સ્વીકારવામાં આવશે નહીં અને વિદ્યાર્થીઓની યાદી પણ બોર્ડને મોકલવાની રહેશે નહીં.
બોર્ડે ખાસ નોંધ લીધી છે કે કન્યા ઉમેદવારો અને દિવ્યાંગ ઉમેદવારોને સરકાર દ્વારા પરીક્ષા ફી ભરવામાંથી મુક્તિ આપવામાં આવી છે. જો કે, પૂરક પરીક્ષા-૨૦૨૫ માટે જે કન્યા અથવા દિવ્યાંગ ઉમેદવાર પરીક્ષા આપવા ઇચ્છુક હોય, તેમણે જે તે વિષય માટે ઓનલાઇન આવેદન સબમિટ કરીને રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. શાળાએ કન્યા અથવા દિવ્યાંગ ઉમેદવારના સીટ નંબરની સામે ટીકમાર્ક કરીને રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. જો વિદ્યાર્થીના સીટ નંબરની સામે ટીકમાર્ક કરવામાં નહીં આવે તો તેવા કિસ્સામાં કન્યા અથવા દિવ્યાંગ ઉમેદવાર પૂરક પરીક્ષામાં ઉપસ્થિત થઈ શકશે નહીં.
ઓનલાઇન આવેદન કરવાની અને ફી ભરવાની વિગતવાર સૂચનાઓ ઉપરોક્ત વેબસાઇટ પર મૂકવામાં આવી છે, જેનો શાળાઓ અને વિદ્યાર્થીઓએ અભ્યાસ કરી લેવા વિનંતી કરવામાં આવી છે.
(6:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
