<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th May 2025

કાલે અમદાવાદના શાસ્ત્રીનગર ચાર રસ્તાથી જયમંગલ BRTS કટ સુધી રસ્તો વાહન માટે પ્રતિબંધિત રહેશે : જાણો વૈકલ્પિક રુટ

નારણપુરા વિસ્તારમાં નવા બનેલ પલ્લવ ઓવરબ્રિજનું ઉદઘાટન તથા નારણપુરા ખાતે એક જાહેરસભાનું આયોજન વાહનોની અવર-જવર માટે પ્રતિબંધિત/ડાયવર્ઝન નક્કી કરતું જાહેરનામું બહાર પડાયું

અમદાવાદમાં નારણપુરા વિસ્તારમાં આવતીકાલે કેન્દ્રીય ગૃહમંત્રી વિકાસકાર્યોનું લોકાર્પણ કરવાના છે. આ તરફ હવે નારણપુરા વિસ્તારમાં નવા બનેલ પલ્લવ ઓવરબ્રિજનું ઉદઘાટન તથા નારણપુરા ખાતે એક જાહેરસભાનું આયોજન વાહનોની અવર-જવર માટે પ્રતિબંધિત/ડાયવર્ઝન નક્કી કરતું પોલીસ કમિશનર, અમદાવાદર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામા મુજબ આવતીકાલ તા.18/05/2025 ના રોજ માનનીય કેન્દ્રીય ગૃહમંત્રીના વરદ હસ્તે નારણપુરા વિસ્તારમાં નવા બનેલ પલ્લવ ઓવરબ્રિજનું ઉદઘાટન તથા નારણપુરા ખાતે એક જાહેરસભાનું આયોજન કરવામાં આવેલ હોય જે કાર્યક્રમ દરમિયાન શાસ્ત્રીનગર ચાર રસ્તાથી જયમંગલ BRTS કટ સુધીનો માર્ગ વાહનોની અવર જવર માટે પ્રતિબંધિત રહેશે.

અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ. મલિકે ગુજરાત પોલીસ અધિનિયમ 1951ની પેટા કલમ 33(1)(1) (બી) (સી)ની સત્તા અન્વયે આવતીકાલ તા.18/05/2025ના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી, ભારત સરકારના વરદ હસ્તે નારણપુરા વિસ્તારમાં નવા બનેલ પલ્લવ ઓવરબ્રિજનું ઉદઘાટન તથા નારણપુરા ખાતે એક જાહેરસભાનું આયોજન કરવામાં આવેલ હોય જેમાં VIPs/VVIPs ઉપરાંત મોટા પ્રમાણમાં અને મર્યાદીત સમયમાં વાહનો સાથે આવતી જનમેદની વચ્ચે વાહનોની અવર-જવર અને ટ્રાફીક પ્રવાહ સરળતાથી પસાર થાય તેમજ માર્ગ અકસ્માતો બનતા નિવારવા માટે જાહેરનામું બહાર પાડ્યું છે.

શાસ્ત્રીનગર ચાર રસ્તાથી જયમંગલ BRTS કટ સુધીનો માર્ગ વાહનોની અવર જવર માટે પ્રતિબંધિત રહેશે.

શાસ્ત્રીનગર ચાર રસ્તા થી ફોનવાલે કટ થી ડાબી બાજુ વળી ટેલીફોન એક્સ્ચેન્જ ચાર રસ્તા થઈ પારસનગર ટી થઈ એ.ઈ.સી. બ્રિજ તરફના માર્ગનો વાહનોની અવર-જવર માટે ઉપયોગ કરી શકાશે. આ સાથે સદર કાર્યક્રમ સાથે સંકળાયેલ વાહનો, ફરજમા રોકાયેલ સરકારી વાહનો, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સના વાહનો તેમજ આકસ્મિક સંજોગોમા વાહન સાથે અવર-જવર કરનારને આ જાહેરનામું લાગુ પડશે નહી.

આ જાહેરનામાનો અમલ ગુજરાત પોલીસ અધિનિયમ 1951 ની કલમ-33 ની જોગવાઈ હેઠળ મહત્તમ સમયમર્યાદાને આધિન રહીને તા.15/05/2025ના સાંજ કલાક 16:00 થી કાર્યક્રમ પુર્ણ ન થાય ત્યાં સુધી કરવાનો રહેશે. આ જાહેરનામાના આદેશોનું ઉલ્લંઘન કરનાર ઇસમ ભારતીય ન્યાય સંહીતા (BNS) 2023 ની કલમ-223 અને ગુજરાત પોલીસ અધિનિયમ કલમ 131 મુજબ શિક્ષાને પાત્ર થશે

આ હુકમ અન્વયે અમદાવાદ કમિશ્નરેટમાં ફરજ બજાવતાં ખાસ/સંયુક્ત/અધિક પોલીસ કમિશનરના દરજ્જાથી પોલીસ કોન્સ્ટેબલ સુધીનો હોદ્દો ધરાવનાર તમામ પોલીસ અધિકારી/ કર્મચારીશ્રીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો સામે ભારતીય ન્યાય સંહીતા (BNS) 2023ની કલમ-223 તથા ગુજરાત પોલીસ અધિનિયમ કલમ-131 મુજબ ફરીયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવ્યા છે.

 

(10:35 PM IST)