<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 18th May 2025

સશક્ત મહિલાઓ દેશના વિકાસનો આધારસ્તંભ - મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરીયા : ગાંધીનગર ખાતે મહિલા સંમેલનમાં અનેક વિકાસ કાર્યોનું લોકાર્પણ

મહિલા અને બાળ વિકાસ મંત્રીના અધ્યક્ષસ્થાને યોજાયેલ સંમેલનમાં સખી વન સ્ટોપ સેન્ટર અને આંગણવાડીઓનું ઈ-લોકાર્પણ : વિવિધ યોજનાઓના લાભાર્થીઓનું સન્માન

ગાંધીનગર: મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરીયાએ જણાવ્યું હતું કે સશક્ત અને સક્ષમ મહિલાઓ દેશના વિકાસનો આધારસ્તંભ છે અને ગુજરાતની વિકાસયાત્રા નારી શક્તિના બળ થકી વધુ વેગવાન બનશે. તેમણે સુપોષિત ગુજરાત બનાવવા માટે દરેક આંગણવાડી કાર્યકરની મહત્વની ભૂમિકા પર ભાર મૂક્યો હતો.
ગાંધીનગર ખાતે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત “મહિલા સંમેલન”માં અધ્યક્ષસ્થાનેથી બોલતા મંત્રી ભાનુબેન બાબરીયાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી માટે દીકરીઓ, યુવતીઓ અને મહિલાઓનો પોષણ અને સર્વાંગી વિકાસ સર્વોપરી છે. તેમના “નારી શક્તિ થી રાષ્ટ્ર નિર્માણ”ના સંકલ્પને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાચા અર્થમાં ચરિતાર્થ કરી રહ્યા છે.
આ પ્રસંગે મંત્રીના હસ્તે ₹૪૮ લાખના ખર્ચે નિર્માણ પામનાર સખી વન સ્ટોપ સેન્ટર - ખેડાનું ઈ-લોકાર્પણ અને જીએસપીસીના સીએસઆર ભંડોળ હેઠળ લાઈટ ગેજ સ્ટીલ ફ્રેમ ટેક્નોલોજીના ઉપયોગથી દાહોદ, કરાઈ અને ખટામ ખાતે બનાવેલી ત્રણ ડેમો આંગણવાડીનું પણ ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
મંત્રી બાબરીયાએ ઉપસ્થિત મહિલાઓના ઉત્સાહને બિરદાવતા જણાવ્યું હતું કે સૌના સહિયારા પ્રયાસથી રાજ્યને સુપોષિત બનાવી શકાશે. આંગણવાડીમાં બાળકોને અપાતા ટી.એચ.આર.ના ઉપયોગથી સુપોષિત ગુજરાતનો લક્ષ્ય સાકાર થઈ રહ્યો છે. તેમણે મહિલા સંમેલનમાં સન્માનિત થનાર બહેનોને અભિનંદન પાઠવ્યા હતા અને આંગણવાડી કાર્યકરોની કામગીરીને બિરદાવવા માટે માતા યશોદા એવોર્ડથી પ્રોત્સાહિત કરવાની વાત કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે મહિલાઓને રાજ્યના સર્વાંગી વિકાસમાં હિસ્સો મળે તે માટે સરકાર દ્વારા મહિલાઓના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર શ્રેષ્ઠ સ્વૈચ્છિક સંસ્થા અને શ્રેષ્ઠ મહિલા કાર્યકરને ગુજરાત મહિલા વિકાસ પુરસ્કાર આપવામાં આવે છે.
મહિલા અને બાળ વિકાસ વિભાગના સચિવ રાકેશ શંકરે જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ અને મંત્રી ભાનુબેન બાબરીયાના માર્ગદર્શનમાં પોષણ ઉત્સવની શરૂઆત કરવામાં આવી હતી અને આજે રાજ્યમાં ૩.૫ લાખથી વધુ લાભાર્થીઓએ તેમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. આઈસીડીએસ કમિશનર રણજીતકુમારે સ્વાગત પ્રવચન કર્યું હતું.
કાર્યક્રમમાં ગુજરાત મહિલા વિકાસ પુરસ્કાર, વ્હાલી દીકરી યોજના અને ગંગા સ્વરૂપા પુનઃલગ્ન આર્થિક સહાય યોજનાના મંજૂરી હુકમોનું વિતરણ, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાના મંજૂરી હુકમોનું વિતરણ, મહિલા સ્વાવલંબન યોજનાના મંજૂરી ચેકનું વિતરણ, માતા યશોદા એવોર્ડ વિતરણ અને પોષણ ઉત્સવ વાનગી સ્પર્ધાના વિજેતાઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. મહિલા કલ્યાણ નિયામક પુષ્પા નિનામાએ આભારવિધિ કરી હતી.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શિલ્પાબેન પટેલ, આઈ.સી.ડી.એસના સંયુક્ત નિયામક અવંતિકા દરજી, ડે. કમિશનર મનીષાબેન પટેલ, મિશન ડાયરેક્ટર જિજ્ઞાસા પંડ્યા, જીઆરસી નિયામક અમીબેન પટેલ સહિત વિભાગના અધિકારીઓ અને મોટી સંખ્યામાં આંગણવાડી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

 

(5:14 PM IST)