તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 17th May 2025
ગુજરાતમાં સહકારી ક્ષેત્રનું મહાકુંભ : રવિવારે સાયન્સ સિટી ખાતે સહકારી મહાસંમેલન : કેન્દ્રીય ગૃહમંત્રી મંત્રી અમિતભાઈ શાહ કરાવશે શુભારંભ
'સહકારથી સમૃદ્ધિ'ના વડાપ્રધાનના સંકલ્પને સાકાર કરવા ૪૫૦૦થી વધુ સહકારી પ્રતિનિધિઓ એકત્ર થશે : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા પણ ઉપસ્થિત રહેશે

અમદાવાદ: સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વર્ષ ૨૦૨૫ને આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે ગુજરાત રાજ્ય સહકારી સંઘ દ્વારા રવિવાર, તા. ૧૮મી મેના રોજ અમદાવાદના સાયન્સ સિટી ખાતે એક ભવ્ય સહકારી મહાસંમેલન-૨૦૨૫નું આયોજન કરવામાં આવ્યું છે. આ મહાસંમેલનમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે અને તેનું શુભારંભ કરાવશે.
આ મહત્વપૂર્ણ સહકારી સંમેલનમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા પણ હાજર રહેશે. ગુજરાત રાજ્ય સહકારી સંઘના પ્રમુખ ઘનશ્યામભાઈ અમીને આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 'સહકારથી સમૃદ્ધિ'ના વિઝનને સાકાર કરવાની દિશામાં આ મહાસંમેલન એક મહત્વપૂર્ણ પગલું છે. રાજ્યભરની વિવિધ સહકારી સંસ્થાઓને એક મંચ પર લાવવાનો અને તેમને પ્રોત્સાહિત કરવાનો આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ છે.
અમિતભાઈ શાહના માર્ગદર્શન હેઠળ સહકાર ક્ષેત્રે અત્યાર સુધીમાં થયેલા વિવિધ સીમાચિન્હરૂપ પ્રકલ્પોથી પણ રાજ્યની સહકારી સંસ્થાઓને આ મહાસંમેલનમાં માહિતગાર કરવામાં આવશે. આ ઉપરાંત, સહકારી સંસ્થાઓના વિકાસ, પ્રગતિ, સંચાલન અને વહીવટમાં સહકાર મંત્રાલયની વિવિધ પહેલો કેવી રીતે ઉપયોગી થઈ શકે છે, તે અંગે નિષ્ણાતો દ્વારા ઉપસ્થિત સહકારી આગેવાનોને જરૂરી માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવશે.
આ સહકારી મહાસંમેલનમાં ગ્રામ્ય, તાલુકા, જિલ્લા અને રાજ્ય કક્ષાની વિવિધ સહકારી સંસ્થાઓના આશરે ૪૫૦૦ જેટલા સહકારી પ્રતિનિધિઓ ભાગ લેશે. ઉલ્લેખનીય છે કે દેશમાં ૮ લાખથી વધુ સહકારી સંસ્થાઓ સાથે ૩૦ કરોડ જેટલા સભાસદો જોડાયેલા છે, જ્યારે ગુજરાતમાં ૮૯ હજારથી વધુ સહકારી સંસ્થાઓ સાથે ૧.૭૦ કરોડ જેટલા સભાસદો સંકળાઈને આર્થિક લાભ મેળવી રહ્યા છે. સમગ્ર દેશમાં સહકારી પ્રવૃત્તિએ ૯૬ ટકા ગામડાઓને આવરી લીધા છે, જે દર્શાવે છે કે સહકારી માળખું શહેરોથી લઈને નાના ગામડાઓ સુધી ફેલાયેલું છે. દરેક ગામમાં ખેડૂત સહકારી મંડળીઓ અને અન્ય મંડળીઓ કાર્યરત છે, તેમ ઘનશ્યામભાઈ અમીને વધુમાં જણાવ્યું હતું.
(7:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
