<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th May 2025

ગુજરાત પોલીસની સાયબર ગુનાઓ સામે ભવ્ય સફળતા : છેલ્લા ૧૫ દિવસમાં ચાઇનીઝ ગેંગના સાગરીતો અને ડિજિટલ એરેસ્ટ જેવા ૧૨ મહત્વના કેસ ઉકેલાયા : કરોડો રૂપિયાની છેતરપિંડીનો પર્દાફાશ

અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરાની સાયબર ક્રાઇમ ટીમોએ ટેકનોલોજી અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે કમ્બોડિયા, નેપાળ અને દુબઈથી ઓપરેટ થતી ગેંગના સભ્યોને ઝડપી પાડ્યા : ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પોલીસ ટીમોને અભિનંદન પાઠવ્યા

ગાંધીનગર: સાયબર ક્રાઇમ સમગ્ર વિશ્વ માટે એક મોટો પડકાર બની રહ્યો છે ત્યારે ગુજરાત પોલીસે છેલ્લા ૧૫ દિવસમાં સાયબર ગુનાઓ સામે એક મોટી સફળતા હાંસલ કરી છે. રાજ્યની સાયબર ક્રાઇમ ટીમોએ અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં કાર્યરત રહીને ૧૨ જેટલા મહત્વના સાયબર કેસ ઉકેલી નાખ્યા છે, જેમાં ચાઇનીઝ સાયબર ક્રાઇમ ગેંગના સાગરીતો અને ડિજિટલ એરેસ્ટ જેવા ગુનાઓ આચરનારા ભેજાબાજોનો સમાવેશ થાય છે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આ સફળતા બદલ ગુજરાત પોલીસની તમામ ટીમો અને તેમને માર્ગદર્શન આપનાર અધિકારીઓને હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા છે.
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નેતૃત્વ હેઠળ દેશભરમાં સાયબર ક્રાઇમને અટકાવવા અને ગુનેગારોને પકડવા માટે ટેક્નોલોજીનો મહત્તમ ઉપયોગ કરીને મક્કમ કાર્યવાહી કરવામાં આવી રહી છે. ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ ગુજરાત પોલીસે સાયબર ક્રાઇમ રોકવા માટે જાગૃતિ અભિયાનની સાથે સાથે અધ્યતન સંસાધનો અને તજજ્ઞ અધિકારીઓની ટીમની મદદથી નોંધપાત્ર સફળતા મેળવી છે. રાજ્ય સરકારે આ બજેટમાં કરોડો રૂપિયાના ખર્ચે હાઇટેક સાયબર એક્સલેન્સ સેન્ટર તૈયાર કરવા માટે પણ વિશેષ જોગવાઈ કરી છે.
છેલ્લા ૧૫ દિવસમાં અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે કમ્બોડિયા અને નેપાળથી સંચાલિત ચાઇનીઝ સાયબર ક્રાઇમ ગેંગના ૬ સભ્યોની ધરપકડ કરી છે, જેમણે એક વ્યક્તિનું બેંક ખાતું હેક કરીને ૪૮.૮૫ લાખ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કર્યું હતું અને ફરિયાદીને નેપાળની હોટેલમાં ૬ દિવસ સુધી ગોંધી રાખ્યા હતા. આ ઉપરાંત, સુરત સાયબર ક્રાઇમ સેલે ડિજિટલ એરેસ્ટ દ્વારા ૧૪.૯૪ લાખ રૂપિયાની છેતરપિંડી કરનારા બે આરોપીઓને ઝડપી પાડ્યા છે, જેમણે ફરિયાદી મહિલાને ખોટી ઓળખ આપી ડ્રગ્સના પાર્સલનું બહાનું બતાવ્યું હતું. અમદાવાદમાં સાયબર ફ્રોડ અને છેતરપિંડીના ૭ ગુનાઓમાં સંડોવાયેલા એક આરોપીની પણ ધરપકડ કરવામાં આવી છે, જે નેપાળમાં કંબોડિયન-ચાઈનીઝ નાગરિકો સાથે નાણાંની હેરફેર કરતો હતો.
સુરત સાયબર ક્રાઇમ સેલે દુબઈથી સાયબર ફ્રોડ આચરતી ગેંગના એક સભ્યની ધરપકડ કરી છે, જેણે POS મશીન દ્વારા દિરહામ ઉપાડીને છેતરપિંડી કરી હતી. પોલીસે તેની પાસેથી ૪ મોબાઇલ, ૫ ડેબિટ કાર્ડ અને ૧૨ સિમકાર્ડ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. અન્ય કેસમાં, ફોરેક્સ ટ્રેડિંગની લોભામણી ઓફર આપીને ૯,૩૦,૭૦૦ રૂપિયાની ઠગાઈ કરનાર એક આરોપીની પણ ધરપકડ કરવામાં આવી છે, જેણે ઇન્સ્ટાગ્રામ દ્વારા બનાવટી એપમાં રોકાણ કરાવીને છેતરપિંડી કરી હતી. સુરત પોલીસે વિમા કંપનીના નામે ખોટી પોલીસી વેચાવીને ૯૮.૮૫ લાખ રૂપિયાની ઠગાઈ કરનારા બે આરોપીઓની પણ ધરપકડ કરી છે, જેમણે ફોન અને ઇમેઇલ દ્વારા ખોટી માહિતી આપી હતી. વધુમાં, ૯૦ વર્ષના સિનિયર સિટિઝનને ડિજિટલ એરેસ્ટ કરીને ૧,૧૫,૫૦,૦૦૦ રૂપિયાની ઠગાઈ કરનાર એક નેપાળી નાગરિકને લખનૌ એરપોર્ટથી ઝડપી પાડવામાં આવ્યો છે, જ્યારે અમદાવાદના એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે જેણે સિનિયર સિટિઝનને ડિજિટલ એરેસ્ટ કરીને ૨૨,૦૦,૪૦૦ રૂપિયાની છેતરપિંડી કરી હતી.
રાજકોટ સાયબર ક્રાઇમ ટીમે બનાવટી પ્રોફાઇલ બનાવીને નાણાંની છેતરપિંડી કરનાર એક આરોપીની ગુજરાત-મહારાષ્ટ્ર બોર્ડર પરથી ધરપકડ કરી છે, જ્યારે ઓનલાઈન ગેમ્બલિંગ વેબસાઇટ્સના પ્રમોશન બદલ ૯ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. વડોદરા સાયબર ક્રાઇમ પોલીસે મે ૨૦૨૫ સુધીમાં ૨.૭૧ કરોડ રૂપિયાના ફ્રોડમાંથી ૧.૦૧ કરોડ રૂપિયા રિફંડ કરાવ્યા છે અને ૨૩ લાખ રૂપિયાના ડિજિટલ એરેસ્ટ ફ્રોડના એક આરોપીને પુણેથી પકડ્યો છે, જેણે ૧૫થી વધુ બેંક ખાતાઓ દ્વારા ૫૦ લાખ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કર્યું હતું. સ્ટેટ સાયબર ક્રાઇમ સેલે ગેરકાયદે સ્ટ્રીમિંગ સેવા પૂરી પાડનાર આરોપીઓ વિરુદ્ધ તપાસ શરૂ કરી છે, જેનાથી ભારતીય ચેનલોને આવકનું નુકસાન થયું હતું.
ગુજરાત પોલીસની આ સફળતા ટેક્નોલોજી અને પોલીસ કર્મચારીઓના સમર્પણનું પરિણામ છે. ગુજરાત સરકાર સાયબર ક્રાઇમ સામે ઝીરો ટોલરન્સની નીતિ સાથે કામ કરી રહી છે અને આ કાર્યવાહીઓથી ગુજરાત પોલીસે સાયબર ક્રાઇમ સામેની લડાઈમાં એક નવો આયામ સ્થાપિત કર્યો છે.

 

(4:57 PM IST)