<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th May 2025

તમાકુના ૭૦: વાસણના ૧૩ વેપારીને ત્‍યાં સ્‍ટેટ GSTના દરોડા

બિલ વગર જ મોટા પાયે વેચાણ કરવામાં આવતું હોવાની વિગતો મળતા તપાસ ચાલુ

અમદાવાદ,તા.૧૭: સ્‍ટેટ મોનિટરીંગ સેલની ટીમે લાંબા સમયના હોમવર્ક બાદ વાસણના મોટા વેપારીઓને ત્‍યાં દરોડા પાડીને મોટા પ્રમાણમાં GST ચોરી શોધી કાઢી છે. અમદાવાદ સહિત વિજાપુર તથા ઉંઝા અને ઉનાવાના તમાકુના વેપારીઓની ઓફિસ તથા ખડીઓ પર દરોડા પાડ્‍યા હતા. જ્‍યારે અમદાવાદના વાસણના ૧૩ વેપારીઓ પર પણ બે દિવસ દરોડા પાડીને તપાસ કરી હતી. જેમાં ખાસ્‍સી વિગતો સામે આવતા તે દિશામાં તપાસ ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે, માત્ર ગુજરાતમાં જ ૫૦ હજાર કરોડથી વધુ બોગસ બિલિંગ કાંડની તપાસ ચાલી રહી છે. મંથરગતિએ ચાલતી તપાસની આરોપીઓ ગેરફાયદો ઉઠાવી રહ્યા હોવાની ચર્ચા GST ઓફિસમાં ચાલી રહી છે.

સ્‍ટેટ GSTની ઈન્‍વેસ્‍ટિગેશન ટીમને બાતમી મળી હતી કે, અમદાવાદના વાસણના મોટા વેપારીઓ કરોડો રૂપિયાની ખરીદી અને વેચાણ બિલ વગર જ કરીને GST ચોરી કરી રહ્યાં છે. જેને પગલે અધિકારીઓએ તેનો અભ્‍યાસ કરી મોટા ૧૩ વેપારીઓને ત્‍યાં બે દિવસ સુધી દરોડા પાડી હિસાબો ચેક કરતાં કરોડો રૂપિયાની ખરીદી અને વેચાણ બિલ વગર જ થયું હોવાનું સામે આવ્‍યું હતું. બીજી તરફ તેમના સ્‍ટોક અને કાચી ચિઠ્ઠી દ્વારા કરવામાં આવેલા વ્‍યવહારોની વિગતો પણ મળી હતી. જે અંગેની તપાસ ચાલી રહી છે. જેમાં મોટી કરચોરી સામે આવે તેવી સંભાવના વ્‍યક્‍ત થઈ રહી છે.

બીજી તરફ અમદાવાદ અને ઉત્તર ગુજરાતના તમાકુના વેપારીઓ પણ કરોડો રૂપિયાનો ધંધો બિલ વગર જ કરી રહ્યા હોવાની મળેલી વિગતોને આધારે GSTની ટીમે અમદાવાદ, મહેસાણા, ઉંઝા, ઉનાવા અને વિજાપુરના મોટા વેપારીઓ ઓફિસ અને તેઓ જ્‍યાં તમાકુ રાખતા હોય તેવી ખળી પર તપાસ શરૂ કરી હતી. અધિકારીઓએ ૭૦ પ્રિમાઈસીસ પર દરોડા પાડીને કરોડો રૂપિયાના બિનહિસાબી વ્‍યવહારો શોધી કાઢયા છે. તમાકુના વેપારીઓ પર દરોડાની કામગીરી ચાલી રહી હોવાનું અધિકારીઓ જણાવી રહ્યા છે. ઉત્તર ગુજરાત ઉપરાંત ખાસ કરીને ચરોતરના તમાકુના વેપારીઓ દ્વારા પણ મોટા પાયે બિલ વગર જ તમાકુની ખરીદી અને વેચાણ કરવામાં આવી રહ્યું છે.(૪૦.૨)

(12:18 PM IST)