<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 11th May 2025

આવતીકાલ સુધી વરસાદી માહોલ, બાદ રાજયમાં ફરી ગરમી વધશે, સાત દિવસમાં તાપમાન ૩ થી પ ડીગ્રી વધશે

ર૪ મી મે થી પ્રિમોન્‍સુન એકટીવીટી શરૂ થશે, આ વખતનું ચોમાસુ ખૂબ સારૂ, ૯૮ થી ૧૦૬ ટકા વરસાદ પડશેઃ પરેશ ગોસ્‍વામી

અમદાવાદઃ ગુજરાતના હવામાન વિશે પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે રાજ્યમાં હજુ 2 દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે. જેમાં સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, દાહોદ, મહેસાણા, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, સુરેન્દ્રનગર, પોરબંદર, રાજકોટ, અમરેલી, બોટાદ, મોરબી, જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવમાં વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. શનિવારે જૂનાગઢ, પોરબંદર સહિતના જિલ્લામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો.

પરેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર 22 મે સુધી ચોખ્ખું વાતાવરણ રહેશે. 2 દિવસ વાદળા જોવા મળશે. જેના લીધે તાપમાનમાં ઘટાડો થશે પણ ફરીથી તાપમાન 40 થી 42 ડિગ્રી સુધી પહોંચશે. આજે અને આવતીકાલે વરસાદી માહોલ છવાયેલો રહેશે. ત્યારબાદ રાજ્યમાં ફરી ગરમીનો અનુભવ થશે. આગામી સાત દિવસ દરમિયાન રાજ્યમાં 3 થી 5 ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે. આજે રાજ્યના તમામ જિલ્લામાં છુટાછવાયા સ્થળે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. પવનની ગતિ 30 થી 40 કિમીની રહેશે.

વરસાદ વિશે વાત કરતાં પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યમાં 24 મેથી પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે. 28 મે સુધી પવન સાથે વરસાદ રહેશે. આ વખતનું ચોમાસું ખૂબ સારું રહેશે. નૈઋત્યમાં ચોમાસામાં 98 થી 106 % વરસાદ થશે. અત્યારે જે માવઠું થઈ થઈ રહ્યું છે તેની કોઈ અસર ચોમાસા પર થશે નહીં.

(4:02 PM IST)