<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 11th May 2025

"મેદસ્વિતા મુક્ત ગુજરાત" અભિયાન : અમદાવાદ સિવિલ હોસ્પિટલની અનોખી પહેલ : નિઃશુલ્ક ડાયટિશિયન OPD શરૂ

૧૨૦૦ બેડ હોસ્પિટલ ખાતે ડાયેટિશિયન OPD નો પ્રારંભ : મેદસ્વિતા ઘટાડવા, NCD દર્દીઓ અને કુપોષિત બાળકોને નિષ્ણાત માર્ગદર્શન મળશે

અમદાવાદ, તા. ૧૧ મે: વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના મેદસ્વિતા મુક્ત ભારતના સંકલ્પને સાકાર કરવા અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ દ્વારા રાજ્યમાં શરૂ કરાયેલા "મેદસ્વિતા મુક્ત ગુજરાત" અભિયાનને વધુ વેગ આપવા માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલે એક નવી પહેલ કરી છે. હોસ્પિટલ ખાતે હવે નિઃશુલ્ક ડાયટિશિયન OPD શરૂ કરવામાં આવી છે, જે મેદસ્વિતા ઘટાડવા ઇચ્છતા લોકો, બિન-સંચારી રોગો (NCD) ધરાવતા દર્દીઓ, કુપોષિત બાળકો તેમજ સગર્ભા અને ધાત્રી માતાઓ માટે અત્યંત ઉપયોગી સાબિત થશે.
આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલની સૂચનાને પગલે અમદાવાદ સિવિલ હોસ્પિટલની ૧૨૦૦ બેડ હોસ્પિટલમાં "Dietician OPD" (રૂમ નં. G-૦૨૫) નો શુભારંભ કરવામાં આવ્યો છે. આ OPD દરરોજ સવારે ૯:૦૦ થી ૧:૦૦ અને બપોરે ૨:૦૦ થી ૫:૦૦ સુધી કાર્યરત રહેશે. અહીં નિષ્ણાત ડાયેટીશિયન દ્વારા મેદસ્વિતા ઘટાડવા માટે યોગ્ય આહારની માર્ગદર્શિકા, પોષણ અંગેની કાઉન્સેલિંગ અને દરેક વ્યક્તિ માટે તેમના સ્વાસ્થ્યની જરૂરિયાત મુજબ વ્યક્તિગત ડાયટ પ્લાન આપવામાં આવશે. આ ઉપરાંત, બોડી માસ ઇન્ડેક્સ (BMI) ઘટાડવા અંગે પણ યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે.
આ સેવા દર્દીઓને તેમના સ્વાસ્થ્યને સુધારવામાં, શરીરમાં ઊર્જા વધારવામાં અને એક સંતુલિત જીવનશૈલી જીવવા માટે માર્ગદર્શન આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. સિવિલ હોસ્પિટલ દ્વારા શરૂ કરવામાં આવેલી આ સેવા સંપૂર્ણપણે નિઃશુલ્ક છે અને તમામ જરૂરિયાતમંદ લોકો માટે ખુલ્લી છે. વધુ માહિતી મેળવવા માટે ૧૨૦૦ બેડ હોસ્પિટલ, અમદાવાદના રૂમ નં. G-૦૨૫ ની મુલાકાત લેવા માટે હોસ્પિટલ તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત રાજ્ય બિન-સંચારી રોગો (NCDs) જેવા કે ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર, હૃદયરોગ અને સ્થૂળતા સામે જાગૃતિ લાવવા અને યોગ્ય પોષણ માર્ગદર્શન આપવા માટે "મેદસ્વિતા મુક્ત ગુજરાત" અભિયાન ચલાવી રહ્યું છે. આ અભિયાનને વધુ સફળ બનાવવાના ઉમદા હેતુથી આ નવી પહેલ હાથ ધરવામાં આવી છે, તેમ સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોષીએ જણાવ્યું હતું.

(3:00 PM IST)