તા. ૧૯ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૦ ગુરૂવાર
News of Thursday, 8th May 2025
બેંક ખાતા ખોલાવી સાયબર ઠગાઈ: બેંક ખાતા પુરા પાડનારનો પર્દાફાશ:ભેજાબાજ ગેંગને ઝડપી લેવાઈ
એક એકાઉન્ટ દીઠ આ આરોપીઓને 12 હજાર રૂપિયા મળતા હતા અને એકાઉન્ટ ખોલાવનારને 4-5 હજાર રૂપિયા આ આરોપીઓ આપતા હતા.

અમદાવાદ :ગરીબ લોકો પાસે બેંક ખાતા ખોલાવી તે ખાતા સાયબર ઠગાઈનાં રૂપિયા મેળવવા માટે આપનાર ગેંગ ઝડપાઈ છે, શહેર પોલીસને એક ફોન આવ્યો અને આખી ગેંગ પકડાઈ ગઈ છે
વાસણા પોલીસે યોગેન્દ્ર છીપા, આશુપ્રતાપસિંઘ રાઠોડ, મહર્ષિ દવે, યારુકમીયા શેખ નામનાં આરોપીઓની ધરપકડ કરી છે. આ આરોપીઓ મૂળ રાજસ્થાન અને હાલમાં કચ્છનાં મુદ્રામાં જુદા જુદા કામ સાથે સંકળાયેલા છે, હાલમાં જ વાસણા પોલીસને એક માહિતી મળી હતી જેમાં ઉત્તરપ્રદેશનાં પાસીંગની કારમાં અમુક શખ્સો અંજલિ ચાર રસ્તા પાસેની હોટલમાં બે દિવસથી રોકાયા હતા, પોલીસે હોટલમાં જઈને ત્યાં રોકાનાર આ તમામ શખ્સોની તપાસ કરતા મોટો ખુલાસો થયો હતો. આ આરોપીઓ સાયબર ઠગાઈ માટે જે બેંક ખાતાની જરૂર પડતી હોય છે તે બેંક ખાતા ખોલવડાવી તેની કીટ મુખ્ય આરોપીઓ સુધી પહોંચાડવાનું કામ કરતા હતા, જેના માટે આરોપીઓને સારૂ એવુ કમિશન પણ મળતુ હતું.
મહર્ષિ દવે અને યારુકમિયાં શેખનાં કહેવાથી યોગેન્દ્ર છીપા અને આશુપ્રતાપસિંઘ રાઠોડ કમિશનની લાલચમાં રાજસ્થાન ખાતે રહેતા પોતાનાં મિત્રો સગા સંબંધીઓને રેસ્ટોરેન્ટ, પાનનાં ગલ્લાનાં વેપાર જેવા કામે માટે એકાઉન્ટ ખોલાવવાનું કહેતા હતા, જે માટે જે તે વ્યક્તિનાં ડોક્યુમેન્ટ મેળવી બેંક ખાતુ ખોલાવી તે વ્યક્તિનાં નવા સીમકાર્ડનો નંબર બેંક સાથે લીંક કરાવી તે બેંકની કીટ બનાસકાંઠાનાં બીપીન મહારાજ નામનાં વ્યક્તિને આપતા હતા. આ કામ માટે એક એકાઉન્ટ દીઠ આ આરોપીઓને 12 હજાર રૂપિયા મળતા હતા અને એકાઉન્ટ ખોલાવનારને 4-5 હજાર રૂપિયા આ આરોપીઓ આપતા હતા.
આરોપીઓની પુછપરછ કરતા તેઓએ બીપીન મહારાજને 12 અલગ અલગ બેંકની કીટો મોકલાવી હોવાનું સામે આવ્યું છે. ઝડપાયેલા આરોપીઓમાં યોગેન્દ્ર છીપા મુંદ્રા પોર્ટ પર અદાણી કંપનીમાં એન્જીનીયર કરીકે દોઢ વર્ષથી નોકરી કરે છે, આશુપ્રતાપસિંઘ બેરોજગાર છે, મહર્ષિ દવે મુંદ્રા ખાતે ન્યુ ટ્રાન્સપોર્ટ કંપનીના નામથી ઓફિસ ધરાવે છે, જ્યારે યારુકમિયા શેખ મુંદ્રામાં રાજલ કલેક્શન નામની મોબાઈલની દુકાનમાં નોકરી કરે છે. આરોપીઓ પાસેથી એક ગાડી, 6 ફોન, 3 ડેબીટકાર્ડ, બેંકની કીટ, ચેકબુક અને પાસબુક સહિત 3.15 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે, જોકે આ આરોપી સાથે સામેલ બનાસકાંઠાનો બીપીન મહારાજ ફરાર હોય તેને પકડવા ટીમો કામે લગાડવામાં આવી છે, તેના ઝડપાયા બાદ મોટા નેટવર્કનો પર્દાફાસ થઈ શકે છે.
(8:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
