<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th May 2025

રાજયમાં 17 તાલુકામાં વરસાદ : તાલાલામાં સૌથી વધુ બે ઇંચ વરસાદ વરસ્યો

ગુજરાતમાં હજુ 24 કલાક માટે અતિ તીવ્ર ગાજવીજ અને પવન સાથે ભારે માવઠું થાય તેવી સંભાવનાઓ

અમદાવાદ :રાજ્યમાં છેલ્લા કેટલાય દિવસોમાં રેકોર્ડ બ્રેક ગરમી વચ્ચે છેલ્લા ચારેક દિવસથી ગુજરાતના હવામાનમાં પલટો જોવા મળ્યો છે. જેમાં ભરઉનાળે ચોમાસું જામ્યુ હોય, તેમ ગત રવિવારે રાતથી રાજ્યના વિવિધ ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ પડી રહ્યો છે. જો કે આજે વરસાદનું જોર એકંદરે ઘટ્યું હોય તેમ લાગી રહ્યું છે. આજે વહેલી સવારથી રાજ્યના 17 તાલુકામાં માંડ વરસાદ નોંધાયો છે. જે પૈકી સૌથી વધુ પોણા 2 ઈંચ વરસાદ ખાબક્યો છે.

ગાંધીનગર સ્થિત સ્ટેટ ઈમરજન્સી સેન્ટર દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર, આજે વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું, પરંતુ વરસાદ નહતો પડ્યો. જો કે બપોરે 12 વાગ્યા પછી દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં આકાશ કાળા વાદળોથી ઘેરાઈ ગયું હતુ. જે બાદ વલસાડ અને ડાંગ જેવા જિલ્લામાં ઝરમર-ઝરમર વરસાદ વરસ્યો હતો. આજે આખા દિવસ દરમિયાન 4 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. જ્યારે બપોરે 2 થી 4 વાગ્યા સુધીના 2 કલાકના સમયગાળા દરમિયાન રાજ્યના 13 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં ગીર સોમનાથ જિલ્લાના તાલાલામાં 44 મિ.મી (1.7 ઈંચ), વલસાડના કપરાડામાં 34 મિ.મી (1.3 ઈંચ), તાપીના ડોલવણમાં 34 મિ.મી (1.3 ઈંચ), ગીર સોમનાથના ગીર ગઢડામાં 30 મિ.મી (1.1 ઈંચ) વરસાદ નોંધાયો છે.

હવામાન વિભાગની આગાહી મુજબ, ગુજરાતમાં હજુ 24 કલાક માટે અતિ તીવ્ર ગાજવીજ અને પવન સાથે ભારે માવઠું થાય તેવી સંભાવનાઓ છે. આવતીકાલે 9 મે અને પરમ દિવસે 10 મે હળવા છૂટા છવાયા મધ્યમ ભારે ઝાપટાઓ જોવા મળશે. એટલે અત્યારે જે સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ આજે 8 મે 2025 ના રોજ મોડી રાત સુધીમાં ગુજરાત ઉપરથી પસાર થઈ જશે, એટલે હવે ધીમે ધીમે માવઠામાંથી રાહત પણ મળશે. પણ આવનારા 24 કલાક હજુ પણ સાવચેત રહેવાની ખાસ જરૂર દેખાઈ રહી છે.

 


 

(7:35 PM IST)