<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th May 2025

મોંઘું મિલન! અમદાવાદીને હોટલમાં યુવતી સાથેની અંગત મુલાકાત દોઢ કરોડમાં પડી

કાપડના એક વેપારીને એપ્‍લિકેશન મારફતે અજાણી યુવતી સાથે સંપર્ક કરવો ભારે પડયો : યુવતીને માર માર્યો હોવાથી પોલીસ કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને પોલીસ અધિકારી તરીકેની ઓળખ આપીને યુવક પાસેથી રૂપિયા પડાવ્‍યાં

અમદાવાદ,તા.૦૮: કાપડના એક વેપારીને એપ્‍લિકેશન મારફતે અજાણી યુવતી સાથે સંપર્ક કરવો ભારે પડ્‍યો છે. દિલ્‍હીની હોટલમાં યુવતી સાથેની મુલાકાત બાદ આ યુવતીને માર માર્યો હોવાથી પોલીસ કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને પોલીસ અધિકારી તરીકેની ઓળખ આપીને યુવક પાસેથી કરોડો રૂપિયા પડાવ્‍યાં. જે મામલે ક્રાઇમબ્રાન્‍ચમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

શહેરના પાંજરાપોળ ક્રોસ રોડ પર રહેતા અને કાપડનો વેપાર કરતા યુવકનો સંપર્ક એપ્‍લિકેશન મારફતે એક યુવતી સાથે થયો હતો. યુવતીએ પોતાનું નામ જાનવી જણાવીને યુવક પાસે ફોન નંબર માગ્‍યો હતો. બાદમાં બંને વોટ્‍સઅપ પર વાતચીત કરતા હતા. યુવક વેપાર અર્થે દિલ્‍હી ગયો ત્‍યારે યુવતી તેને મળવા માટે આવી હતી. જોકે આ સમયે તેણે પોતાનું નામ જાનવીને બદલે બીજું જણાવ્‍યું હતું. ૧૫થી ૨૦ મિનિટ વાતચીત કર્યા બાદ યુવતી ત્‍યાંથી જતી રહી હતી. પરંતુ રાત્રીના સમયે જાનવીએ યુવકને મેસેજ કરીને કહ્યું હતું કે હોટલમાં જે યુવતી મળવા માટે આવી હતી તેને તે માર માર્યો છે. તેને લોહી નીકળેલ છે. જે તારા વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ કરવા માટે ગુડગાંવ પોલીસ સ્‍ટેશન જાય છે.

બીજા દિવસે કોસલેન્‍દ્ર કુમારસિંગ નામના વ્‍યક્‍તિએ યુવકને ફોન કરીને કહ્યું હતું કે પોતે ડીએલએફ ફેઝ ૧ પોલીસ સ્‍ટેશન ગુડગાંવથી સબ ઇન્‍સ્‍પેક્‍ટર બોલે છે. તમારા વિરુદ્ધમાં ફરિયાદ આવેલ છે, તમારે પોલીસ સ્‍ટેશન આવવું પડશે. જેથી યુવક ગુડગાંવ પોલીસ સ્‍ટેશન ગયો હતો. જ્‍યાં પોલીસ યુનિફોર્મમાં આવેલ એક વ્‍યક્‍તિ તેને પોલીસ સ્‍ટેશનના પહેલા માળે લઈ ગયેલ. જ્‍યાં ટેબલ પર કાગળો મૂકીને તારા વિરુદ્ધમાં મહિલાએ હોટલની રૂમમાં બોલાવી માર માર્યો હોવાની ફરિયાદ કરેલ છે. તારી વિરુદ્ધમાં ઘણી બધી કલમો હેઠળ ગુનો દાખલ થશે તેમ કહીને સબ ઇન્‍સ્‍પેક્‍ટર કોસલેન્‍દ્ર કુમારસિંગ સાથે વાત કરી લેવા જણાવ્‍યું હતું. બાદમાં તેને પોલીસ સ્‍ટેશનની બહાર લઈ ગયેલ. જ્‍યાં એક ચાની કીટલી પર બેસાડી કોસલેન્‍દ્ર કુમારસિંગએ એક થી બે કલાક ડરાવી અને કેસ ફાઈલ કરવા માટે રૂપિયા ૫ લાખની માંગ કરી હતી. પરંતુ યુવક પાસેથી આટલા બધા રૂપિયા ના હોવાથી રોકડ, પેટીએમ, એટીએમમાંથી કુલ રૂપિયા ૧.૫૦ લાખ પડાવી લીધા હતા. બાદમાં સમાધાન માટે લખાણ લખાવીને યુવકને છોડી મૂકવામાં આવ્‍યો હતો.

ત્‍યારબાદ કોસલેન્‍દ્ર કુમારસિંગએ યુવકને અવારનવાર અલગ અલગ બહાના બતાવીને રૂપિયા પડાવતો હતો. જોકે રૂપિયાની માંગ વધતા યુવકએ રૂપિયા આપવાની ના પાડી દીધી હતી. જેથી કોસલેન્‍દ્રએ યુવકને ડેપ્‍યુટી સુપ્રિટેન્‍ડન્‍ટ નિર્ભય કુમારસિંગને કેસ ફાઈલ કરવા માટે રૂપિયા આપવાની વાત કરી હતી. આમ કેસ ફાઈલ કરવા માટે અવારનવાર રૂપિયાની માંગણી કરવામાં આવતી હતી. બાદમાં યુવકને તારા વિરુદ્ધની ફરિયાદ ક્રાઇમબ્રાન્‍ચમાં ટ્રાન્‍સફર કરવામાં આવી છે. તારો કેસ ક્રાઇમબ્રાન્‍ચના પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર દીપક હેન્‍ડલ કરે છે. તેમનો મેસેજ આવશે. તેમ કહેવામાં આવ્‍યું હતું. દીપકએ પણ કેસ ફાઈલ કરવા માટે રૂપિયાની ઉઘરાણી શરૂ કરી હતી. આમ યુવક પાસેથી અલગ અલગ સમયે કુલ રૂપિયા ૧ કરોડ ૫૯ લાખ ૪૪ હજાર ચૂકવી આપેલ હતા. છતાં કેસ ફાઈલ કરવા માટે રૂપિયાની માંગણી કરીને જેલમાં પૂરી દેવાની ધમકી આપતા સમગ્ર મામલે અમદાવાદ ક્રાઇમબ્રાન્‍ચના અધિકારીને જાણ કરવામાં આવી હતી. ક્રાઇમબ્રાન્‍ચ દ્વારા આ બાબતે કોસલેન્‍દ્ર કુમારસિંગ, જાનવી, નંદીની, નિર્ભયસિંગ, દીપક અને તેના મળતીયાઓ વિરુદ્ધમાં ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

(4:38 PM IST)