તા. ૧૯ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૦ ગુરૂવાર
News of Thursday, 8th May 2025
વલસાડ જિલ્લામાં સતત ચાર દિવસથી વરસેલા વરસાદને કારણે કેરીના પાક વ્યાપક નુકસાન : જિલ્લામાં અવાર નવાર વરસાદ અને બદલાયેલા વાતાવરણને કારણે 50% થી વધુ નુકસાન
ખેડૂતોની સરકાર સમક્ષ મદદની માંગ : વલસાડ જિલ્લા કલેકટરે પણ કેરીના પાકને થયેલા નુકસાનીનું સર્વે કરી વહેલી તકે સરકારને રિપોર્ટ કરી જરૂરી કાર્યવાહી કરશે તેવી ખાતરી આપી

વલસાડ તા.૮ : વલસાડ જિલ્લામાં સતત ચાર દિવસથી વરસેલા વરસાદને કારણે જિલ્લાના મુખ્ય પાક એવા કેરીના પાક વ્યાપક નુકસાન થયું છે. ખેડૂતોએ આ વર્ષે પણ રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે.
દર વર્ષે વલસાડમાંથી હજારો ટન કેરી એક્સપોર્ટ થાય છે. ગત વર્ષોનું નુકસાન આ વર્ષે ભરપાઈ થઈ શકશે તેવી ખેડૂતો અપેક્ષા રાખી હતી. કેરીનો પાક તૈયાર ગઈ ગયો છે ત્યારે જ કેરીના પાકને વ્યાપક નુકસાન થયું છે.
તોફાની પવન ફૂંકાતા આંબાવાડીઓમાં કેરીઓ ખરી પડી હતી તો કેટલીક જગ્યાએ વાડીઓમાં કલમો પણ જમીન દોસ્ત થઈ હતી. ખેડૂતોના મોઢે આવેલો કોળીયો છીનવાઈ ગયો છે. આ વર્ષે પણ છેલ્લી ઘડીએ ખેડૂતોએ મોટુ નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. ત્યારે ખેડૂતોની સ્થિતિ દયનીય બની છે.
વલસાડ જિલ્લામાં કેરીના પાકમાં થયેલા વ્યાપક નુકસાનને પગલે ખેડૂતો સરકાર સમક્ષ મદદની માંગ કરી રહ્યા છે. તો પરિસ્થિતિને જોતા વલસાડ જિલ્લા કલેકટરે પણ વરસાદ અને મીની વાવાઝોડા જેવા માહોલને કારણે કેરીના પાકને થયેલા નુકસાનીનું સર્વે કરી વહેલી તકે સરકારને રિપોર્ટ કરી જરૂરી કાર્યવાહી કરશે તેવી ખાતરી આપી છે.
વલસાડ જિલ્લાના ખેડૂતોના મતે જિલ્લામાં અવાર નવાર વરસાદ અને બદલાયેલા વાતાવરણને કારણે 50% થી વધુ નુકસાન થઈ ચૂક્યું છે. જોકે તેમ છતાં હજુ સુધી સરકાર દ્વારા સહાય વલસાડ જિલ્લામાં વળતરની જાહેરાત કરવામાં નથી આવી.
આથી વલસાડ જિલ્લાના ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે. વલસાડ જિલ્લામાં નુકસાનીનો સાચો સરવે કરી અને ખેડૂતો સરકાર સમક્ષ વહેલી તકે વળતર ચૂકવવાની માંગ કરી રહ્યા છે.
(3:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
