<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th May 2025

ગુજરાતના ઇન્‍કમટેકસ એડી.કમિશનર સંતોષ કરનાણીના ૧૧ સ્‍થળો ઉપર સીબીઆઇ ત્રાટકીઃ આવકથી વધુ સંપતિનો કેસ

કરનાણી અગાઉ લાખો રૂપીયાની લાંચ લેતા પણ પકડાઇ ચુકયા છે : તેમની પત્‍ની આરતી તથા અન્‍ય સંબંધીઓના અમદાવાદ, ગાંધીનગર તથા જયપુરના નિવાસોમાં દરોડાઃ વહીવટી તંત્રમાં ખળભળાટ

નવી દિલ્‍હી,  તા. ૮: સેન્‍ટ્રલ બ્‍યુરો ઓફ ઇન્‍વેસ્‍ટિગેશન (સીબીઆઈ) એ આજે ગુરુવારે ૨૦૦૫ બેચના ભારતીય મહેસૂલ સેવા (આઈઆરએસ) અધિકારી સંતોષ કર્ણાની સામેના કથિત ભ્રષ્ટાચારના કેસમાં ગુજરાત અને રાજસ્‍થાનમાં ૧૧ સ્‍થળોએ દરોડા પાડયા હતા.

અધિકારીઓએ જણાવ્‍યું હતું કે એજન્‍સીએ ગાંધીનગર, અમદાવાદ અને જયપુરમાં કર્ણાની, તેમના સહયોગીઓ અને પરિવારના સભ્‍યો સાથે જોડાયેલા ૧૧ સ્‍થળોએ દરોડા પાડયા હતા. અધિકારીઓએ જણાવ્‍યું હતું કે, સીબીઆઈએ કરનાની અને તેમની પત્‍ની વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ કાયદા હેઠળ તેમની આવકના જાણીતાસ્ત્રોતો કરતાં વધુ સંપત્તિ એકઠી કરવા બદલ કેસ નોંધ્‍યો છે.

ગુજરાત ઇન્‍કમટેકસ વિભાગના એડિશનલ કમિશનર સતોષ કરનાણી વધુ એક વખત કાયદાના ફંદામાં ફસાયા છે. સેન્‍ટ્રલ બ્‍યુરો ઓફ ઇન્‍વેસ્‍ટિગેશન (સીબીઆઇ) એ આજે અમદાવાદ, ગાંધીનગર અને જયપુરમાં તેમની સાથે સંકળાયેલા કુલ ૧૧ સ્‍થળો પર દરોડા  પાડયા છે.

આ કાર્યવાહીમાં સંતોષ કરનાણી ઉપરાંત તેમના પત્‍ની આરતી કરનાણી અને અન્‍ય સંબંધીઓના નિવાસસ્‍થાનોનો પણ સમાવેશ થાય છે.  ઉલ્લેખનીય છે કે સંતોષ કરનાણી અગાઉ પણ લાખો રૂપિયાની લાંચ લેતા એન્‍ટી કરપ્‍શન બ્‍યુરોના હાથે ઝડપાઇ ચૂકયા છે. સીબીઆઇની આ કાર્યવાહીએ ગુજરાતના વહીવટી તંત્રમાં ખળભળાટ મચાવી દીધો છે.

(4:27 PM IST)