News of Wednesday, 7th May 2025
વાવાઝોડાની અસરથી ૭૦ થી ૮૦% કેરીનો પાક ઝાડ પરથી પડી ગયો
વાવાઝોડાનો કહેરઃજો આવી પરિસ્થિતિ સતત રહેતી હોય તો બાકી રહેલા પાકમાં ફળમાંથી ઈયળ જોવા મળી શકે છે અને માલની ગુણવત્તા પણ બગડી શકે છે

મહેસાણા: આ વર્ષે મે મહિનાની શરૃઆતમાં પડેલા કમોસમી વરસાદ અને વધુ પવનના કારણે ધાન્ય, કઠોળ તેમજ બાગાયત પાકમાં ખેડૂતોને મુશ્કેલી પડી રહી છે. મહેસાણા જિલ્લાના બાજીપુરા ગામમાં અંદાજે ૭૦૦ વીઘામાં કેસર કેરીનું વાવેતર છે, પરંતુ વાવાઝોડાની અસરથી ૭૦ થી ૮૦% કેરીનો પાક ઝાડ પરથી પડી ગયો છે, અને ૨૦% પાક હજુ પણ ઝાડ પર છે. જો આવી પરિસ્થિતિ સતત રહેતી હોય તો બાકી રહેલા પાકમાં ફળમાંથી ઈયળ જોવા મળી શકે છે અને માલની ગુણવત્તા પણ બગડી શકે છે.
મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના બાજીપુરા ગામમાં છેલ્લા ૩૦ વર્ષથી કેસર કેરી અને ચીકુનું વાવેતર થાય છે. આ વર્ષે ખેડૂતોને કેસર કેરીનું ઉત્પાદન ગયા વર્ષની સરખામણીએ વધુ મળશે એવી આશા હતી. તેથી દેવીપૂજક સમાજના લોકોએ પણ ઊંચી કિંમતે વાડીના ઇજારા રાખ્યા હતા. છેલ્લા બે દિવસથી કમોસમી વરસાદ અને વાવાઝોડાના કારણે તેમની આશાઓ પર પાણી ફરી વળ્યું છે. આ ઉપરાંત છોડ પર રહેલ કેરીઓમાં રોગ અને જીવાતની શક્યતાઓ ઊભી થઈ છે.
મહેસાણાના વિજાપુર તાલુકાના કુકરવાડા ગામના દેવીપૂજક સમાજના ૪૦ જેટલા ઘરોના લોકો દર વર્ષે બાજીપુરા ગામની આંબાની વાડીઓનું ઇજારો રાખે છે અને પોતાની તથા પરિવારની ગુજરાન ચલાવે છે. આ વર્ષે કેરીમાં ફળ સારો આવ્યો હતો, પરંતુ કુદરતી કહેરને કારણે કેસર કેરી પવનથી ખરી પડી છે અને આંબાની વાડીઓમાં કાચી અને અપરિપક્વ કેરીઓના ઢગલા જોવા મળી રહ્યા છે, જેનાથી માર્કેટ યાર્ડમાં પણ કિંમત સારી મળવાની આશા ઓછી છે. અંદાજે ૭૦ થી ૮૦% પાક ખોટમાં ગયો છે અને ૨૦% પાક હજી પણ છોડ પર છે. વિજાપુરના કુકરવાડા ગામના કનુભાઈ ગાંડાભાઈ દેવીપૂજક, જેમણે છેલ્લા ૧૦ વર્ષથી બાજીપુરા ગામમાં દર વર્ષે આંબાની વાડીનો ઇજારો રાખ્યો છે, તેઓ કહે છે કે *એક આંબામાં અંદાજે ૫થી ૭ મણ જેટલી કેરી આવે છે. આ વર્ષે મેં કુલ ૧૫૦૦ ઝાડનો ઇજારો રાખ્યો હતો, જેમાંથી આ ગામમાં ૩૦૦ ઝાડ રાખ્યા હતા. ફળ પણ સારું આવ્યું હતું, લગભગ ૪થી ૫ લાખ રૃપિયા આ ઇજારા માટે ચૂકવ્યા હતા અને એ સિવાય ૨ લાખ જેટલો ખર્ચ પાણી, દવા અને અન્ય ચીજવસ્તુઓ માટે થયો હતો. હાલ ૭૦% જેટલો માલ ખરી પડ્યો છે અને ૨૦ થી ૩૦% જેટલો પાક ઝાડ પર છે. વધુમાં જણાવ્યું હતુ કે વરસાદ અને વાદળછાયા વાતાવરણની આગાહી અનુસાર ૯ તારીખ સુધી આવું જ વાતાવરણ રહે તો તે પાક પણ ફળમાંથી, ઈયળ અને પવનના કારણે કેરી છૂટી જવાની અને અથડાઈને ડાઘા પડવાની સંભાવના છે, જેના કારણે બજાર ભાવ મળશે નહીં અને જો ઈયળ પડી જશે તો તેનું વેચાણ પણ નહીં થાય. એટલે આ વર્ષે અમને કોઈ પણ જાતનું ઉત્પાદન કે નફો મળશે એવું નથી લાગતું. હાલ કેરીઓના બજારમાં ભાવ ૭ થી ૧૦ રૃપિયા પ્રતિ કિલો ચાલી રહ્યા છે. કેરી પરિપક્વ થાય એ પહેલાં જ કમોસમી વરસાદ અમને નડી ગયો.*
(9:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
