<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st May 2025

ગૌરવની ક્ષણ : ભારતીય નૌકાદળનું આધુનિક યુદ્ધજહાજ 'INS સુરત' બપોરે સુરતના હજીરા પોર્ટ ખાતે પહોંચશે

સુરતના ઐતિહાસિક સમુદ્રી વેપારને પ્રોત્સાહિત કરવા માટે વડાપ્રધાન મોદીએ મેઈક ઈન ઈન્ડિયા યુધ્ધ જહાજને INS સુરત નામ આપ્યું

ભારતીય નૌકાદળનું આધુનિક યુદ્ધજહાજ 'INS સુરત' આજે સુરતના હજીરા પોર્ટ ખાતે આવશે. સુરતના ઐતિહાસિક સમુદ્રી વેપારને પ્રોત્સાહિત કરવા માટે વડાપ્રધાન મોદીએ મેઈક ઈન ઈન્ડિયા યુધ્ધ જહાજને INS સુરત નામ આપ્યું હતું.

ગત ૧૫ જાન્યુઆરી ૨૦૨૫ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુંબઈના નૌસેના ડોકયાર્ડ ખાતે યોજાયેલી વિશિષ્ટ સમારોહમાં INS સુરત અને એક અન્ય યુદ્ધજહાજને રાષ્ટ્રને સમર્પિત કર્યા હતા. ૧૬થી ૧૮મી સદી દરમિયાન સુરત બંદર આંતરરાષ્ટ્રીય વેપાર માટે પ્રસિધ્ધ હતું. સુરતના બંદરો પર વિવિધ વેપારી દેશોના વેપારી જહાજો બંદર પર લંગારાતા હતા. ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ પણ સૌપ્રથમ ટ્રેડિંગ પોઈન્ટ ૧૬મી સદીમાં સુરતમાં સ્થાપ્યું હતું, ભારતીય નૌકાદળનું આધુનિક યુદ્ધજહાજ 'INS સુરત' થકી સુરતના ઐતિહાસિક વારસાને જીવંત માન્યતા અપાઈ છે

 

ભારતીય નૌસેનાના ઈતિહાસમાં સૌપ્રથમવાર સુરતના નામે યુદ્ધજહાજને નામ આપવામાં આવ્યું છે. હજીરા પોર્ટ પર તેનું આગમન શહેર માટે ગૌરવની ક્ષણ રહેશે. 'INS સુરત'ને આવકારવા માટે રાજ્યસભા સાંસદ ગોવિંદભાઈ ધોળકિયા, જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહેશે. તેમજ ૨ મેના રોજ શાળાના બાળકોને નિહાળવાની તક મળશે.

(12:20 PM IST)