<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st May 2025

થેલેસેમીયાઃ ડે કેર સેન્‍ટર માટે સમાજસેવી સંસ્‍થાઓ આશાનું કિરણ

થેલેસેમીયા જાગૃતિ લેખમાળા લેખ-૭

થેલેસેમીયા મેજર બાળકને નિયમિત રીતે અને સમયાંતરે લોહી ચઢાવવું અતિ આવશ્‍યક છે, પરંતુ તેમાં આવતી અડચણો અને મુશ્‍કેલીઓની વાત આપણે ગતાંકમાં જોઈ. સરકારી, ખાનગી અને રેડક્રોસ સંચાલિત બ્‍લડ બેંક હવે પ્રમાણમાં નાના શહેરોમાં પણ ઉપલબ્‍ધ બની છે. આવી બ્‍લડ બેંકના સહકારથી તેની સાથે પરસ્‍પર સંચાલનનો એક નાનો લેખિત કરાર કરીને થેલેસેમીયા ડે કેર સેન્‍ટરની સ્‍થાપના અને શરૂઆત કોઈ પણ સક્ષમ સમાજસેવી સંસ્‍થા (NGO) કરી શકે છે. રોજ ના ૫/૧૦/૧૫ કે ૨૦ બાળકોને લોહી ચઢાવવાની ક્ષમતા સાથે આવું કેન્‍દ્ર સ્‍થાપી શકાય, જે  માંગ અને જરૂરિયાતના આધારે કુલ ૬૦ - ૭૦ બાળકોથી લઈ ૨૫૦ - ૩૦૦ બાળકોની સેવા કરવાની ફરજ બજાવી શકે. કોઈ પણ ડે કેર સેન્‍ટર માટે નીચે મુજબની ત્રણ પ્રકારની સેવા અને સવલતો હોવી જરૂરી છે.

(૧) બ્‍લડ બેંક સાથે સહકાર કરાર અને અંદાજે રોજ ૫ થી લઈ ૨૦ બાળકો ને લોહી ચઢાવી શકાય તેવી માળખાકીય અને સેવાકીય સુવિધાઓ, જેમાં જરૂરિયાત મુજબના હોસ્‍પિટલ-પલંગ, લોહીની થેલી લટકાવી શકાય તેવા સ્‍ટેન્‍ડ, MBBS ડોક્‍ટર તેમ જ જરૂરિયાત મુજબ ર્નસિંગ સ્‍ટાફની સેવા, તેમના માટે ટેબલ ખુરશી, બાળકોની જરૂરી વિગતો સાચવવા માટે કોમ્‍પ્‍યુટર, એક નાનું કાર્યાલય અને સાફસફાઈ માટે કાર્યાલય સ્‍ટાફ, સાવ નાના બાળકો માટે ઘોડિયા, બાળકો ને રમવા અને સમય પસાર કરવા માટેના પાયાના જરૂરી સાધનો, ટીવી,સ્ત્રી અને પુરુષો માટે જુદા ટોયલેટ, યુરિનલ વિગેરે હોય.

(૨) ચા - પાણી અને નાસ્‍તા, ભોજન માટેની પાયાની વ્‍યવસ્‍થા, જે નાના રસોડાના માધ્‍યમથી પૂર્ણ કરી શકાય અથવા શુધ્‍ધ અને  ગુણવત્તા યુક્‍ત આહારની વ્‍યવસ્‍થા બહારથી પણ કરી શકાય.

(૩) બ્‍લડ બેંકને સ્‍વેચ્‍છાએ સહકાર કરારમાં જોડવાના ભાગરૂપે સ્‍વૈચ્‍છિક રક્‍તદાન શિબિરોના આયોજનો કરી બ્‍લડ બેંકને સહાયરૂપ થઈ ગુણવત્તાસભર લોહી મેળવવા માટે રહેણાંક સોસાયટી કે ફ્‌લેટ્‍સ, મોટા કાર્યાલય સંકુલો, ઔધોગિક એકમો, ઉચ્‍ચતર શિક્ષણ સંસ્‍થાઓ, યુનિવર્સિટી કે કોલેજ,  મોટી સંસ્‍થાના સંકુલો વિગેરે જગ્‍યાઓએ કે કોઈ મોટા મેળાવડા, ધાર્મિક -સંગોની ઉજવણી કે અન્‍ય રીતે માનવ મહેરામણ ઉમટતો હોય તેવી જગ્‍યાઓએ આયોજન પૂર્વક સ્‍વૈચ્‍છિક રક્‍તદાન શિબિરોના આયોજન કરી સઘન પ્રયાસો કરી શકાય.

રક્‍તદાન - ઉમદા માનવધર્મ

રક્‍તદાન એ એક રીતે જીવનદાન છે. મેડિકલ સાયન્‍સ અને ટેક્રોલોજી ક્ષેત્રે વિશ્વના વૈજ્ઞાનિકો અને સંશોધકોએ અનેક ક્રાંતિકારી શોધો કરી છે, પરંતુ કુદરતે શરીરમાં આપેલા લોહીનો વિકલ્‍પ આજ સુધી શોધી શકાયો નથી. રક્‍તદાતા રક્‍તદાન કરે તેના ૨૪ થી ૪૮ કલાકમાં જ તેનાં શરીરમાં નવુ રક્‍ત બની જાય છે. ગુજરાતમાં હજારો બાળકો થેલેસેમીયા મેજર રોગથી પીડાય છે, જેમને દર ૧૫ કે ૨૧ દિવસે નિયમિત રીતે લોહી ચઢાવવું પડે છે. આવા બાળકો રક્‍તની ખામીનાં કારણે જીવન-મળત્‍યુ વચ્‍ચે ઝઝૂમતા હોય છે. નિયમિત રક્‍તદાન કરીને તેઓને નવજીવન આપી શકાય છે.

ડે કેર સેન્‍ટર શરૂ કરવા માટેની પાયાની ઔપચારિકતા જેવી કે મેડિકલ બાયો વેસ્‍ટ માટેનું  જોડાણ, નગરપાલિકા કે મહાનગરપાલિકા ની જરૂરી પરવાનગી વિગેરે કોઈ ખાસ તકલીફ વગર મળી જતી હોય છે. અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, જામનગર, ભાવનગર, જેવા ખૂબ મોટા શહેરોમાં અને સુરેન્‍દ્રનગર, મહેસાણા, પોરબંદર, જૂનાગઢ, વેરાવળ, અમરેલી, સાવરકુંડલા, ભુજ, ગાંધીધામ, માંડવી, આણંદ, પાલનપુર, નવસારી, બીલીમોરા કે ગોધરા જેવા નાના શહેરોમાં આવા કેન્‍દ્રો હોવા અતિ જરૂરી છે, જેથી તે ગામ કે શહેર ઉપરાંત આજુ બાજુના ૧૦૦ થી ૨૦૦ કી.મી. ના વિસ્‍તારમાં રહેતા બાળકો અને તેના વાલીઓને તેમની જરૂરિયાત મુજબની પાયાની સવલતો મળી રહે અને તેઓને વધુ પરેશાનીનો ભોગ બનવું ન પડે.

પ્રથમ નજરે જોવાથી આમ સાવ  સામાન્‍ય દેખાતા થેલેસેમીયા પીડિત બાળકોની મનોવ્‍યથા અને શારીરિક તકલીફો અન્‍ય દિવ્‍યાંગ બાળકો કરતા થોડી જુદી હોવાથી સામાન્‍ય પ્રજાની તે તરફ ઘણી અવગણના રહી છે, તેથી થેલેસેમીયા મેજર બાળકોના લાભાર્થે કંઇક સારા અને ઇચ્‍છનીય કરવાના કાર્યો પ્રમાણમાં ઘણા ધીમા અને લોક-નજરથી દૂર રહ્યા છે. હવે જોકે ધીમે ધીમે આ બાબતે જાગળતિ આવી રહી છે, પરંતુ તે પૂરતી ન હોવાથી વધારે સંનિષ્ઠ અને ઘનિષ્ઠ પ્રયાસોની તાતી જરૂર છે, તે એક કડવી વાસ્‍તવિકતા છે.

ગુજરાત માં આવા આગવા કેન્‍દ્ર ની સ્‍થાપનાનો વેગ કેટલો છે અને કયા શહેરો માં આવી પાયાની સેવા થઈ રહેલ છે, તેની વિગત આવતા બુધવારે તારીખ ૭/૫/૨૫ ને વિશ્વ થેલેસેમીયા દિવસૅ ઉજવણી દિન ની પૂર્વ સંધ્‍યા એ આ લેખમાળા ના છેલ્લા લેખ માં આપણે જાણીશું.. થેલેસેમીયા મેજર બાળકનો જન્‍મ અટકાવવા સગાઈ પહેલાં  જ થેલેસેમીયા પરીક્ષણ કરાવો.

યોગેશ એસ.લાખાણી

સિનિયર એડવોકેટ, અમદાવાદ

ઇમેલઃ <yslakhani@ yahoo.com>

(10:58 AM IST)